નામની આગળ 'ચોર' લખીને અમારા સમાજને સન્માન આપો: ચોરસમાજની નેતાઓ સમક્ષ માગણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

નામની આગળ 'ચોર' લખીને અમારા સમાજને સન્માન આપો: ચોરસમાજની નેતાઓ સમક્ષ માગણી


જિરાફભાઈ જેબકતરા, ખિસકોલીબેન ખીસાકાતરું, ફ્રોગભાઈ ફ્રોડ, ઊંટભાઈ ઉઠાવગીર જેવા સભ્યોની હાજરીમાં અખિલ જંગલીય ચોર સંગઠનના પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડે ચોરસમાજના હિતમાં અભૂતપૂર્વ પ્રસ્તાવ રજૂ કર્યો

જંગલના અખબારમાં સમાચાર આવ્યાં: 'મહારાજા સિંહ અને તેમના દરબારીઓએ સોશિયલ મીડિયામાં નામની આગળ 'ચોકીદાર' શબ્દ લખ્યો. એ જોઈને લાખો-કરોડો સમર્થકોએ પણ સોશિયલ મીડિયામાં પોતાના નામમાં ચોકીદાર શબ્દ ઉમેર્યો હતો.

કહે છે કે આવું કરવા પાછળ મહારાજા સિંહની એવી માન્યતા જવાબદાર છે કે તે ચોકીદારોની જેમ સતત સજાગ રહીને જંગલનું રક્ષણ કરે છે. બીજો તર્ક એવો ય છે કે ચોકીદારોને સન્માન આપવા માટે તેમણે અને તેમના દરબારીઓએ આ શબ્દ ઉમેર્યો છે.'

સમાચાર વાંચીને અખિલ જંગલીય ચોર સંગઠનના પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડની આંખો ચમકી. તેણે આખા જંગલના ચોરોની મોડી રાત્રે અરજન્ટ મીટિંગ બોલાવી.

અખિલ જંગલીય ચોર સંગઠનની તમામ શાખાઓના ચોર આગેવાનો અને ચોરો મોડી રાત્રે ૪૨૦ નામના ગુપ્ત સ્થળે મીટિંગમાં આવી પહોંચ્યા. મીટિંગમાં બેંકચોર, કારચોર, બાઈકચોર, મોબાઈલચોર, ટેક્સચોર, કેશચોર જેવી તમામ તસ્કરી ગેંગ આવી ચૂકી હતી. બધા ઓનલાઈન તસ્કર ટોળકીની રાહ જોઈ રહ્યા હતા. થોડીક મિનિટો રાહ જોવડાવ્યા પછી આખરે ઓનલાઈન તસ્કર ટોળકી પણ આવી ગઈ એટલે સત્તાવાર રીતે મીટિંગ શરૂ થઈ.

'ચોરીનું આખું ફોર્મેટ ચેન્જ થઈ ગયું, પણ તમે ચેન્જ ન થયા. હંમેશા મોડા પહોંચો છો' ઘુવડભાઈ ઘરફોડે ઓનલાઈન તસ્કર ટોળકી સામે જોઈને ત્રાડ પાડી.

'સોરી સર! એકચ્યુુઅલી, એક ક્લાયન્ટનો પાસવર્ડ હેક નહોતો થતો એટલે...' ટોળકીના લીડર જેવા લાગતા ફ્રોગભાઈ ફ્રોડ ખુલાસો કરવા જતા હતા એને ઈશારો કરીને ઘુવડભાઈ ઘરફોડે રોક્યા.

