
ન્યૂયોર્ક, તા. 23 માર્ચ, 2019, શનિવાર
ફેસબૂકની વિશ્વસનિયતા પર વધુ એક વખત સવાલ ઉભો થયો છે. ફેસબૂકમાં એકાઉન્ટ ધરાવતા ૨૦થી ૬૦ કરોડ યુઝર્સના પાસવર્ડ ખતરામાં છે. આ પાસવર્ડ ફેસબૂકમાં પ્લેઈન ટેક્સ્ટ તરીકે સેવ થયા છે. સામાન્ય રીતે પાસવર્ડ જે-તે કંપની પાસે સાંકેતિક ભાષામાં (એન્ક્રિપ્ટ થઈને) સેવ થતા હોય છે. માટે કંપનીના કમ્પ્યુટર સિવાય એ પાસવર્ડ કોઈ જોઈ શકે નહીં.
પરંતુ ફેસબૂકે ૨૦થી ૬૦ કરોડ યુઝર્સના પાસવર્ડ આ રીતે એન્ક્રિપ્ટ કર્યા ન હતા. પરિણામે ફેસબૂકના ૨૦ હજાર કર્મચારીઓ ગમે ત્યારે આ યુઝર્સના પાસવર્ડ જોઈ શકે છે. એ રીતે વ્યક્તિની પ્રાઈવસી અને સલામતી બન્નેને ખતરો છે.
જાણીતી સાઈબર સિક્યુરિટી કંપની ક્રેબ્સ ઓને એક અહેવાલ રજૂ કરીને ફેસબૂકની આ બેદરકારી છતી કરી હતી. ક્રેબ્સ ઓનના કહેવા પ્રમાણે આ બધા પાસવર્ડ ફેસબૂકના ૨૦ હજાર કર્મચારીઓ જોઈ શકે છે. એમાંથી કોઈ કર્મચારીએ પાસવર્ડનો દુરુપયોગ કરે તો વપરાશકર્તાને ભારે નુકસાન થઈ શકે છે. જોકે ફેસબૂકે આ રિપોર્ટ પછી કહ્યું હતુ કે પાસવર્ડ બિનસલામત છે, પરંતુ તેને કોઈએ જોયા નથી કે ફેસબૂક ઓફિસની બહાર ગયા નથી.
ક્રેબ્સ ઓનનો દાવો છે કે ફેસબૂકને પોતને જ ખબર નથી કે કેટલા યુઝર્સના પાસવર્ડ આ રીતે રેઢાં મુકી દેવાયા છે. પરંતુ ક્રેબ્સના અંદાજ પ્રમાણે આંકડો ૨૦ કરોડથી માંડીને ૬૦ કરોડ સુધીનો હોઈ શકે. એમાં ફેસબૂકના ઘણા વપરાશકર્તાઓ આવી જાય છે. માટે સાઈબર નિષ્ણાતોએ તુરંત પાસવર્ડ બદલી નાખવા સલાહ આપી છે. રિપોર્ટ પ્રમાણે આ પાસવર્ડ આજકાલના નહીં ૨૦૧૨થી આ રીતે બિનસલામત છે. એટલે કે ફેસબૂકે ત્યારથી અત્યાર સુધી યુઝર્સના પાસવર્ડની સલામતી પર ધ્યાન આપ્યું જ નથી.
આ પહેલા પણ ફેસબૂક ડેટા સલામત નથી રાખતું એવા કિસ્સા બની ચૂક્યા છે. માટે ફેસબૂક વપરાશકર્તાઓનો ધીમે ધીમે વિશ્વાસ ઉઠી રહ્યો છે. સાથે સાથે ટેકનોલોજી જગતના નિષ્ણાતો એવી પણ સલાહ આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓએ બને એટલી ઝડપથી ફેસબૂક એકાઉન્ટ ડિલિટ કરી નાખવું જોઈએ. ફેસબૂકના શેરના ભાવમાં પણ આવા કૌંભાંડોને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CA96xL
No comments:
Post a Comment