નૉર્મન બોરલૉગઃ અન્નપૂર્ણાના માનસ પુત્ર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

નૉર્મન બોરલૉગઃ અન્નપૂર્ણાના માનસ પુત્ર



વિશ્વમાં અનેક એવી હસ્તીઓ છે જે આપણા માટે ચૂપચાપ કામ કરી રહી છે અને આપણે તેમને ઓળખતા પણ નથી

આપણા જીવનમાં ઘણા બધા એવા લોકોની અસર છે જેમને આપણે ક્યારેય મળ્યા નથી. જેમને આપણે ઓળખતા નથી, જેમના વિશે આપણે એક લીટી પણ જાણતા નથી. તેમાંનું એક નામ છે નૉર્મન બોરલૉગ. આમનાથી કોઈ પરિચિત નહીં હોય એવું નથી, પણ બહુ ઓછા હશે. પૃથ્વી પરના આઠ અબજ લોકો પેટ ભરીને જમી શકે છે, અમીનો ઓડકાર ખાઈ શકે છે અને તેના માટે આપણે મા અન્નપૂર્ણાનો આભાર માનતા હોઈએ તો સમજી લો કે બોરલૉગ તેમના માનસ પુત્ર છે. માએ તેના દીકરા થકી જ આ શ્રેયસ્કર કાર્ય કરાવ્યું છે.

બીજા વિશ્વયુદ્ધ પછી વસ્તી વિસ્ફોટ થયો તેમ છતાં દુનિયા યુદ્ધ, દુષ્કાળ અને ભૂખમરાથી લગભગ બચી ગઈ તેનું કારણ બોરલૉગે કરેલો અન્ન વિસ્ફોટ. કૃષિ વિજ્ઞાાની બોરલૉગે પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો થકી એવી ટેકનિક શોધી જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં ૭૦૦ ગણો વધારો થયો.

અનાજની ઉપજ વધે તો તેનો ફાયદો લોકો સુધી પહોંચે તેના માટે તેણે જુદા-જુદા દેશોની સરકારોને પોલીસી કઈ રીતે ઘડવી તેનું પણ માર્ગદર્શન પૂરું પાડયું. હા જી, કેવળ પાંચ દસ કુબેરપતિઓની સંપત્તિ વધ્યા કરે તેનાથી દેશની સમસ્યાઓનું સમાધાન થઈ જાય એવું નથી. સરકારે યોગ્ય નીતિઓ ઘડવી પડે છે, તેનું અમલીકરણ કરાવવું પડે છે, સમયાંતરે સમીક્ષા કરી તેમાં સુધારા કરતા રહેવા પડે છે.

બોરલૉગનો જન્મ અમેરિકાના આઇઓવા સ્ટેટના સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે મિનેસોટા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ભણતા હતા એ દરમિયાન હૃદયમાં ગરીબો માટે અનુકંપા જાગી. તેમના માટે કશુંક કરી છૂટવાનું મન થયું.

તેમની સમસ્યાઓને સમજવાનું શરૂ કર્યું. બોરલૉગ કેપિટલિસ્ટ અમેરિકાનો નવયુવાન હોવા છતાં તેને ગરીબોનો ઉદ્ધાર કરવાનો વિચાર આવ્યો. તેણે એમ ન વિચાર્યું કે નોકરી મળે એટલે ગરીબી આપોઆપ દૂર થઈ જશે. ના, એવું નથી. ગરીબી દૂર કરવા અને અસમાનતા ઘટાડવા મૂડીવાદી અર્થવ્યવસ્થામાં પણ સમાજવાદી વલણ આવશ્યક છે. 

ડયુપૉન્ટમાં નોકરી મળી. તોયે મગજમાં એક જ ધૂન હતી. ગરીબો માટે કશુંક કરી છૂટવાની. ખ્રિસ્તી ધર્મમાં ગરીબોની સેવા, તેમના પ્રત્યે દયાનો સબક શીખવવામાં આવે છે. બોરલૉગમાં તે સંસ્કારો ખૂબ ઊંડા ઊતર્યા હતા. નોકરી છોડીને મેક્સિકો આવી ગયા.

તેમણે ઘઉંની એવી જાતો પર કામ કરવાનું શરૂ કર્યું જેની રોગ પ્રતિકારક શક્તિ અન્ય જાતના ઘઉં કરતા વધારે હોય અને જેનું ઉત્પાદન પણ અનેક ગણું વધારે મળે. ૧૯૬૨માં મેક્સિકોમાં જેટલા ઘઉં ઊગ્યા તેમાંથી ૯૫ ટકામાં બોરલૉગે શોધેલા બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉત્પાદન એટલું બધું વધી ગયું કે મેક્સિકો ઘઉંની નિકાસ કરતો દેશ બની ગયો. 