'એકચ્યુઅલી... બેકચ્યુઅલી. હમ્મ? ખબર છે હવે તમે બધા આજકાલના ઓનલાઈન ચોરો અંગ્રેજી ભસવા માંડયા છો તે, પણ ચોરીની કળા કોની પાસેથી શીખ્યા એ યાદ છે ને?' ઘુવડભાઈ ઘરફોડે ગુસ્સામાં ઉમેર્યું, 'મારા જેવા મકાન-દુકાનમાં ચોરી કરતા ચોરને ચોરી માટે રાત પડે એની રાહ જોવી જ પડે છે. પરંતુ તમે બધા તો ઓનલાઈન તફડંચી ગમે ત્યારે કરી શકો છો. હવે તો ૨૪ કલાક તમને બધાને ચોરીની તક મળે છે, તો ય રાતની રાહ કેમ જુઓ છો? તમારા કારણે અમારે રાહ જોવાની?'

'આજે ટાર્ગેટ પૂરો નહોતો થયો એટલે રાતપાળી ચાલતી હતી' ઊંધી ટોપીને સીધી કરીને ફ્રોગભાઈ ફ્રોડે બચાવ કર્યો.

'ઠીક છે ઠીક છે, હવે અગત્યની વાત સાંભળો' અખિલ જંગલીય ચોર સંગઠનના પ્રમુખ હોવાના નાતે થોડો ગુસ્સો બતાવ્યા પછી ઘુવડભાઈ ઘરફોડ મૂળ વાત ઉપર આવ્યા: 'આપણે બધાએ આપણા ગૌરવ માટે લડત આપવાનો સમય પાકી ગયો છે અને એટલે જ મેં આજે તમને...'

'સર, અમે રજૂઆત કરવા આવવાના જ હતા ત્યાં તમે બોલાવી લીધા' જિરાફ જેબકતરાએ પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડની વાત અડધેથી કાપીને લાંબી ગરદનથી આખાય ચોરસમાજનું અવલોકન કર્યા પછી ઉમેર્યું: 'આપ જાણો છો એમ અમે ખીસા કાપવાના બિઝનેસમાં છીએ.

પોકેટ મારીને અમારું ગુજરાન ચલાવીએ છીએ, પરંતુ આપણાં મહારાજા સિંહે જ્યારથી કેસલેસનો વિચાર વહેતો કર્યો છે ત્યારથી અમારા ધંધામાં ભારે મંદી આવી ગઈ છે. કોઈના ખીસામાં કેશ હોતી જ નથી એટલે અમારા ખીસાકાતરું ચોરોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે'

'જિરાફભાઈ જેબકતરાની વાત એકદમ સાચી છે. ખીસા કાપવાના બિઝનેસમાંથી અમે કોઈ બીજી બ્રાન્ચમાં શિફ્ટ થવા માગીએ છીએ' તસ્કરીના ધંધામાં માદા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતા ખિસકોલીબેન ખીસાકાતરુંએ જિરાફભાઈની વાતમાં સૂર પૂરાવ્યો.

'અમને ઓનલાઈન તફડંચીના બિઝનેસમાં તક આપો!' ખીસા કાતરુની ટોળકીમાંથી તીણો અવાજ આવ્યો.

'બાઈકચોરી અને કારચોરીના ધંધામાં ય ભારે મંદી આવી ગઈ છે સર!' ઓટોચોર ગેંગના નેતા ઊંટ ઉઠાવગીરે રજૂઆત કરી, 'એક તો બધે સીસીટીવી કેમેરા લાગી ગયા છે એટલે અમારી ટોળકી ઉપર સતત પકડાઈ જવાનો ભર મંડરાતો રહે છે અને બીજી તરફ હવે બાઈક-કાર બનાવતી કંપનીઓએ પણ લોક સિસ્ટમ વધુ મજબૂત બનાવી દીધી છે. અમને ય ચોરીના ધંધાની બીજી કોઈ બ્રાન્ચમાં તક આપો'

'ચુપ્પપપ!' પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડે રજૂઆતોથી ત્રાસીને બરાડો પાડયો. મીટિંગમાં શાંતિ થઈ પછી થોડીવારે ઘુવડભાઈ બોલ્યા: 'જુઓ, પેલી નોટબંધી પછી જંગલવાસીઓના ખીસામાં ખાસ કેશ હોતી નથી, એટલે તસ્કરીના આખા ય ધંધામાં મંદી છે. હું તો મકાન-દુકાન બધે ત્રાટકીને ફિલ્ડમાં રખડતો હોઉં છું એટલે મને ખબર છે.

