પાકિસ્તાનને શાની શુભેચ્છા ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

પાકિસ્તાનને શાની શુભેચ્છા ?



પાકિસ્તાને કાશ્મીર સરહદથી પંજાબ સરહદ સુધી સૈનિકોની નવી બટાલિયનો તૈનાત કરી છે. ભારતની જૈશ-એ-મોહના અડ્ડાઓ પરની એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાને યુદ્ધની તૈયારીઓ આરંભી છે તેના વધુ સંકેતો ભારતીય જાસૂસી સંસ્થાઓએ સરકારને આપ્યા છે. 

સરહદે અધિક થતી તંગદિલી વચ્ચે જ્યારે પાક સરહદેથી ભારતીય સૈન્ય તરફ એકધારો તોપમારો ચાલુ છે અને જવાન શહીદ પણ થાય છે ત્યારે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના નેશનલ ડે નિમિત્તે ઈમરાન ખાનને શુભેચ્છાનો મેસેજ મોકલ્યો તે એનડીએ સરકારની દ્વિધાયુક્ત પાક નીતિનો વધુ એક નમૂનો અને મૂર્ખતા છે. 

જે દિવસે પ્રારંભમાં વડાપ્રધાને કોંગ્રેસ અને સામ પિત્રોડાને પાકિસ્તાન નેશનલ ડે ઉજવવા અંગે ટીકા કરતો ઉલ્લેખ કર્યો તે જ દિવસે થોડા કલાક પછી ભારતીય વડાપ્રધાન ખુદ એ ઉજવણીમાં શુભેચ્છાથી અભિવ્યક્ત થયા તે એક વધારાની મૂર્ખતા નીવડી છે. આતંકવાદીઓ હવે કાશ્મીરના બાળકોનું અપહરણ કરવા લાગ્યા છે અને તેને બાનમાં લઈને તેને પણ ઢાલ બનાવી રહ્યા છે તે ઘટનાઓએ કાશ્મીરના નાગરિકોમાં ભારે અજંપો અને આતંકવાદીઓ પ્રત્યે ખિન્નતા ફેલાવી છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થયેલી છે, અસ્તિત્વ ટકાવવા માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના દરવાજે ઊભું છે. આતંકવાદ દ્વારા ઈમરાન ખાન પણ જમ્મુ અને કાશ્મીરમાં એક અઘોષિત યુદ્ધને આગળ લઈ જઈ રહ્યા છે અને પાકિ. મીડિયામાં તેઓ હવે વારંવાર ભારત માટે યુદ્ધની ચેતવણી ઉચ્ચારતા થયા છે, એ જોકે તેમની નરી મૂર્ખતા છે. પરંતુ તેમની એ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે પાકિસ્તાને અમેરિકાથી વિમુખ થઈ ચીનના ખોળે બેસવાનું સાહસ કર્યા પછી પણ એ સંપૂર્ણ ચીનને આધીન નથી.

કારણે ચીન ભારત-પાક યુદ્ધનું વિરોધી છે. ચીન, ભારતને આતંકવાદ દ્વારા અંતરાયોમાં કે ઉલઝન અને પતન તરફ ધકેલવા ચાહે ખરું  પરંતુ ભારત-પાક યુદ્ધમાં સૌથી વધુ આર્થિક ખુવારી ચીનને જ થાય એમ છે કારણ કે અમેરિકા અને યુરોપ સાથેની નવી વ્યાપારિક કડવાશ પછી માત્ર ભારતીય બજાર જ ચીનને એના તરફ આવી રહેલી ભીષણ મંદીમાંથી ઉગારી શકે એમ છે.

પાકિસ્તાને પોતાનું આર્થિક ભવિષ્ય ચીનને સોંપી દીધું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટોના સૈન્યને પાછું બોલાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના ક્રમિક નિર્ણયને કારણે પાકિસ્તાનને મળતા કરોડો ડોલરના વિશેષ ફંડ હવે બંધ થઈ ગયા છે. પોતાના સામ્રાજ્યવાદી સ્વાર્થને કારણે ચીને દુનિયાના સૌથી જોખમી દેશ એવા પાકિસ્તાનમાં દાવ તો લગાવ્યો છે, પરંતુ એ ફાવે તેમ લાગતું નથી. એપ્રિલ ૨૦૧૫માં ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ ઈસ્લામાબાદ ગયા હતા અને ૪૬ અબજ ડોલરની જંગી પરિયોજના (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર) પર હસ્તાક્ષર કર્યા હતા.

