
- બપોરે કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી
આણંદ જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો પોતાનું રોદ્ર સ્વારૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી મહત્તમ તાપમાનમાં પારો ઉંચે જતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. તેમાં પણ ગુરૂવારના રોજ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.ની નજીક પહોંચી જતા જિલ્લાવાસીઓએ આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો. મોટાભાગે બપોરના સુમારે શહેરના રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૯.૨ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિ.સે. તથા સરેરાશ તાપમાન ૨૮.૮ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ઝડપ ૨.૧ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૯.૭ રહેવા પામ્યો હતો. આગામી દિવસોમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે અને જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આકરા ઉનાળાની શરૂઆત થતા સમગ્ર જિલ્લામાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગુરૂવારના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.ની નજીક પહોંચી જતા જિલ્લાવાસીઓએ બપોરના સુમારે અંગદઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો.
ગરમીના કારણે બપોરના સુમારે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકની ઓછી ચહલપહલ જોવા મળી હતી. તો વેપારીઓ પણ બપોરના સુમારે દુકાનમાં આરામ ફરમાવતા નજરે પડયા હતા. મજુર વર્ગ પણ બાગ-બગીચા તેમજ વૃક્ષના શીતળ છાંયડામાં આરામ ફરમાવતા નજરે પડયા હતા. ઉનાળાની શરૂઆત સાથે જ શહેરના વિવિધ રાજમાર્ગોની આસપાસમાં શેરડીના રસના કોલ્હા, લીંબુ સિકંજીની લારીઓ તેમજ અન્ય ઠંડાપીણાં તેમજ શરબતની હાટડીઓની સાથે સાથે ટોપી-ચશ્માનું વેચાણ કરતા વેપારીઓના ડેરા-તંબુનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. સાથે સાથે પીવાના પાણીની બોટલોની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CK9fhZ
No comments:
Post a Comment