
કોંગ્રેસને આશા છે કે તેની આ યોજના ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે પરંતુ ચૂંટણીટાણે રાજકીય પક્ષો મોટા મોટા વાયદા કરે છે જે બાદમાં અદૃશ્ય થઇ જાય છે એવામાં રાહુલ ગાંધીની આ મહત્ત્વાકાંક્ષી યોજના પર જનતા કેટલો ભરોસો મૂકે છે એ તો ચૂંટણીના પરિણામો બાદ ખબર પડશે
ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ બુલંદીએ હતો અને ૨૭ જાન્યુઆરીના દિવસે છત્તીસગઢના રાયપુર ખાતે ખેડૂતોની આભાર રેલીને સંબોધતા તેમણે અચાનક જ જાહેરાત કરી કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવી તો ભારતમાં બેઝિક ઇન્કમ સ્કીમ લાગુ કરશે.
આ યોજનાનો અર્થ એ કે દેશના દરેક નાગરિકની અમુક આવક તો હોવી જ જોઇએ. એ પછી ચર્ચા ચાલુ થઇ ગઇ હતી કે એ યોજનાની રૂપરેખા કેવી હશે? જોકે ગયા મહિને પુલવામા હુમલા અને એ પછી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભાજપે રાષ્ટ્રવાદને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી દીધો ત્યારે બીજા બધાં મુદ્દાં કોરાણે ધકેલાઇ ગયાં હતાં.
કોંગ્રેસ પણ રાષ્ટ્રવાદના મુદ્દા સામે કયા મુદ્દા સાથે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવવું એ અંગેે વિમાસણ અનુભવતી હતી. એવામાં ૨૫ માર્ચના સોમવારે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે કોઇને અંદાજ નહોતો કે તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો કદાચ સૌથી મોટો વાયદો કરશે.
રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજના (ન્યાય)ની જાહેરાત કરતા કહ્યું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો મહિને ૧૨ હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારોને વાર્ષિક ૭૨ હજાર રૂપિયાની એટલે કે દર મહિને ૬ હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે.
વ્યાપક રીતે જોઇએ તો જો કોઇ પરિવારની માસિક આવક ૧૦ હજાર રૂપિયા હોય તો તેને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે. મતલબ કે જે પરિવારની માસિક આવક ૧૨ હજાર રૂપિયાથી જેટલી ઓછી હશે એટલી આર્થિક સહાય એ પરિવારને કરવામાં આવશે. આ માટે રાહુલ ગાંધીએ તર્ક રજૂ કર્યો કે ભારતનો દરેક પરિવાર મહેનત કરીને કંઇક તો કમાય છે એવામાં બહુ ઓછા લોકો એવા હશે જેમને પૂરેપૂરી મદદ કરવી પડશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ યોજના અંતર્ગત લગભગ પાંચ કરોડ પરિવારોને આર્થિક સહાય મળશે. જો એક કુટુંબમાં પાંચ સભ્યો હોવાનું માની લઇએ તો આ યોજનાનો લાભ લગભગ પચ્ચીસ કરોડ લોકોને મળશે. રાહુલે કહ્યું કે આ માટે અર્થશાસ્ત્રીઓની ટીમ સાથે મળીને તમામ ગણતરી કરવામાં આવી છે અને કોંગ્રેસ સરકારમાં આવે ત્યારે તેને લાગુ કરવામાં આવશે.
રાહુલના જણાવ્યા અનુસાર યૂપીએ સરકાર દરમિયાન લાગુ કરવામાં આવેલી મનરેગા યોજના દ્વારા લગભગ ૧૪ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવવામાં આવ્યાં હતાં. એ જ રીતે ન્યાય યોજના દ્વારા લગભગ પચ્ચીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવી શકાશે. એ સાથે જ રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ નિશાન તાકતા કહ્યું કે તેઓ ઉદ્યોગપતિઓના દેવા માફ કરીને તેમની મદદ કરે છે પરંતુ કોંગ્રેસ ગરીબોની મદદ કરશે.
