મુંબઈ, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરીબજારમાં સોનાચાંદીમાં ચાંદી આજે ઘટીને રૂપિયા ૩૮ હજારનીઅંદર બંધ રહી હતી જ્યારે સોનામાં પણ વેચવાલી વચ્ચે ભાવ દબાયા હતા. ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેની અસરરુપે સોનાચાંદીના ભાવમાં ઘટાડો જોવાયો હતો. હોળી નજીક આવી રહી હોય રિટેલ ઘરાકી હાલમાં ઓછી રહેશે.
સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૯૦ના જીએસટી વગર જે ગઈકાલે રૂપિયા ૩૨૨૨૦ બંધ રહ્યા હતા તે આજે સવારે રૂપિયા ૩૨૦૮૦ નીચા ખુલી છેવટે રૂપિયા ૩૨૧૦૦ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ ગોલ્ડના ૧૦ ગ્રામના ભાવ જે ગઈકાલે રૂપિયા ૩૨૦૯૫ બંધ રહ્યો હતો તે આજે સવારે રૂપિયા ૩૧૯૫૫ નીચો ખૂલી રૂપિયા ૩૧૯૭૫ બંધ રહ્યો હતો. આમ ૯૯.૫૦ ગોલ્ડ રૂપિયા ૩૨૦૦૦ની નીચે બંધ રહ્યો હતો.
સોનાની પાછળ ૯૯૯ ચાંદી પણ જે ગઈકાલે એક કિલોના રૂપિયા ૩૮૦૧૫ બંધ રહી હતી તે આજે સવારે રૂપિયા ૩૭૭૬૦ નરમ ખુલી જીએસટી વગર રૂપિયા ૩૭૮૫૫ બંધ રહી હતી. આમ ચાંદી રૂપિયા ૩૮૦૦૦ની અંદર ચાલી ગઈ હતી. હોળી નજીક આવી રહી હોય કમુરતાને કારણે પણ ઝવેરી બજારમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઓછી રહી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ગોલ્ડ ઔંસ દીઠ મોડી સાંજે ૧૨૮૫.૨૦ ડોલર બોલાતું હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૫.૦૩ ડોલર બોલાતી હતી.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૨૮ પૈસા ઘટી રૂ.૭૦ બંધ રહ્યો હતો. બ્રિટન પાઉન્ડ ૪૪ પૈસા ઘટી રૂપિયા ૯૧.૮૩ બંધ રહ્યો હતો. વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ સુધારા તરફી રહ્યા હતા. બ્રેન્ટ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૬.૮૧ ડોલર જ્યારે નાઈમેકસના ભાવ પ્રતિ બેરલ ૫૬.૮૮ ડોલર બોલાતા હતા.
અમેરિકાની વેપાર ખાધ વધીને આવતા ડોલર પર તેની અસર જોવા મળી હતી. ચીન સાથેની ટ્રેડ વોર બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાધને અંકૂશમાં રાખવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ખાધમાં થયેલા વધારાથી વિશ્વ વેપાર પ્રત્યેનું તેમનું વલણ નરમ પડશે એમ વિશ્લેષકો માની રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CaDgHp
No comments:
Post a Comment