અનામત મુદ્દે કેન્દ્ર સરકારના વટહુકમ મુજબ શૈક્ષણિક ભરતી કરવા યુનિ.ઓને આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

અનામત મુદ્દે કેન્દ્ર સરકારના વટહુકમ મુજબ શૈક્ષણિક ભરતી કરવા યુનિ.ઓને આદેશ

અમદાવાદ,શુક્રવાર

સ્ટેટ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક ભરતીમાં વિષય આધારીત કુલ જગ્યામા અનામત લાગુ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે યથાવત રાખ્યા બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં અનામત મુદ્દે વટહુકમ બહાર પાડયો છે.જેને લઈને યુજીસીએ તમામ યુનિ.ઓને શૈક્ષણિક  ભરતીની પ્રક્રિયા કેન્દ્ર સરકારના વટહુકમને ધ્યાનમાં રાખીને જ કરવામાં  આવે તેવો આદેશ કર્યો છે.

યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની સીધી ભરતીમાં નવી  રોસ્ટ પરદ્ધતિ લાગુ કરવા સામે અને કુલ જગ્યાને બદલે વિષયદીઠ બેઠકોમાં એસસી ,એસટી અને ઓબીસી અનામત લાગુ કરવાના નિયમ સામે ગુજરાતમાં એસસી,એસટી અને ઓબીસી મહાસંઘ દ્વારા છેલ્લા એક મહિનાથી આંદોલન ચાલી રહ્યુ હતુ અને આ મુદ્દે મહાસંઘ દ્વારા કેન્દ્ર સરકારને વટહુકમ લાવવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી.જેને પગલે કેન્દ્ર સરકારે તાજેતરમાં રીઝર્વેશન ઈન ટીચર્સ કેડર ઓર્ડિનન્સ ૨૦૧૯ જાહેર કર્યો છે.યુજીસીએ તમામ યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને આદેશ કર્યો છે કે યુનિ.ઓમાં તેમજ કોલેજોમાં પ્રોફેસરોની સીધી ભરતી કરતી વખતે આ ઓર્ડિનન્સને જ ધ્યાનમાં રાખવામા આવે.

આ અંગે એસસી,એસટી અને ઓબીસી મહાસંઘના કન્વીનર રાજેન્દ્ર જાદવે કહ્યુ હતું કે આ ઓર્ડિનન્સ ૬ મહિના સુધી જ અમલમાં રહેશે અને ૬ મહિનામાં કેન્દ્ર સરકારે લોકસભામાં કાયદો પસાર કરવો પડશે જો કાયદો પસાર નહી થાય તો ફરીથી ૬ મહિના માટે ઓર્ડિનન્સ બહાર પડશે અને આ પ્રક્રિયા ત્રણ વખત જ થઈ શકશે.જો કે હાલ તો કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડી દેતા હવે તમામ યુનિ.ઓમાં ભરતી સમયે જુની ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિનો અમલ થશે અને કુલ સંખ્યા પર અનામત નીતિનો અમલ થશે.ઉપરાંત જે યુનિ.એ ૧૨ પોઈન્ટ રોસ્ટ પરદ્ધતિ પ્રમાણે એસસી અને એસટી બેઠકો વગર જ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી તે પણ પાછી ખેંચી નવેસરથી પ્રક્રિયા કરવી પડશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HqjI5o

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages