બીજિંગ, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
ફેબુ્રઆરીમાં ચીનની નિકાસ છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી રહી છે જ્યારે આયાતમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે, જે ચીનના અર્થતંત્રમાં મંદી આવવાના સંકેત આપી રહ્યા છે. અર્થતંત્રમાં વૃદ્ધિ લાવવા ચીને તાજેતરમાં અનેક પગલાં હાથ ધર્યા છે. મોસમી પરિબળો કદાચ કામ કરતા હોય પરંતુ, વિશ્વના સૌથી મોટા અર્થતંત્રના નબળા ચિત્રએ વૈશ્વિક મંદીના એંધાણ પૂરા પાડયા છે. યુરોપની કેન્દ્રીય બેન્કે પણ પોતાના ક્ષેત્રમાં આર્થિક વિકાસ દર ઘટવાના સંકેત આપ્યા છે.
ચીનના આંકડા બાદ તેના શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. ગયા વર્ષે ચીનનો આર્થિક વિકાસ દર ૨૮ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક રોકાણકારો અને ચીનના મુખ્ય વેપાર ભાગીદારો ચીન હવે કેવી નીતિ અપનાવે છે તેના પર નજર રાખી રહ્યા છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ચીનની ફેબુ્રઆરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૦.૭૦ ટકા ઘટી છે જે ફેબુ્રઆરી ૨૦૧૬ બાદ સૌથી મોટો ઘટાડો છે, એમ ચીનના કસ્ટમ્સના આંકડા જણાવે છે. આજના આંકડા પરથી જણાય છે કે ચીનમાં વેપાર મંદી ઊભરી રહી છે, એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.
ચીનની નિકાસમાં ડિસેમ્બરમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. ફેબુ્રઆરીમાં ચીનની આયાત ૫.૨૦ ટકા ઘટી છે જે ૧.૪૦ ટકા ઘટવા અપેક્ષા રખાતી હતી. ફેબુ્રઆરીમાં ચીનની વેપાર પુરાંત ૪.૧૨ અબજ ડોલર રહી છે જે ૨૬.૩૮ અબજ ડોલર રહેવાની ધારણાં કરતા ઘણી ઓછી છે.
વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ બે મહિનાના ચીનના આંકડાઓને ગંભીરતાથી લેવાવા જોઈએ એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું. ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધ વચ્ચે આ નબળા આંકડાઓ ઘણું બધુ સૂચવે છે.
અમેરિકાના બે દિવસ પહેલા આવેલા આંકડામાં તેની ચીન સાથેની વેપાર ખાધ ગયા વર્ષે ઓલ ટાઈમ હાઈ રહ્યાનું જોવાયું હતું. અમેરિકા સાથેની ચીનની વેપાર પુરાંત જે જાન્યુઆરીમાં ૨૭.૩૦ અબજ ડોલર રહી હતી તે ફેબુ્રઆરીમાં ઘટીને ૧૪.૭૨ અબજ ડોલર રહી છે.ચીનની મંદી અને વેપાર યુદ્ધે વિશ્વ વેપાર પર આધારિત દેશો પર અસર કરવાનું ચાલુ કર્યું છે અને વિશ્વભરમાં વેપાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ચીન ખાતેની નિકાસ ઘટી જતા જાપાનની જાન્યુઆરીની નિકાસ બે કરતા વધુ વર્ષની નીચી સપાટીએ રહી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ELMsm6
No comments:
Post a Comment