૧૯૭૦ના દશકની શરૂઆતમાં ભારતમાં દુષ્કાળ પડયો હતો. ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના કૃષિ વિજ્ઞાાની એમ. એસ. સ્વામીનાથનું નામ ત્યારે વિશ્વની ૨૦ સૌથી શક્તિશાળી હસ્તીઓમાં આવતું હતું. ટાઇમ મેગેઝિન પ્રમાણે.  એમ જ સ્થાન નહોતું અપાયું. તેમનો પ્રભાવ અને અભ્યાસ બંને એવા હતા. દિલ્હીમાં બેઠા-બેઠા અને ઇન્ટરનેટ વિહોણા યુગમાં તેમને રીઅલ ટાઇમ જાણકારી હતી કે મેક્સિકોમાં અત્યારે શું થઈ રહ્યું છે. તેઓ ભારતમાં બોરલૉગના કામનો લાભ ઉઠાવવા માગતા હતા. તેમને ભારત આવવા નિમંત્ર પાઠવ્યું. 

લિયોન હેસ્સેરે ધ મેન હૂ ફેડ ધ વર્લ્ડ જીવન ચરિત્રમાં બોરલૉગ વિશે એક અદ્ભુત પ્રસંગ ટાંક્યો છે. એ સમયે ઇંદિરા ગાંધીની સરકાર હતી અને આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા, અશોક મહેતા. સરકારમાં તેઓ બીજા ક્રમની સૌથી શક્તિશાળી શખ્સિયત હતા. બોરલૉગે ભારતમાં તેમની સાથે જ મુલાકાત કરવાની હતી. 

બોરલૉગ આખાબોલા હતા. તેઓ જાણતા હતા કે ભારતમાં સરકારની ખરાબ નીતિઓને કારણે ન તો પર્યાપ્ત અનાજ ઊગે છે, ન લોકો સુધી પહોંચે છે. એક સંભાવના એવી પણ હતી કે આવું સ્પષ્ટ કહેવા બદલ તેમને વહેલી તકે દેશ છોડીને જતા રહેવાનું કહેવામાં આવે. તેઓ આ જોખમ વહોરવા તૈયાર હતા. 

તેમણે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય સરકાર સમક્ષ મૂક્યો. રામ જાણે શું થયું તે સરકારે બોરલૉગને દેશ છોડી દેવાની ફરજ પાડવાને બદલે રાતોરાત નીતિઓ બદલી. પરિણામ એ આવ્યું કે થોડા વર્ષોમાં અનાજની અછત ભૂતકાળમાં ધકેલાઈ ગઈ. ભારતનું કૃષિ ચિત્ર હંમેશા માટે પલટાઈ ગયું. આજની સરકાર આખાબોલા માણસોને પસંદ કરતી નથી. તેથી ક્રાંતિની તમામ શક્યતાઓ ઠપ થઈ ગઈ છે.

બોરલૉગે શોધેલી ઘઉંની નવી જાત ભારતને વ્યાવસાયિક રૂપે ૧૯૬૬માં મળી. એ પહેલા ભારત ઘઉંની આયાત કરતો દેશ હતો. ઘરમાં ઊગેલું અનાજ પૂરું ન પડતું હોવાથી આપણે અમેરિકા પાસેથી યુએનની ફૂડ ફોર પીસ યોજના અંતર્ગત લાખો ટન ઘઉં બહારથી મગાવવા પડતા હતા. નવી જાતના બિયારણની વાવણી શરૂ થયાના પાંચ વર્ષમાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન ડબલ થઈ ગયું. પાકિસ્તાને પણ બોરલૉગની પ્રતિભાનો લાભ લીધો. ૧૯૬૫માં ઘઉંનું ઉત્પાદન ૪૬ લાખ ટન હતું, જે ૧૯૭૦માં વધીને ૮૪ લાખ ટન થઈ ગયું.

બોરલૉગે ઘઉંની વધુ કેટલીક નવી જાત શોધી અને આખી દુનિયાનું પરિદૃશ્ય બદલાઈ ગયું. તેમણે જો શોધ ન કરી હોત તો ભારત, ચીન અને દક્ષિણ અમેરિકા તેની વસ્તીને પૂરું પડે એટલું અન્ન ક્યારેય ઉગાડી શકત નહીં. આપણે ત્યાં એવા સંતો થયા છે જે સદાવ્રત ચલાવતા હોય. રોજ સેંકડો, હજારોને જમાડતા હોય. બોરલૉગે અનાજના બિયારણોની નવી-નવી જાત શોધીને ઉત્પાદનમાં કરેલો જંગી વધારો એક સંત-કર્મ જ છે. તેમણે પરોક્ષ રૂપે અબજો લોકોને જમાડવાનું કામ કર્યું છે.