સૌથી પહેલાં તો યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ વિશે થોડી માહિતી મેળવી લઇએ. આદર્શ રીતે આ યોજના અંતર્ગત કોઇ સ્થળે રહેતા તમામ લોકોને એક નિયમિત આવકની ગેરંટી આપવામાં આવે છે અને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે જેનો લોકો પોતાની રીતે ખર્ચ કરવા માટે સ્વતંત્ર હોય છે. ૮૦ના દાયકાની શરૂઆતમાં લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે યુનિવર્સલ બેઝિક ઇન્કમની રજૂઆત કરી હતી.
જોકે તેમની યોજના અનુસાર અમુક ખાસ લોકોના બદલે તમામ લોકોને એક નિશ્ચિત રકમ આપવાનો સુઝાવ હતો. ગાયનો દાવો છે કે આ રીતે સહાય માટે આપવામાં આવતી રકમ ફાલતુ ખર્ચ નથી પરંતુ લોકોના હાથમાં પૈસા આવતા તેમને વધારે કમાવાની ઇચ્છા થાય છે અને તેઓ વધારે મહેનત કરે છે. એ સાથે જ લોકોના મનમાં ભૂખ્યા મરવાની ચિંતા નહીં રહે ત્યારે તેઓ માનસિક રીતે તણાવમુક્ત રહેશે અને વધારે સારી રીતે કામ કરી શકશે.
એવું નથી કે ભારતમાં જ આ પ્રકારની યોજના સૌથી પહેલી વખત અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી હોય. દુનિયાના ઘણાં દેશોમાં સામાજિક સલામતિ સાથે જોડાયેલી આવી યોજનાઓ અમલમાં છે જેમાં દરેક નાગરિક માટે એક લઘુત્તમ આવક સુનિશ્ચિત કરવામાં આવે છે. જર્મની, સાયપ્રસ, ફ્રાન્સ, અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, અલ્જીરિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ઓસ્ટ્રીયા, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, સ્વીટ્ઝર્લેન્ડ અને બ્રિટનમાં અમુક શરતો સાથે આ પ્રકારની યોજનાઓ ચાલે છે.
કોંગ્રેસનો દાવો છે કે લઘુત્તમ આવક યોજના ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે પરંતુ આ યોજના લાગુ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ યોજના માટે પૈસા ક્યાંથી લાવવા? અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જે દેશોમાં આ પ્રકારની યોજના લાગુ છે એમાંના ઘણાં ખરા વિકસિત દેશો છે.
વિકસિત દેશોમાં ટેક્સ વ્યવસ્થા એવી હોય છે જે સરકારી ખજાનાનો મોટો હિસ્સો ઇન્કમ ટેક્સ દ્વારા એકઠો કરવામાં આવે છે. ભારતમાં સરકારી તિજોરીમાં માત્ર ૧૭ ટકા નાણા ઇન્કમ ટેક્સ મારફત આવે છે. ટેક્સની આ અસમાનતાના કારણે આ યોજના લાગુ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
જોકે બીજી હકીકત એ પણ છે કે સરકારી તિજોરીનો મોટી રકમ સબ્સીડી અને ગરીબો માટે ચાલતી અન્ય યોજનાઓમાં ખર્ચાય છે. હવે જો બેઝિક ઇન્કમ સ્કીમ દ્વારા જરૂરતમંદ લોકોના ખાતામાં જ સીધેસીધા નાણા જમા થવાથી આવી સબ્સીડી કે અન્ય યોજનાઓની આવશ્યકતા જ નહીં રહે અને આ યોજના માટે જરૂરી નાણાં સબસીડી કે અન્ય યોજનામાંથી મેળવી શકાશે.
કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત મિનિમમ બેઝિક ઇન્કમ સ્કીમને લાગુ કરવા માટે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. આ રકમ ભારતના ડિફેન્સ બજેટ કરતા પણ વધારે છે. આ યોજનાના અમલીકરણ માટે એક રોડમેપની આવશ્યક્તા છે. જો કેટલાક લોકોને કામ કર્યા વગર ઘરે બેઠા પૈસા મળવા લાગશે તો બીજા મહેનત કરીને કમાતા લોકોના મનમાં અસંતોષની લાગણી જન્મી શકે છે. એવામાં એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઇને કશું કામકાજ કર્યા વગર જ આ યોજનાનો ફાયદો ન મળતો હોય.