ખોટી ચિંતા ન કરો. થોડા સમયમાં તેજી આવી જશે' ઘુવડભાઈ ઘરફોડે તમામ તસ્કર ટોળકીને આશ્વાસન આપીને ઉમેર્યું: 'એ બધી વાત પછી. આજે આપણે કંઈક બીજી ચર્ચા કરવા ભેગા થયા છીએ. હવે મહારાજા સિંહ સમક્ષ રજૂઆત કરવાનો સમય પાકી ગયો છે કે..'

'અમે પણ આપને એ જ કહેવા ઈચ્છતા હતા કે હવે આપણે મહારાજા સિંહ પાસેથી જ કંઈક મદદ મેળવીએ. આપણને કંઈક રાહત મળે એવો નિર્ણય થાય તો જ હવે આપણે જીવી શકીશું' જિરાફભાઈ જેબકતરાએ ઘુવડભાઈની વાત અધવચ્ચેથી કાપીને મોટા અવાજે રજૂઆત કરી.

'તમે બધા શાંત રહો, મેં કંઈક કહેવા તમને બધાને અહીં બોલાવ્યા છે' ઘુવડભાઈ ઘરફોડે ઘાંટો પાડયો પણ ચોરોએ સાંભળ્યો ન સાંભળ્યો કરીને સૂત્રોચ્ચાર કર્યો: 'અમારી સમસ્યાનું નિરાકરણ લાવો, અમને રોજગારી આપો'

'અબે ચુપ!' ઘુવડભાઈ ઘરફોડનો દિમાગ ફાટફાટ થતો હતો. આ વખતે ઘુવડભાઈની આક્રમકતા જોઈને તસ્કરોની ટોળકીઓમાં સન્નાટો છવાઈ ગયો. ઘુવડભાઈ ફરી બોલ્યા: 'શીખો, કંઈક શીખો! આ બેંકચોર ગેંગ અને ઓનલાઈન તસ્કર ટોળકી પાસેથી કંઈક શીખો. એક વખત પણ ધંધાની મંદીની ફરિયાદ નથી કરી. અને તમે બધા તો આવ્યા ત્યારથી લલૂડી મોઢામાં નથી રાખતા! હવે કોઈ એક શબ્દ નહીં બોલે.'

ઘુવડભાઈને આશા ન હતી કે ખરેખર કોઈ કંઈ બોલશે નહીં! આખી ય તસ્કર ટોળકી તરફ નજર નાખી તે છતાં કોઈએ કંઈક અવાજ ન કર્યો એટલે ઘુવડભાઈએ મૂળ વાત શરૂ કરી: 'આપણે મહારાજા સિંહને રજૂઆત કરવાની છે, પણ મુદ્દો થોડો અલગ છે. નફા-ખોટ કરતા વધુ મહત્વનો મુદ્દો છે. એ મુદ્દો આપણાં બધાના સ્વમાનનો છે. મહારાજા સિંહે ચાવાળાથી લઈને મજૂરો અને હવે ચોકીદારોને પોતાના ગણીને અને પોતે એ સમાજના હોવાનું કહીને સન્માન આપ્યું છે. પરંતુ આપણા સમાજનો સતત તિરસ્કાર થયો છે.'

'એકદમ સાચી વાત છે. એમના દરબારમાં આપણાં સમાજના કેટલાય સભ્યો હોવા છતાં આપણને પૂરતું સન્માન નથી મળ્યું' જિરાફભાઈ જેબકતરા અને ઊંટભાઈ ઉઠાવગીર બંનેએ એક સાથે ઘુવડભાઈની વાતમાં સૂર પુરાવ્યો.