અનાજનું ઉત્પાદન વધારવામાં તથા ખેતીનો વિકાસ કરવામાં આધુનિક કૃષિએ મહત્ત્વની ભૂમિકા ભજવી. યોગ્ય માત્રામાં ખાતરનો ઉપયોગ, સિંચાઈની સુવિધામાં સુધારો, ખેડૂતોને આર્થિક રૂપે ટેકો કરવા માટે અલગ-અલગ સરકારી યોજનાઓ, કૃષિ ઉપજ માટે સ્પર્ધાત્મક બજાર ઇત્યાદિ પગલાં લેવામાં આવ્યાં.

જિનેટિકલી મોડિફાઇડ બિયારણના વિરોધીઓ બોરલૉગના ટીકાકાર રહ્યા છે, કિન્તુ એ પણ નોંધવું જોઈએ કે કૃષિનું ઉત્પાદન વધારવા માટે જેટલા વિકલ્પ હતા તેમાંથી આ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ હતો. વળી, જો તે ન અપનાવવામાં આવ્યો હોત તો દુનિયાની ૫૦ ટકા વસ્તી ભૂખે મરી ચૂકી હોત.

કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બોરલૉગે  જંગલોની રક્ષા કરી છે. ન સમજાયું? સમજાવું. ડિફોરેસ્ટેશન (વનનાબૂદી)નો એક હેતુ કૃષિ લાયક જમીન મેળવવાનો પણ હોય છે.  અત્યારે જેટલી કૃષિ ભૂમિ છે તેમાં દુનિયાની જરૂરિયાત જેટલું અન્ન ઊગવું સંભવ બન્યું બોરલૉગની ટેકનિકને કારણે. ફલતઃ વધુ કૃષિ ભૂમિ મેળવવાની જરૂર પડી નહીં. જંગલો બચી ગયાં.

સ્વામીનાથને બોરલૉગ વિશે કહ્યું હતું, નૉર્મન બોરલૉગ ભૂખથી મુક્ત દુનિયાની માનવીય શોધનું જીવંત પ્રતીક હતા. તેમનું જીવન જ તેમનો સંદેશ હતો. દુનિયાભરની સરકારો સાથે કામ કર્યું, પણ ક્યારેય કોઈ નેતા કે કોઈ સરકારના ચાટુકાર ન બન્યા. નિર્ભિકપણે અવાજ ઉઠાવતા રહ્યા. તેઓ સાચું ન બોલ્યા હોત તો વિવિધ દેશની સરકારોએ તેમની નીતિ ન બદલી હોત. બોરલૉગે કહેલું, આજે માનવજાતિ માટે સૌથી મોટો ખતરો છે વિસ્ફોટકની જેમ છતાં છૂપી રીતે ફેલાઈ રહેલી નોકરશાહી. એક દિવસ તેના કારણે દુનિયાના શ્વાસ રુંધાઈ જશે.

અમલદારશાહી એ ખરેખર ખોટો શબ્દો છે. સાચો શબ્દ નોકરશાહી છે. તેઓ જનતાના નોકર છે, પણ જનતા સાથે એવી રીતે વર્તે છે જાણે તેમના માઈ-બાપ હોય. કલેક્ટરને જિલ્લાનો રાજા કહેવામાં આવે છે. શું ખરેખર તે જિલ્લાનો રાજા છે? ના, તે જિલ્લાનો સૌથી મોટો સિવિલ સર્વન્ટ છે. અધિકારીઓ રાજાની જેમ વર્તવા લાગે, જન પ્રતિનિધિઓ જનતાના માલિક હોય એવો વ્યવહાર કરવા લાગે ત્યારે જ તકલીફ શરૂ થાય છે. ત્યાંથી જ ભ્રષ્ટાચાર પેદા થાય છે.

બાકી નોકરો અને સેવકોની શું હેસિયત કે તે ભ્રષ્ટાચાર કરી શકે? રાજાશાહીમાં રાજા મોટો છે, રૈયત નાની છે. લોકશાહીમાં ઊલટું છે. તેમાં જનતા મોટી છે, અધિકારીઓ અને નેતાઓ તેમના હાથ હેઠળ આવે છે. પબ્લિક આ વાત સમજતી નથી એટલે અધિકારીઓનું રેડ ટેપિઝમ અને નેતાઓની ગુંડાગર્દી ચાલ્યા કરે છે.

