
- ૨૭ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે કારમાં આવેલા આરોપીઓએ આંતરીને અપહરણ કર્યું હતું
આણંદ.તા, 25 માર્ચ 2019, સોમવાર
આણંદ જિલ્લાના આસોદર ગામના એક મારબલના વેપારીના પુત્રનું આજથી લગભગ અઢી વર્ષ પૂર્વે એક મહિલા તેમજ ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી અપહરણ કર્યા બાદ ગળે ટૂંપો દઈ હત્યા કરવાના બનાવ અંગેનો કેસ આજે આણંદના એડીશ્નલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા તેઓએ આ કામના ચારેય આરોપીઓને આજીવન સખ્ત કેદ ફટકારતો ઐતિહાસીક ચુકાદો આપતા સમગ્ર કોર્ટ પરિસરમાં સોંપો પડી જવા પામ્યો હતો. ઉપરાંત તમામ ચાર આરોપીઓને રૂા.૫ હજારનો દંડ અને જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વ્યક્તિગત રીતે વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કોર્ટે કર્યો છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ આસોદર ગામ ખાતે રહેતા અને પી.જે.ટ્રેડર્સના નામે મારબલનો વેપાર કરતા એકલવ્યભાઈ પુષ્કળભાઈ પટેલના પુત્ર જૈમીનભાઈ પટેલ (ઉં.વ.૨૭) ગત તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૬ને શુક્રવારના રોજ બપોરના લગભગ ૨ઃ૦૦ કલાકના સુમારે પોતાની હોન્ડાસીટી કાર લઈને આણંદ ખાતે આવેલ ક્રિશ્ના ઈન્ડસ્ટ્રીઝના વેપારીને મળવા માટે નીકળ્યા હતા. જૈમીનભાઈ પટેલ આસોદર ચોકડી વટાવીને આણંદ તરફ આવી રહ્યા હતા ત્યારે એક કારમાં કેટલાક અજાણ્યા શખ્શો આવી ચઢ્યા હતા અને જૈમીનભાઈ પટેલની કારને આંતરીને અપહરણ કરી લીધું હતું.
ત્યારબાદ હિતેન્દ્રસિંહ જાડેજાની ગાડીમાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ ધમકી આપી પ્રવાહીમાં કોઈ ઘેનની દવા મેળવી ચપ્પુ બતાવી તે પીવડાવી જૈમીનભાઈ બેભાન કરી દીધા હતા. બાદમાં તેઓએ શરીરે પહેરેલ સોનાના દાગીના તથા રૂા.૬૨ હજારની ચલણી નોટો કાઢી લઈ સાવલી રોડ ઉપર આવેલ ઉદલપુર હાઈવે ટીમ્બા ગામથી આશરે ત્રણેક કી.મી. દુર નહેર પરના કાચા રસ્તા પર લઈ જઈ હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના ચાર વ્યક્તિઓએ જૈમીનભાઈના ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી નાખી હતી.
બાદમાં જૈમીનભાઈનો મૃતદેહ સગેવગે કરવા તથા પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેઓ વડોદરા હાઈવે તરફ ગયા હતા. જ્યાંથી અપહરણકારોએ હિન્દી ભાષામાં જૈમીનભાઈ પટેલના પિતા એકલવ્યભાઈ પટેલને મોબાઈલ ફોન ઉપરથી ફોન કરીને જણાવ્યું હતું કે તારા છોકરાને ઉઠાવી લીધો છે અને યુપી લઈ જઈએ છીએ, જીવતો રાખવો હોય તો રૂા.૨ કરોડ તૈયાર રાખજો, નાણાં નહી આપો તો તમારા પુત્રને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અપહરણકર્તાઓ જૈમીનના મૃતદેહને વડોદરા, અંકલેશ્વર, ભરૂચ થઈ નવસારીથી ચીખલી થઈ વાસદા સીમમાં પહોંચ્યા હતા. જ્યાં એક અવાવરુ જગ્યાએ જૈમીનના મૃતદેહ પર પેટ્રોલ છાંટી સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.
પુત્રના નામે ખંડણીભર્યો ફોન આવતા જ પિતા એકલવ્યભાઈ ગભરાઈ ગયા હતા અને પુત્રની શોધખોળ કરી હતી. પરંતુ મળી ન આવતા આખરે તેઓએ આંકલાવ પોલીસ મથકે આવીને સઘળી હકીકતથી પોલીસને વાકેફ કરતા પોલીસે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરતા આ ગુનામાં સંડોવાયેલ હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ બહાદુરસિંહ જાડેજા, અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંહ વાઘેલા, હર્ષદ ઉર્ફે હર્ષરાજ અશોકભાઈ ગઢાદરા (વાળંદ) તથા હિરલબા હિતેન્દ્રસિંહ જાડેજાને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે તલસ્પર્શી તપાસ કરતા આ ચારેય વ્યક્તિઓએ જૈમીનભાઈનું અપહરણ કર્યા બાદ તેઓની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ કેસ આજરોજ આણંદના એડીશ્નલ સેશન્સ જજ રમેશ ઠાકોરભાઈ પંચાલની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આ ગુનામાં તમામ ચાર આરોપીઓને તક્સીરવાર ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટાકરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ઉપરાંત તમામ આરોપીઓને રૂા.૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
મહિલા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા કોર્ટનો હુકમ
આસોદર ગામના એક વેપારી પુત્રના અપહરણ તથા હત્યાના કેસમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ બહાદુરસિંહ જાડેજા, અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંહ વાઘેલા, હર્ષદ ઉર્ફે હર્ષરાજ અશોકભાઈ ગઢાદરા (વાળંદ) જ્યુડીશ્યલ કસ્ટડીમાં રહેલા છે જ્યારે હિરલબા હિતેન્દ્રસિંહ જાડે જામીન ઉપર મુક્ત હોઈ તેણીના જામીન ખત તથા મુચરકો રદ કરી તેણીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લેવા કોર્ટે હુકમ કર્યો છે.
મુદામાલ મોબાઇલ ગુમ થઇ જતા પોલીસ કર્મચારી દોષિત
સદર ગુનામાં એક એપલ કંપનીનો મોબાઈલ ફોન પોલીસે કબ્જે લીધો હતો. જો કે ત્યારબાદ કોઈ કારણોસર આ ફોન ગુમ થયો હોઈ અદાલતમાં રજૂ કર્યો ન હતો. જેથી મુદ્દામાલમાં મોબાઈલ ફોન પોલીસે કબ્જે લીધા બાદ ગુમ થયેલ હોય તે અંગે કસુરવાર પોલીસ કર્મચારી સામે કાયદેસરના સખ્ત પગલાં ભરવા અદાલત તરફથી જિલ્લા પોલીસ વડા આણંદને અગાઉ આંક-૬૬થી પત્ર દ્વારા જણાવાયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVJDcM
No comments:
Post a Comment