ભારતની જીડીપી ૨૦૭ લાખ કરોડ રૂપિયા છે અને એના ૩.૩૮ ટકા એટલે કે લગભગ ૭ લાખ કરોડ નાણાકીય ખાધ છે. જો આ યોજના અમલમાં આવે તો આ ખાધ વધીને સાડા દસ લાખ કરોડે પહોંચી જાય એમ છે. ભારતનું સ્વાસ્થ્ય બજેટ જીડીપીના ૧.૪ ટકા જેટલું છે જ્યારે બેઝિક ઇન્કમ સ્કીમ અંતર્ગત થનારો ખર્ચ જીડીપીના ૧.૬ ટકા જેટલો થશે. મતલબ કે સરકારી તિજોરી પર બહુ મોટો બોજ પડશે અને આ માટે ફંડ મેળવવો મોટો પડકાર બની રહેશે.
બીજી સમસ્યા એ છે કે આ યોજનાનો લાભ લેવા માટેના દાવેદાર પરિવારોને નક્કી શી રીતે કરવા? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા હાઉસહોલ્ડ સર્વે થાય છે જેના દ્વારા પરિવારોની સરેરાશ આવકનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ આ સર્વેના આધારે લાભાર્થી પરિવારોની પસંદગી કરવી અઘરી બની રહેશે. બીજુ એ કે બેઝિક ઇન્કમ સ્કીમનો લાભ લેનારા પરિવારો નક્કી કરવા માટે સરકારી ખાતાઓની જરૂર પડશે અને અમુક આવક હોવાના સર્ટિફિકેટ લેવાના રહેશે.
ભલે કોંગ્રેસ એવા દાવા કરે કે લાભાર્થીના ખાતામાં સીધેસીધી રકમ ટ્રાન્સફર થવાની હોવાથી વચેટિયાઓ દ્વારા નાણાં ખાઇ જવાનો પ્રશ્ન નહીં રહે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે જે કવાયતમાંથી પસાર થવું પડશે એમાં દલાલો અને વચેટિયાઓ દ્વારા નવો ભ્રષ્ટાચાર શરૂ થઇ જશે.
એક પડકાર એ પણ છે કે પરિવારની માસિક આવક ૧૨ હજાર રૂપિયા સુધી પહોંચે એ સુનિશ્ચિત કેવી રીકે કરવું? સીધી વાત છે કે ઘણાં પરિવારો એવા હશે જેમની માસિક આવક નિશ્ચિત નહીં હોય એવામાં દરેક પરિવારને મહિને કેટલી રકમ આપવી એ કેવી રીતે નક્કી કરવું? દર મહિને આવકમાં વધઘટ થાય એ પ્રમાણે સહાયતા માટે આપવામાં આવતી રકમમાં વધઘટ કરવી પડશે.
મતલબ કે આર્થિક સહાયનો આંકડો દર મહિને બદલાઇ શકે છે. અથવા તો આ યોજનાનો લાભ મેળવતા પરિવારે દર મહિને બતાવવું પડે કે તેની આવક કેટલી થઇ અને ૧૨ હજાર રૂપિયાની નિર્ધારિત રકમમાં કેટલા રૂપિયા ખૂટયાં. સરકારી ખાતાઓમાં એટલી કુશળતા અને કામ કરવાની દાનત છે કે તે દર મહિને આ પ્રકારના ફેરફાર સાથે કામ પાર પાડી શકે? સરકારી ઓફિસોમાં જે રીતે કામગીરી ચાલે છે એ જોતાં તો આ પ્રકારની ચોકસાઇ સાથે કામ થવું હાલ તો અશક્યવત્ જણાય છે.
કોંગ્રેસ ભલે આ યોજનાને ગેમ ચેન્જર ગણાવતી હોય પરંતુ ચૂંટણીટાણે રાજકીય પક્ષો લોભામણી જાહેરાતો કરતા હોય છે જે ચૂંટણી ગયા બાદ ગાયબ થઇ જતી હોય છે. એવામાં કોંગ્રેસની બેઝિક ઇન્કમ સ્કીમની જાહેરાત ઉપર જનતા કેટલો ભરોસો મૂકે છે એ તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWEGZN
No comments:
Post a Comment