જેને કારણે પાકિસ્તાનના ઈતિહાસની સૌથી મોટી આર્થિક અને નિર્માણ યોજના શરૂ થઈ ગઈ જેમાં કાશ્ગરથી ગ્વાદર સુધી ૩૦૦૦ કિલોમીટરમાં ફેલાયેલી સડકો, રેલવે, તેલ-ગેસ પાઈપ લાઈન, ઔદ્યોગિક પાર્ક વગેરે આંતરમાળખાનો સમાવેશ થાય છે, પરંતુ આને જ કારણે બલુચિસ્તાન અને પાકિ. હસ્તકના કાશ્મીર સહિત સમગ્ર પાકિસ્તાન ચીનના સકંજામાં આવી ગયું છે. અત્યારે તો પાકિસ્તાનના ખતરનાક આર્થિક સંકટવચ્ચે ચીન એનો કેટલોક બોજ ઉપાડે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કંઈ ન આપે તો ચીન તો છે જ ને એવા ખુશનુમા ખયાલમાં ઈમરાન ખાન પોતાની પ્રજાને મૂર્ખ બનાવવા માટે નયા પાકિસ્તાનના નારા લગાવતા રહે છે.

ચીનની કૂટનીતિ પાકિસ્તાનના ટુકડા થવા દેવામાં છે એ વાત પાકિ. નેતાઓ અને પ્રજાને સમજાતા વાર લાગશે. ચીન ચાહે છે કે પાકિસ્તાનના ટુકડાઓ થાય તો જ આર્થિક કોરિડોર પર કાયમ માટે તેનું સામ્રાજ્ય રહે. ચીનના પાકિસ્તાનમાં પગરણ થયા પછી જ તાલિબાનો વધુ ઉગ્ર થઈને અરધા ઉપરાંતના અફઘાનિસ્તાન પર કબજો જમાવવા લાગ્યા છે અને હવે આવનારા સમયમાં બલુચિસ્તાનની સ્વાતંત્ર્ય લડત વધુ આગળ વધવાની છે.

ચીન પાસે અત્યારે દુનિયાનું એક ટોચનું જાસૂસીતંત્ર છે જે અત્યારે બલુચિસ્તાનમાં છાને પગલે સક્રિય છે. પાકિસ્તાન હજુ ચીનની મેલી મુરાદને સમજી શક્યું નથી. આમ પણ એ તો સિદ્ધાન્ત જ છે કે આર્થિક લાલચમાં જ્યારે તમે કોઈ તરફ તણાતા જાઓ ત્યારે તમારું ઘોર અહિત તમારા જ ધ્યાન બહાર રહી જાય છે. પાકિસ્તાન અત્યારે એ જ સિદ્ધાન્તનો ભોગ બનેલો દેશ છે.

ચીન માટે નવું સંકટ એ છે કે જો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ શરૂ રહે તો પાકિસ્તાનની પડખે ઊભા રહેવાનું એને માટે વધુને વધુ કષ્ટદાયી રહેશે. મસૂદ અઝહરને બચાવવા જતાં દુનિયાના અનેક દેશોની નજરમાં ચીન પણ ઝાંખુ પડયું છે.

એની સામે પાકિસ્તાનની સમસ્યા એ થશે કે એણે એક એવા દેશને પોતાનું ભવિષ્ય સોંપી દીધું છે જેના પર દુનિયાના કોઈ પણ દેશનો કાબુ નથી. ઉપરાંત ચીન સદાય અકળ અને રહસ્યમય રાજનીતિનો દેશ છે. આ સંજોગોમાં ચીન-પાકિસ્તાન જેવા બે શત્રુઓની વચ્ચે ભારતીય શાસકોની સંદિગ્ધતા અને અણછાજતું વર્તન ભારતને પણ તકલીફમાં મૂકે છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyCG78

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages