ઓપરેશન શક્તિઃ અવકાશક્ષેત્રે ભારતની નવીન સિદ્ધિ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ઓપરેશન શક્તિઃ અવકાશક્ષેત્રે ભારતની નવીન સિદ્ધિ



છેલ્લા બે દાયકામાં ભારત અવકાશ ક્ષેત્રે મોટી શક્તિ તરીકે ઉભર્યું છે અને દેશની બે મુખ્ય અવકાશી સંસ્થાઓ ઇસરો અને ડીઆરડીઓ એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે

ભારતે સૌપ્રથમ વખત એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રાષ્ટ્રજોગું પ્રવચન કરીને ભારતીય વૈજ્ઞાાનિકોની આ સિદ્ધિની દેશને જાણ કરી. બુધવારે સવારે ભારતે એ-સેટનું પરીક્ષણ કરીને ૩૦૦ કિલોમીટરની ઊંચાઇએ પૃથ્વીનું પરિભ્રમણ કરી રહેલાં સેટેલાઇટને નિશાન બનાવ્યો. આ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું. વડાપ્રધાન મોદીની જાહેરાત સાથે જ એન્ટી સેટેલાઇટ મિસાઇલ, લો અર્થ ઑર્બિટ, ટેસ્ટ ફાયર, લાઇવ સેટેલાઇટ જેવા શબ્દો ટ્રેન્ડમાં આવી ગયાં છે. 

સેટેલાઇટનો અર્થ છે ઉપગ્રહ, એવા નાના અવકાશી પિંડ જે કોઇ મોટા અવકાશી પિંડની પ્રદક્ષિણા કરે છે. ઉદાહરણ તરીકે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. ચંદ્રની આ પ્રદક્ષિણા એક નિશ્ચિત કક્ષામાં અને નિયત સમયગાળામાં થાય છે.

ચંદ્ર કુદરતી ઉપગ્રહ છે, તો માનવી દ્વારા બનાવવામાં આવેલા અને અવકાશમાં પૃથ્વી ફરતે વિવિધ કક્ષાઓમાં છોડવામાં આવેલાં ઉપગ્રહને કૃત્રિમ ઉપગ્રહ કહે છે. આવા ઉપગ્રહોનો નેવિગેશન એટલે કે દિશાશોધન, ટેલિકોમ્યુનિકેશન અને હવામાનની જાણકારી સહિત અનેક કામોમાં ઉપયોગ થાય છે. લાઇવ સેટેલાઇટનો અર્થ એ કે ઉપગ્રહ કામ કરી રહ્યો છે. 

કૃત્રિમ ઉપગ્રહો પણ પણ એક નિશ્ચિત સમયગાળામાં પોતાની કક્ષામાં રહીને પૃથ્વી ફરતે એક ચક્કર પૂરું કરતાં હોય છે. પૃથ્વીની આ કક્ષાઓને ધરતીની સપાટીથી ઊંચાઇના આધારે ચાર કક્ષાઓમાં વહેંચવામાં આવી છે. જેમાં સૌથી પહેલાં આવે છે લો અર્થ ઑર્બિટ જેમાં પૃથ્વીની સપાટીથી ૧૪૦ કિલોમીટરથી લઇને બે હજાર કિલોમીટર સુધીના અંતરનો સમાવેશ થાય છે.

બે હજાર કિલોમીટરથી ૩૫,૭૮૬ કિલોમીટરની ઊંચાઇને મીડિયમ અર્થ ઑર્બિટ કહેવામાં આવે છે. ૩૫,૭૮૬થી ૪૨,૧૬૪ કિલોમીટર સુધીની ઊંચાઇને જિયોસિન્ક્રોનસ ઑર્બિટ કહેવામાં આવે છે. જિયોસિન્ક્રોનસ ઑર્બિટથી વધારે ઊંચાઇની કક્ષાને હાઇ અર્થ ઑર્બિટ કહેવામાં આવે છે. 

આમાં લો અર્થ ઑર્બિટમાં જ ઘણાં ખરાં સેટેલાઇટ સ્થાપિત કરવામાં આવે છે. મોટા ભાગના લશ્કરી સેટેલાઇટ આ કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે. એ જ રીતે સર્વેલન્સ કે જાસૂસી કરતા સેટેલાઇટ પણ આ કક્ષામાં તરતા મૂકવામાં આવે છે કારણ કે પૃથ્વી સપાટીથી નજીક હોવાના કારણે ધરતી પરની હિલચાલ ઉપર આસાનીથી નજર રાખી શકાય છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ લો અર્થ ઑર્બિટમાં રહીને જ પૃથ્વીનું પરિભ્રમણ કરે છે. લો અર્થ ઑર્બિટમાં સૌથી વધારે કૃત્રિમ ઉપગ્રહો હોવાના કારણે સૌથી વધારે અંતરિક્ષ કચરો પણ આ કક્ષામાં જ જમા થયો છે. ક્ષતિગ્રસ્ત થયેલાં કે આયુષ્ય પૂરું કરી ચૂકેલાં સેટેલાઇટ આ કક્ષામાં ફર્યા કરે છે. 

હવે વાત કરીએ મિશન શક્તિની તો આ એક એન્ટી સેટેલાઇટ મિસાઇલ પ્રોગ્રામ છે જેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતે લો અર્થ ઑર્બિટમાં લગભગ ૩૦૦ કિલોમીટરની ઊંચાઇએ એક જીવંત સેેટેલાઇટને મિસાઇલથી નષ્ટ કર્યો છે. આ પ્રકારનું પરીક્ષણ ભારતે પહેલી વખત કર્યું છે. હકીકતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ૨૦૧૨માં જ એ-સેટ મિસાઇલના બિલ્ડિંગ બ્લોક્સ બનાવી લીધાં હતાં પરંતુ પરીક્ષણ હવે કરવામાં આવ્યું છે.

આનું કારણ એ છે કે પરીક્ષણ માટે એક સેટેલાઇટને નિશાન બનાવવાનો હતો. સફળ પરીક્ષણ બાદ સેટેલાઇટનો કાટમાળ અવકાશમાં વિખેરાઇ જાત જેનાથી પહેલેથી મોજૂદ સેટેલાઇટ્સને નુકસાન થવાનું જોખમ હતું. એવામાં પહેલાં તેની ઇલેક્ટ્રોનિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને પછી તેનું વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવ્યું. એન્ટી સેટેલાઇટ મિસાઇલ સામાન્ય મિસાઇલ કરતા થોડી અલગ હોય છે.

સામાન્ય મિસાઇલની ટોચે વોરહેડ લગાડવામાં આવે છે મતલબ કે મિસાઇલની ટોચે વિસ્ફોટકો ગોઠવેલા હોય છે જે નિશાન સાથે ટકરાઇને બ્લાસ્ટ કરીને તેને નષ્ટ કરે છે. એન્ટી સેટેલાઇટ મિસાઇલમાં દારુગોળો નથી હોતો. તેને કાઇનેટિક કિલ વેપન પણ કહે છે. આવા મિસાઇલમાં વોરહેડરૂપે એક મેટલ સ્ટ્રીપ હોય છે. જે સેટેલાઇટને તાક્યો હોય એની સાથે મિસાઇલ પ્રચંડ વેગે ટકરાય છે અને તેની ટોચે રહેલો ધાતુનો ગોળો સેટેલાઇટને નષ્ટ કરી દે છે. 

ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન એમ ત્રણ દેશો પાસે જ એન્ટી સેટેલાઇટ મિસાઇલની ક્ષમતા હતી. જોકે આજ સુધી કોઇ દેશે બીજા દેશના સેટેલાઇટ ઉપર એન્ટી સેટેલાઇટ મિસાઇલનો પ્રયોગ કર્યો નથી. અમેરિકાએ તો પહેલો એન્ટી સેટેલાઇટ ટેસ્ટ છેક ૧૯૫૯માં કર્યો હતો.

એ વખતે કે જ્યારે અવકાશમાં સેટેલાઇટ તરતો મૂકવો જ અત્યંત દુર્લભ અને નવીન પ્રયોગ હતો ત્યારે છેક અમેરિકાએ આ પરીક્ષણ કર્યું હતું. અમેરિકા સાથે શસ્ત્રોની દોડ ઉપરાંત સ્પેસ રેસમાં ઉતરેલા સોવિયેત યુનિયને પણ ૧૯૬૦ અને ૧૯૭૦માં એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ કર્યાં હતાં. ત્યારબાદ અમેરિકાએ ૧૯૮૫માં એફ-૧૬ ફાઇટર જેટ દ્વારા એજીએમ-૧૩૫ મિસાઇલનું પરીક્ષણ કર્યું અને અમેરિકી સેટેલાઇટ સોલવિન્ડ પી૭૮-૧ને નિશાન બનાવ્યો. 

ત્યારબાદ વીસેક વર્ષ સુધી આવું કોઇ પરીક્ષણ ન થયું. ૨૦૦૭માં ચીને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ કરીને દુનિયાભરમાં નવેસરથી હોબાળો ઊભો કર્યો હતો. ૭ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે ચીને પોતાના  ૭૫૦ કિલો વજનના હવામાનની જાણકારી આપતા અને લો અર્થ ઑર્બિટમાં લગભગ ૮૬૫ કિલોમીટર દૂર રહેલાં સેટેલાઇટનો ખાત્મો બોલાવ્યો હતો.

