
ભાવનગર, તા. 30 માર્ચ 2019, શનિવાર
ભાવનગરની લોકસભા બેઠક માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણી માટે આવતીકાલે રવિવારે સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે અને કંઈ રીતે કામગીરી કરવી તેની સમજણ આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. 23 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી માટે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક માટે કુલ 4392 કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે, જેમાં 2196 પ્રીસાડીંગ અને 2196 ફસ્ટ પોલીંગ ઓફીસરનો સમાવેશ થાય છે. ચૂંટણી કામગીરી માટે આવતીકાલે રવિવારે સાતેય વિધાનસભા બેઠક પર જુદા જુદા સાત સ્થળે કર્મચારીઓને સવાર-સાંજ તાલીમ આપવામાં આવશે. સવારે 9 થી 12 કલાક દરમિયાન પ્રીસાડીંગ કર્મચારીની તાલીમ અને બપોરે 1 થી 5 કલાક દરમિયાન ફસ્ટ પોલીંગ ઓફીસરને તાલીમ અપાશે.
ભાવનગર પૂર્વના કર્મચારીની તાલીમ એમ.જે.કોલેજ, ભાવનગર પશ્ચિમની શામળદાસ કોલેજ, ભાવનગર ગ્રામ્યની સર પી.પી.સાયન્સ કોલેજ, મહુવાની કે.જી.મહેતા સ્કૂલ, તળાજાની સરકારી એન્જીનીયરીંગ કોલેજ, ગારિયાધારની કે.વી.વિદ્યામંદિર અને પાલિતાણાની નવકારમંત્ર, તળેટી રોડ ખાતે તાલીમ યોજાશે તેમ ચૂંટણી શાખાના આધારભૂત સુત્રોએ જણાવેલ છે. લોકસભાની ચૂંટણીના મતદાન સમયે કંઈ રીતે કામગીરી કરવી? તેની જીણવટભરી માહિતી કર્મચારીઓને તાલીમ દરમિયાન આપવામાં આવશે. નવા કર્મચારીઓને તાલીમમાં ઘણુ શીખવા મળશે, જયારે અગાઉ ચૂંટણીમાં કામગીરી કરી ચૂકેલા અનુભવી કર્મચારીઓને કામગીરીની માહિતી હોય જ છે. રવિવારે રજાના દિવસે કર્મચારીઓને ચૂંટણી માટેની તાલીમ આપવામાં આવશે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JO27qO
No comments:
Post a Comment