ગાંધીનગર,તા.25 માર્ચ 2019,સોમવાર
ગાંધીનગર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા અત્યારથી જ કડક પગલાં ભરાઈ રહયા છે ત્યારે છેલ્લા બે દિવસથી કલોલ ડીવીઝનમાં અર્ધ લશ્કરી દળો સાથે પોલીસે ફ્લેગ માર્ચ કર્યા બાદ આજે ગાંધીનગર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જે આવતીકાલે પણ યોજાશે. ફ્લેગ માર્ચ માટે એક કંપની સેન્ટ્રલ પેરા મીલીટરી ફોર્સના જવાનો ફાળવવામાં આવ્યા છે.
આગામી તા.ર૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બન્યું છે ત્યારે જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા પણ અગમચેતીના પગલાં ભરવામાં આવી રહયા છે.
જેના ભાગરૂપે પરવાનેદાર હથિયારો જમા લઈ લેવામાં આવ્યા છે અને અટકાયતી પગલાં લેવાની સાથે ર૩ જેટલા માર્ગો ઉપર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં સબ સલામત છે અને પોલીસ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં કરાવવા સક્ષમ છે તે હેતુથી જિલ્લામાં બે અલગ અલગ તબક્કામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તા.ર૩ અને તા.ર૪મીના રોજ કલોલ ડીવીઝનના કલોલ શહેર, તાલુકા, સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની સાથે અર્ધ લશ્કરી દળોએ ફ્લેગમાર્ચ યોજયું હતું.
જ્યારે આજે ગાંધીનગર ડીવીઝનના સે-૭, સે-ર૧, પેથાપુરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આવતીકાલે દહેગામ, રખિયાલ, ઈન્ફોસીટી, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવશે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોને આ ફ્લેગમાર્ચ દરમ્યાન આવરી લેવામાં આવ્યા હતા.
ચૂંટણી માટે સંવેદનશીલ મતદાન મથકો પણ નિયત થઈ ગયા હોવાથી ત્યાં પણ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ માટે સેન્ટ્રલ પેરામીલીટરી ફોર્સની એક કંપની ચાર દિવસ માટે ગાંધીનગર જિલ્લાને ફાળવવામાં આવી છે ત્યારબાદ ચૂંટણી સમયે વધુ કંપનીઓ ફાળવવામાં આવશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OswiCC
No comments:
Post a Comment