ચીનના આ ટેસ્ટને અત્યાર સુધીનો સૌથી વધારે વિધ્વંસકારી પ્રયોગ માનવામાં આવે છે. કારણ કે જે સેટેલાઇટને નિશાન બનાવવામાં આવ્યો એ ખાસ્સો મોટો હતો. અને એ સેટેલાઇટ નષ્ટ થયા બાદ પણ ભારે માત્રામાં ભંગાર અવકાશમાં રહી ગયો હતો. 

હકીકતમાં એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ દ્વારા સર્જાયેલો અવકાશી ભંગાર બીજા સેટેલાઇટ્સ અને સ્પેસક્રાફ્ટ માટે સમસ્યા ઊભી કરી શકે છે. અવકાશમાં ફરતા નાના નાના કણો પણ રાઇફલની બુલેટ કરતા વધારે નુકસાન પહોંચાડી શકે છે. અવકાશી કચરો એટલો ખતરનાક હોય છે કે લો અર્થ ઑર્બિટમાં ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પણ તેનાથી બચવા વખતોવખત પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કરતા રહેવું પડે છે.

ભારતે અવકાશી કચરાની સમસ્યાને ધ્યાનમાં રાખીને એન્ટી સેટેલાઇટ ટેસ્ટ ઘણી નીચલી કક્ષામાં કર્યો છે જેથી કરીને એ સુનિશ્ચિત થઇ શકે કે સેટેલાઇટ નષ્ટ થયા બાદ તેનો કાટમાળ અવકાશમાં ન રહે અને વધ્યો ઘટયો ભંગાર થોડા અઠવાડિયામાં જ ધરતી પર આવી જાય. આ ટેસ્ટ માટે ભારતે એક માઇક્રો સેટેલાઇટ પસંદ કર્યો હતો જે ગત જાન્યુઆરીમાં જ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 

ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ દ્વારા દુનિયાને પોતાની શક્તિનો પરિચય આપ્યો છે, સાથે સાથે ચીનને પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત ઉપર તોળાતા જાસૂસી ઉપગ્રહો જોખમરૂપ જણાશે તો તેનો ખાત્મો બોલાવી દેવામાં આવશે. પાકિસ્તાન તરફ ચીનના લગાવ અને ભારત માટે કાયમ પડકાર સર્જતા રહેવાના ચીનના વલણના કારણે ચીનને આ સંદેશ આપવો અત્યંત જરૂરી હતો.

પાકિસ્તાન સાથે તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં પણ ભારતને આશંકા રહે છે કે ચીનના જાસૂસી ઉપગ્રહો ભારતીય સેનાઓની ગતિવિધિ જોઇને પાકિસ્તાનને એ અંગે સૂચિત કરી શકે છે. તો પાકિસ્તાને પણ ચીન અને રશિયાની મદદ વડે સેટેલાઇટ લોન્ચ કર્યાં છે. 

હકીકતમાં ભારતે કરેલા એન્ટી મિસાઇલ ટેસ્ટથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ચીને તો મર્યાદિત પ્રતિક્રિયા આપતા ભારતને સંયમ જાળવવાની અપીલ કરી છે. પરંતુ પાકિસ્તાન તો ભારતના આ પરાક્રમથી એટલું ગભરાઇ ગયું કે તેના વડાપ્રધાન ઇમરાન ખાને તાત્કાલિક હાઇ લેવલ મીટિંગ બોલાવવી પડી. ખરેખર તો ચીને ૨૦૦૭માં એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું ત્યારથી ભારત ઉપર ચીનને જવાબ આપવાનું દબાણ હતું. 

છેલ્લા બે દાયકામાં ભારત મોટી અવકાશી તાકાત તરીકે ઉભર્યું છે. ભારતની અવકાશ ક્ષેત્રની મુખ્ય સંસ્થાઓ ઇસરો અને ડીઆરડીઓ સાથે મળીને એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યાં છે. આ પરીક્ષણ બાદ ભારત પણ દુશ્મન દેશના લો ઑર્બિટ સેટેલાઇટનો સફાયો કરવાની ક્ષમતા મેળવી ચૂક્યું છે.

યુદ્ધકાળમાં ભારત શત્રુદેશના સંચાર ઉપગ્રહને નિશાન બનાવીને તેની કમ્યુનિકેશન સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત શત્રુ દેશને ભારતીય સેના કે શસ્ત્રો વિશે ચાડી કરી દેતા જાસૂસી ઉપગ્રહોને પણ તબાહ કરી શકવાની ક્ષમતા ભારત પાસે આવી ગઇ છે. જેના કારણે ભારતની સુરક્ષા સ્થિતિ ઓર મજબૂત બની ગઇ છે. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV33qV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages