મુંબઈ, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર
વર્તમાન વર્ષમાં દેશનું કપાસનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી ૧૦ ટકા જેટલું ઘટીને ૩૨૮ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. ગયા વર્ષના ક્રોપ યરમાં કપાસનું ઉત્પાદન ૩૬૫ લાખ ગાંસડી રહ્યું હતું. ૨૦૧૮ના ચોમાસામાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા તથા કર્ણાટકમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડતા તેની અસર કપાસના પાક પર પડી હતી.
દેશમાં ૨૩ લાખ હેકટર વિસ્તાર પર કપાસનું વાવેતર થયું હતું. વરસાદની ખાધને કારણે આ વર્ષ કપાસની ત્રીજી અને ચોથા વખતની ચૂંટવાની પ્રક્રિયા થશે નહીં. સામાન્ય રીતે ભારતના ખેડૂતો ચૂંટવાની પ્રક્રિયા ૪થી પાંચ કરતા હોય છે.
કપાસ પર કિટાણુઓના આક્રમણથી બચવા મહારાષ્ટ્ર તથા તેલંગણાના ખેડૂતોને ગયા વર્ષના ડિસેમ્બર પહેલા જ કોટન પ્લાન્ટસ ઉખેડી કાઢવા સૂચના અપાઈ હતી એમ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું. કોટન ઈન્ડિયા ૨૦૧૯ પરિષદને સંબોધતી વેળા તેમણે આમ જણાવ્યું હતું.
વરસાદની અછતને કારણે આ વર્ષે દેશમાં કપાસના પાક પર અસર પડી છે. ૩૨૮ લાખ ગાંસડી ઉત્પાદનમાંથી ગયા મહિનાના અંત સુધીમાં કુલ ૨૧૩.૪૨લાખ ગાંસડી બજારમાં આવી ગઈ છે અને હજુ ૧૧૪.૫૮ લાખ ગાંસડી આવવાની બાકી છે. આમ કુલ પાકમાંથી ૬૫ ટકા પાક બજારમાં આવી ગયો છે.
૧લી ઓકટોબરથી શરૂ થયેલા કપાસના વર્તમાન ક્રોપ યરમાં કપાસનો ઓપનિંગ સ્ટોકસ ૨૮ લાખ ગાંસડી રહ્યો હતો. આ વર્ષ કપાસનો નિકાસ આંક ૫૧ લાખ ગાંસડી અંદાજાયો છે જેમાંથી ૨૮ ફેબુ્રઆરીના અંત સુધીમાં ૩૦ લાખ ગાંસડીની નિકાસ થઈ ચૂકી છે.
વિશ્વમાં ભારતના કપાસના ભાવ સૌથી નીચા હોવાથી તેની ખપત ઊંચી રહે છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
હાલમાં ભારતના ૨૯એમએમ કવોલિટીના કપાસનો પ્રતિ ખાંડી ભાવ રૂપિયા ૪૨૦૦૦ આસપાસ બોલાઈ રહ્યો છે. આ વર્ષે કપાસના નીચા ઉત્પાદનને ધ્યાનમાં રાખતા જુન પછી ભાવ ઊંચકાવાની શકયતા નકારાતી નથી.
અલ-નિનોને કારણે વર્તમાન વર્ષમાં જો ચોમાસુ લંબાઈ જશે તો ભાવ ઉંચકાવાની શકયતા રહેલી છે. દેશના ખેડૂતોની આવક વધારવી હશે તો કપાસ માટેના ટેકાના ભાવમાં હજુ વધારો કરવો પડશે એમ તેમણે ઉમેર્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UsLAJO
No comments:
Post a Comment