'હા. એટલે મેં એવું વિચાર્યું છે કે જેમ મહારાજા સિંહે અલગ અલગ સમયે પોતાને મજૂર-ચાવાળો અને ચોકીદાર ગણાવ્યા એમ સોશિયલ મીડિયામાં નામમાં ફેરફાર કરીને આપણને ય યોગ્ય સામાજિક દરજ્જો આપે' ઘુવડભાઈ ઘરફોડે અખિલ જંગલીય ચોર સંગઠનના સભ્યો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો.

'વાહ વાહ! ઘુવડભાઈ ઘરફોડ જિંદાબાદ, ઘુવડભાઈ ઘરફોડ જિંદાબાદ' ઘુવડભાઈના પ્રસ્તાવને આખાય ચોર સમાજે હોંશભેર સ્વીકારી લીધો.

'હું ઈચ્છું છું કે માત્ર મહારાજા સિંહ જ નહીં, જંગલ સરકારના તમામ દરબારીઓ, વિરોધપક્ષના સસલાભાઈ અને તેમના સમર્થકો સહિતના તમામ સોશિયલ મીડિયામાં તેમનાં નામની આગળ આપણાં સમાજનું નામ લખે. ભલે કાયમી માટે નહીં તોય થોડા દિવસ માટે આવું કરીને આપણને સન્માન આપે' ઘુવડભાઈએ વધુ રૂપરેખા સમજાવતા ઉમેર્યું, 'એ પછી જ્યારે વાટાઘાટો કરવાની થશે ત્યારે આપણે એવો પ્રસ્તાવ સ્વીકારી લેશું કે બંને પક્ષના જે દરબારીઓ અને ઉદ્યોગપતિઓ અગાઉ અમારા ચોર સમાજનું સભ્યપદ ભોગવી ચૂક્યા હોય એમણે નામમાં ફેરફાર કરવો અને તેના બદલામાં આપણે એ બધાને સંગઠનનું કાયમી સભ્યપદ આપીશું'

'હું તો કહું છું કે આપણે જંગલમાં તસ્કર એક્ટ પસાર થાય અને એમાં માદાઓને વિશેષ અનામત મળે એવી ય રજૂઆત કરવી જોઈએ' ખીસકોલીબેન ખીસાકાતરુંએ મહત્વનું સૂચન કર્યું. એ સૂચનને ય સર્વાનુમતે સમસ્ત ચોર સમાજે સ્વીકારી લીધું.

નક્કી થયા પ્રમાણે આવેદનપત્ર અપાયું. ઘુવડભાઈ ઘરફોડની આગેવાનીમાં સમસ્ત ચોરસમાજે મહારાજા સિંહ સહિતના તમામ દરબારીઓ અને વિપક્ષના સસલાભાઈ સહિતના બધા સમર્થકોને રજૂઆતપત્રો મોકલી આપ્યા.

અને છેલ્લે અખિલ જંગલીય ચોર સંગઠનના લેટર ઉપર ગર્ભિત ધમકીભર્યા અંદાજમાં લખાયું: 'જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમારા દરબારમાં અમારા કેટલા ગુપ્ત સભ્યો છે એના નામો જાહેર કરીશું'

ચોરસમાજે આ પત્રની એક નકલ 'જંગલ ન્યૂઝ'ને મોકલી ત્યારથી આખા જંગલમાં આ માગણીની જ ચર્ચા જામી છે. 'માગણી સ્વીકારશે કે પછી ચોરસમાજ સિંહના દરબારમા સક્રિય ગુપ્ત સભ્યોની નામાવલિ જાહેર કરશે' એવી અટકળોના વિશેષ કાર્યક્રમો ય 'જંગલ ન્યૂઝ'માં થયા.

દરમિયાન મહારાજા સિંહને જેવી આ નકલ મળી કે તરત જ તેમણે પરસેવે રેબઝેબ થઈને મુખ્ય રાજકીય સલાહકાર રીંછભાઈને બોલાવવા ફોન જોડયો હતો અને છેલ્લે સવાલ પૂછતા સંભળાયા હતા: 'ટ્વિટરમાં એડિટિંગ કરવા આપણી ટીમ તૈયાર છે?'



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uxiZHT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages