
આણંદ.તા, 25 માર્ચ 2019, સોમવાર
સરકાર દ્વારા ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા માટે તેમજ પ્રવાસન ધામો તથા યાત્રા ધામોના વિકાસ માટેની જોરશોરથી જાહેરાતો સાથે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. પરંતુ સદીઓ પુરાણી કેટલીક ઐતિહાસિક ઈમારતો કાળની થપાટોને કારણે હાલમાં નામશેષ થઈ જવાને આરે પહોંચી જવા પામી છે. જેમાંની એક ખંભાતની ઐતિહાસિક ઈમારત સમાન મક્કાઈ દરવાજો હાલમાંં ખંભાતના ઈતિહાસની યાદ અપાવતો નામશેષ થવાને આરે પહોંચ્યો છે.
સરકાર દ્વારા ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે રાજ્યના જે તે શહેરો અને ગામડાઓમાં લાખો રૂપિયાની લ્હાણી કરવામાં આવે છે ત્યારે એક સમયની ત્ર્યંબાવટી નગરી તેમજ નવાબી નગરી તરીકે ઓળખાતા ખંભાત શહેરના ઐતિહાસિક મક્કાઈ દરવાજાની સ્થિતિ હાલમાં જર્જરિત અવસ્થામાં પહોંચી જઈ નામશેષ થવાને આરે પહોંચી છે. સાત સમંદર પાર નવાબી નગરી ખંભાતમાં નવાબોએ શહેરની રચના સહિત નાગરિકોની સલામતી માટે સદીઓ પહેલા ખાસ કાળજી દાખવી હતી.
એક સમયે ખંભાતના બંદર ઉપર વિશ્વના અનેક દેશોના વાવટા ફરકતા હતા. પરંતુ આ સત્ય હકીકત હાલમાં સ્વપ્ન સમાન બની જવા પામી છે. હાલમાં ખંભાતની ઐતિહાસિક ઈમારતોના વિખેરાઈને પડેલા કાળમીંઢ પથ્થરો વીતેલા સુવર્ણ વર્ષોના ઈતિહાસની સાક્ષી પુરી રહ્યા છે. ખંભાતના બંદરની જાહોજલાલીથી એક સમયે વિશ્વના દેશો અંજાયા હતા.
અહીં નાગરિકોની સલામતી માટે જે-તે વખતના સ્થાપકોએ ખંભાતની ચારે તરફ કોટ ઉભા કર્યા હતા. જેમાં ૧૨ જેટલા વિશાળ દરવાજાઓનું પણ નિર્માણ કર્યું હતું. આ તમામ દરવાજાઓનો ઈતિહાસ અનોખો હતો. જે ૧૨ દરવાજાઓમાંથી હાલમાં ફક્ત એક જ દરવાજો મક્કાઈનો દરવાજો ઈતિહાસની યાદોને વાગોળતા કણસતો જોવા મળી રહ્યો છે.
જેની દરકાર લેવા હાલમાં કોઈ તૈયાર નથી. ખંભાતના આ ઐતિહાસિક મક્કાઈ દરવાજેથી ભારતમાંથી હજ પઢવા માટે જનાર હજયાત્રીઓ મક્કાઈ દરવાજાથી જ જતા હતા. ખંભાતના બંદર ઉપર મક્કાઈ દરવાજેથી હજયાત્રીઓ જહાંજોમાં બેસી મક્કા જવા રવાના થતા હતા. પરંતુ સમયની થપાટ સાથે બંદરની સાથે સાથે અનેક યાદો પણ ભવ્ય ભૂતકાળ બની જવા પામી હતી. પ્રશાસન ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં પાછળ રહી ગયું હોય તેવો અફસોસ નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UaaEbr
No comments:
Post a Comment