
આણંદ.તા, 25 માર્ચ 2019, સોમવાર
આણંદ પાસેના લાંભવેલ ગામે તકરારવાળી મિલ્કતના વેચાણના સોદા પેટે રૂા.૯૦ લાખ ખંખેરી લીધા બાદ મિલ્કતનો વેચાણ દસ્તાવેજ નહી કરી આપી અમદાવાદના પાંચ શખ્શોએ એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના બનાવમાં આણંદની સેશન્સ કોર્ટે અમદાવાદના એક આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરી છે.
વધુમાં મળતી વિગત મુજબ મૂળ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ શકરાભાઈ પટેલ સહિતના પાંચ વ્યક્તિઓ બીગ લાયન એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ.ના ડીરેક્ટરો છે. જેમાં કમલેશભાઈ શકરાભાઈ પટેલ આ કંપનીના ચેરમેન છે અને તેઓ જમીન લે-વેચનો ધંધો કરતા હોઈ તેઓએ લાંભવેલ ગામે આવેલ મિલ્કત બદઈરાદાથી બોઝારહિત તેમજ કોઈ મનાઈહુકમ ન હોવાનું જણાવી ખાત્રી આપી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામના કૃપાલ ઉર્ફે બુધાભાઈ ભાનુભાઈ પટેલને વેચાણ આપી હતી. જે પેટે ગત તા.૧૯-૬-૨૦૧૭થી તા.૮-૨-૨૦૧૯ દરમ્યાન વેચાણ સોદા પેટે નક્કી થયેલ રકમ અંતર્ગત ટુકડે-ટુકડે કરી કુલ્લે રૂા.૯૦ લાખની રકમ તેઓએ ફરિયાદી પાસેથી લીધી હતી.
જો કે નાણાં ચુકવાઈ ગયા બાદ કૃપાલભાઈએ મિલ્કતના વેચાણનો દસ્તાવેજ કરી આપવા જણાવતા કમલેશભાઈ પટેલ સહિતના પાંચ વ્યક્તિઓએ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી આ બનાવ અંગે કૃપાલભાઈ ઉર્ફે બુધાભાઈ ભાનુભાઈ પટેલ (રહે.સુણાવ)એ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં કમલેશભાઈ શકરાભાઈ પટેલ, આશાબેન સુભાષચંદ્ર પટેલ, સીધ્ધિક કમલેશભાઈ પટેલ, શકરભાઈ પટેલ, ગોપાલભાઈ ઉર્ફે જીગ્નેશ કાંતિભાઈ પટેલ (તમામ રહે.થલતેજ, અમદાવાદ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે અંગે કંપનીના ચેરમેન કમલેશભાઈ શકરાભાઈ પટેલે આણંદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતા કોર્ટે ગુનામાં થયેલ ભૂમિકાને ધ્યાનમાં લઈ અન્ય આરોપીઓ જામીન પર મુક્ત હોઈ કમલેશભાઈ શકરાભાઈ પટેલને હાલના કામે આગોતરા જામીન પર છોડવામાં આવે તો તપાસને અસર થાય તેમ હોઈ અરજદારના વકીલની દલીલ ગ્રાહ્ય ન રાખી આરોપી કમલેશભાઈ શકરાભાઈ પટેલ (રહે.થલતેજ, અમદાવાદ)ની હાલની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OqGJXo
No comments:
Post a Comment