આધુનિક સમાજે માણસની કિંમત ૧૮મી સદીના બ્રિટિશ અર્થશાસ્ત્રી થોમસ માલ્થસના જનસંખ્યાના સિદ્ધાંત પ્રમાણે નક્કી કરી છે. થોમસ માલ્થસ એવું કહે છે કે વસ્તી ભૂમિતિ(જિઓમેટ્રી) પ્રમાણે વધે છે અને સંસાધનો અંકશાસ્ત્ર (એલ્જેબ્રા) પ્રમાણે. આ મુજબ એક સમય એવો આવે જ્યારે વસ્તી સંસાધનોની તુલનામાં અનેક ગણી વધી જવા પામે. ત્યારે રોગચાળો, આફતો અથવા યુદ્ધ જેવા કુદરતી પરિબળો દ્વારા જાનહાનિ થાય છે અને વસ્તી ફરીથી સંસાધનોના પ્રમાણમાં આવી જાય છે.

વિશ્વની શક્તિશાળી હસ્તીઓના સ્વાર્થી સમૂહ બિલ્ડરબર્ગની જેમ બોરલૉગ પણ માલ્થસના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતા હોત તો તેમને ક્યારેય કૃષિની ટેકનિક અને નવાં બિયારણો શોધવાની જરૂરિયાત જાણાઈ હોત નહીં અને આઠ અબજ પૃથ્વીવાસીઓને પૂરું પડે એટલી મોલાત ખેતરોમાં ક્યારેય લહેરાઈ શકી હોત નહીં. તમે શોધો તો વિકલ્પ છે, ન શોધો તો કશું જ નથી. બધો જ આધાર તમારા અભિગમ પર રહેલો છે.

બોરલૉગ વિશ્વની હરિત ક્રાંતિના જનક બન્યા અને સ્વામીનાથન ભારતની હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાયા. ૧૯૭૦માં બોરલૉગને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. સાથોસાથ યુએસ કૉન્ગ્રેસનલ ગોલ્ડ મેડલ તથા યુએસ પ્રેસિડેન્શલ મેડલ ઑફ ફ્રીડમ મેળવનારી જૂજ હસ્તીઓમાંના એક બન્યા. ડોનને ૧૧ દેશની પોલીસ શોધતી હતી તેમ બોરલૉગ ૧૧ દેશોની કૃષિ વિજ્ઞાાન અકાદેમીના સદસ્ય હતા. તેમની પાસે ૬૦થી વધારે માનદ ડોક્ટરેટની ડિગ્રી હતી. 

૨૦૦૯માં ૯૫ વર્ષની ઉંમરે જગતના અન્નદાતાએ પૃથ્વી પરથી વિદાય લીધી. આજે આપણા પેટમાં તેમનંા અન્ન છે. ને એક સબક પણ છે કે દુનિયાની કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવું હોય તો લેબોરેટરીમાં જાવ. યુદ્ધ, કુદરતનો ન્યાય, મંદિર આ બધા આત્મ સંતોષના વિશ્રામઘાટ છે. કાયમી સમાધાન આપનારા મુકામો નથી.

જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે એક વખત ડૉ. બોરલૉગ અને ડૉ. સ્વામીનાથનને યાદ કરવા. ને સાથે એ પણ યાદ કરવું કે આ લોકોએ ક્યારેય લોકપ્રિય શૈલીમાં ભાષણો કર્યા નહોતા. તેમણે ક્યારેય જનસભા સંબોધી નહોતી. તેમણે માત્રને માત્ર તેમના વિશેષ જ્ઞાાનનો ઉપયોગ કરીને કરોડો-અબજો લોકોના જીવનને પ્રભાવિત કર્યું. એટલે લોકપ્રિય નેતાઓ આપણા ઉદ્ધારકો છે એવા ભ્રમમાં ન રહેવું. ભારતમાં અને વિદેશોમાં કેટલીય હસ્તીઓ એવી છે જે નાત, જાત, ધર્મ, રંગ, સંસ્કૃતિથી ઉપર ઊઠીને માનવજાત માટે કામ કરી રહી છે. તેમને સો-સો સલામ.

આજની નવી જોક

છગન (મગનને): બેંક અને મચ્છર વચ્ચે શું સમાનતા?

મગનઃ આ તે કેવી તુલના?

છગનઃ બિલકુલ યોગ્ય સરખામણી છે.

મગનઃ કેવી રીતે?

છગનઃ મચ્છર જેમ શરીરમાંથી લોહી ચૂસે છે તેમ બેંક તમારા ખાતામાંથી બેંક ચાર્જીસના નામે ધીમે-ધીમે તમારી બેલેન્સ ચૂસ્યા કરે છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uxvoMc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages