
ભાવનગર, તા. 30 માર્ચ 2019, શનિવાર
ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલી હીરાની ઓફિસમાં ભરબપોરના સમયે એક ગઠિયો મૂંગા-બહેરા હોવાનો ઢોંગ કરી 15 લાખ રૂપિયાની કિંમતના હીરાના પેકેટની તફડંચી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નિર્મળનગર, માધવરત્ન-1ના બીજા માળે, નં.335ની હીરાની ઓફિસમાં આજે શનિવારે બપોરના સમયે એક શખસ પોતે મૂંગો-બહેરો હોવાનો ડોળ કરી પ્રવેશ્યો હતો અને ટેબલ ઉપર કાગળો મુકી ફાળો લખાવવા ઈશારો કરવાનું કહેતા ઓફિસમાં હાજર હીરાના વેપારી કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયાએ ઓફિસની બહાર જવાનું કહ્યું હતું.
આંગળીના વેઢે ગણી શકાય તેટલી મિનિટોમાં જ મોટો હાથફેરો કરવાના ઈરાદે બહેરા-મુંગાનો ડોળ કરી ઓફિસમાં આવેલા શખસે પોતાનું ધાર્યું પાર પાડી ટેબલ ઉપર રાખેલ કાગળ સાથે સફેદ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં રાખેલું 15 લાખ રૂપિયાની કિંમતનું એલ.બી. કલરના સિંગલ 32 પોલીસ્ડ ડાયમંડ કટીંગના હીરાનું પેકેટ જેનું વજન 502.36 કેરેટની ચોરી કરી શખસ પલકના ઝબકારે રફૂચક્કર થઈ ગયો હતો.
આ બનાવના કલ્પેશભાઈ વઘાસિયાએ આંગડિયું કરવાનું પેકેટ જોતા ફાળો લખાવવાના બહાને આવેલો શખસ તે પેકેટની ચોરી કરી ગયો હોવાનું જણાતા ઘટના અંગે નિલમબાગ પોલીસને જાણ કરી હતી. જેની જાણ થતાં નિલમબાગ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ કલ્પેશભાઈની ફરિયાદ લઈ અજાણ્યા શખસ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. જેની વધુ તપાસ PSI આઈ.એમ. હુદડે હાથ ધરી છે. વધુમાં ગઠિયો પતલા બાંધાનો અને મીડિયમ હાઈટનો હોવાનું તેમજ તેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની હોવાનું હીરા ઓફિસના સંચાલકે વાતચીતમાં જણાવ્યું હતું.
ગઠિયો CCTV કેમેરામાં કેદ, પોલીસ તપાસનો ધમધમાટ
હીરાની ઓફિસમાં ધોળા દિવસે 15 લાખની કિંમતના હીરાના પેકેટની થયેલી ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે ઓફિસ સ્ટાફના નિવેદનો સાથે CCTV કેમેરાના ફૂટેજ લઈ તેના આધારે ચોરીને અંજામ આપનાર શખસની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ulk2cw
No comments:
Post a Comment