રાજકોટ,તા.25 માર્ચ 2019,સોમવાર
આમ તો ચૈત્રના બીજા પખવાડિયાથી અસહ્ય તાપનો આરંભ થતો હોય છે પણ ં આ વખતે ફાગણ માસમાં જ ગરમીનું જોર વધી રહ્યું છે અને ક્રમશઃ વધતો તાપમાનનો પારો આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિત શહેરોમાં ૪૦ સે.એ પહોંચ્યો હતો.
રાજકોટમાં મનપા દ્વારા વૃક્ષારોપણમાં જાણી જોઈને ઘોર ઉપેક્ષા દાખવાતા અને બીજી તરફ બાંધકામોને મોકળુ મેદાન આપી દેતા ગરમી છે તેના કરતા વધુ અનુભવાઈ રહી છે. ટૂંક સમયમાં લૂ વર્ષાથી જનજીવન ત્રસ્ત બને તેવા એંધાણ છે.
આજે જુનાગઢમાં મહત્તમ ૪૦ સે.અને ન્યુનત્તમ ૨૬.૮ સે.તાપમાને તીવ્ર ગરમી અનુભવાઈ હતી. અમરેલીમાં સવારે ૨૩.૩ સે.નું તાપમાન બપોર સુધીમાં વધીને ૪૦ સે.પહોંચ્યું હતું તો રાજકોટમાં પણ પારો ૩૯.૫ એટલે કે ૪૦ સુધી પહોંચી જતા તીવ્ર તાપ અનુભવાયો હતો. રાજકોટમાં ગત દસ દિવસમાં તાપમાનમાં ૭થી ૮ સેલ્સિયસનો વધારો થયો છે. પોરબંદરમાં પણ તાપમાન ૩૯.૬ સે.પહોંચી ગયું હતું.
ગરમી વધવાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તાર તથા સૌરાષ્ટ્રભરમાં પાણી પ્રશ્ને મોં ફાડયું છે. પાણી વિતરણમાં રેઢા પડની સ્થિતિ વચ્ચે આ પ્રશ્ન આગામી એક માસમાં ગંભીર રૂપ લે તેવી ભીતિ છે. એકબાજુ ખેતરોને પાવા પાણી નથી તેના પગલે શાકભાજીની આવક ઘટતા તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઉનાળામાં લીંબુ શરબત વધુ પીવાતું હોય છે ત્યારે લીંબુના ભાવ ૧૦૦ને આંબી ગયા છે. અન્ય શાકભાજી પણ મોંઘુદાટ થવા લાગ્યું છે.
રાજકોટમા મનપા સંચાલિત કાલાવડ રોડ, સિંદુરીયાખાણ, રેસકોર્સ સહિત સ્નાનાગારોમાં આવનારા સભ્યોની સંખ્યા પખવાડિયામાં જ બમણી થઈ ગઈ છે અને હવે ઉનાળા બેચ શરુ થશે તેમાં સભ્ય થવા ઓનલાઈન કતારો લાગશે. તો ઘરે ઘરે જળમાંગમાં પણ વધારો થયો છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyVrIR
No comments:
Post a Comment