ધાનેરા, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
બનાસકાંઠાના ધાનેરામાં એક અપરણિત યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપી નાખી ઠંડા કલેજે હત્યા કરી દેવાતા ચકચાર ફેલાઈ જવા પામી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ આરંભી છે. હત્યા પાછળના કારણ અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
ધાનેરામાં નેનાવાડા- સાંચોર હાઈવે પર આવેલ દૂધ મંડળી નજીક રહેતા શંકરભાઈ પટેલનો દીકરો પ્રવિણ (ઉ.વ. ૨૫) બુધવારના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ ઘરના લોકોએ તેની ભાળ મેળવવા મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડતા પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે બીજા દિવસે ગુરુવારે સવારે તેના ઘરથી માંડ ૩૦૦ મીટરના અંતરે આવેલ બાલાજી મંડપ ડેકોરેશન નજીક તેની કરપીણ હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળતા ચકચાર ફેલાઈ હતી. પ્રાથમિક તપાસમાં હત્યારાઓે પ્રવિણના ગળાને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળે છે. અપરણિત યુવકની બેરહમીપૂર્વક હત્યા કરી દેવાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જ્યારે થરાદના ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ પહોંચી આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ શરૃ કરી છે.
મૃતક યુવક અગાઉ ફાયનાન્સના ધંધામાં હતો
રહસ્યમય સંજોગોમાં મોડી રાતે ઘરેથી નીકળેલા પ્રવિણની કરપીણ હત્યા થતાં લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નોંધપાત્ર છે કે, મરનાર યુવક બે વર્ષ અગાઉ ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
ધાનેરાના પીઆઈ શું કહે છે ?
હત્યાની ઘટના સંદર્ભે ધાનેરાના પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજ મેળવવા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ શરૃ કરી છે. ટુંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેમ ઉમેર્યું હતું.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzmtHC
No comments:
Post a Comment