મોહાલી, તા.૧૦
ધવન (૧૪૩) અને રોહિત (૯૫)ની આક્રમક બેટીંગને સહારે ૯ વિકેટે ૩૫૮ રન ખડકવા છતાં ભારતને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી મોહાલી વન ડેમાં ૧૩ બોલ બાકી હતા, ત્યારે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. બેટ્સમેનો માટે સ્વર્ગ સમી પીચ પર હેન્ડસ્કોમ્બના ૧૧૭, ખ્વાજાના ૯૧ અને કારકિર્દીની બીજી વનડે રમી રહેલા ટર્નરના ૪૩ બોલમાં ૬ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથેના અણનમ ૮૪ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૩૫૯ના રેકોર્ડ ટાર્ગેટને ૪૭.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
ઓસ્ટ્રેલિયાએ આ સાથે પાંચ વન ડેની શ્રેણીમાં ૨-૨થી બરોબરી મેળવી હતી. ભારત સામે વન ડેમાં પહેલી વખત કોઈ ટીમ આટલા જંગી સ્કોરનો સફળતાપૂર્વક પીછો કરી શકી હતી. મોહાલીમાં ૯૭.૫ ઓવરમાં કુલ ૭૧૭ રન નોંધાયા હતા અને ૧૫ જ વિકેટ પડી હતી.
હવે શ્રેણીની પાંચમી અને આખરી વન ડે ૧૩મી માર્ચને બુધવારે દિલ્હીમાં રમાશે.
હેન્ડ્સ્કોમ્બ અને ખ્વાજાએ આશા જીવંત રાખી
મોહાલીમાં ભારત સામે જીતવા માટેના ૩૫૯ રનના વિશાળ પડકારનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની શરૃઆત કંગાળ રહી હતી. ફિન્ચ (૦) અને શોન માર્શ (૬) આઉટ થતાં ત્યારે પ્રવાસી ટીમનો સ્કોર માત્ર ૧૨રન હતો. જોકે ઓપનર ખ્વાજા સાથે હેન્ડ્સ્કોમ્બે જીતની આશા જીવંત રાખતાં ૧૯૨ રનની ભાગીદારી ત્રીજી વિકેટમાં કરી હતી. ખ્વાજા સતત બીજી મેચમાં સદી ફટકારી શક્યો નહતો અને ૯૯ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૯૧ રને બુમરાહનો શિકાર બન્યો હતો. હેન્ડ્સ્કોમ્બે ૧૦૫ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા ૧૧૭ રન કર્યા હતા.
ટર્નરના ૪૩ બોલમાં ૮૪* : કારેય સાથે ૮૬ રનની ભાગીદારી કરી
સ્ટોઈનીસના સ્થાને સમાવાયેલા ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર ટર્નરે કારકિર્દીની બીજી જ મેચમાં ૬ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૪૩ બોલમાં અણનમ ૮૪ રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હેન્ડસ્કોમ્બ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયા જીતથી ૮૮ રન દૂર હતુ. આ તબક્કે ટર્નર અને કારેય (૧૫ બોલમાં ૨૧)ની જોડીએ ૮૬ રનની ભાગીદારી કરતાં ટીમની જીત નિશ્ચિત કરી હતી.
ચહલે ૧૦ ઓવરમાં ૮૦ અને જાધવે ૫ ઓવરમાં ૪૪ રન આપ્યા
ભારતીય બોલરો ખર્ચાળ સાબિત થયા હતા અને તેઓ ઓસ્ટ્રેલિયાની રનગતિ પર અંકુશ લગાવી શક્યા નહતા. ચહલે ૧૦ ઓવરમાં ૮૦ રન આપતાં એક વિકેટ ઝડપી હતી. જ્યારે પાર્ટ ટાઈમ સ્પિનર જાધવે પણ ૮.૮૦ની સરેરાશથી પાંચ ઓવરમાં ૪૪ રન આપ્યા હતા. કુલદીપની ૧૦ ઓવરમાં પણ ૬૪ રન ગયા હતા. એકમાત્ર વિજય શંકરે ૫ ઓવરમાં માત્ર ૨૯ રન આપ્યા હતા.
ધવનની ૧૬મી સદી : ૧૭ ઈનિંગના ઈંતેજારનો અંત
ભારતીય ઓપનર શિખર ધવને લાંબા ઈંતેજારનો અંત આણતા બરોબર વર્લ્ડ કપ પહેલા જ ફોર્મ મેળવી લીધું છે. ધવને ૧૭ ઈનિંગ્સના ઈંતેજારનો અંત આણતાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ચોથી વન ડેમાં કારકિર્દીની ૧૬મી સદી ફટકારી હતી. ધવને ઓસ્ટ્રેલિયાના બોલરોમાં ફફડાટ ફેલાવતા ૧૧૫ બોલમાં ૧૮ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૪૩ રન ફટકાર્યા હતા. ધવનની વન ડે કારકિર્દીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે, તેણે આ સાથે ભારત માટે જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો અને ટીકાકારોની બોલતી પણ બંધ કરી દીધી હતી.
રોહિતના આક્રમક ૯૫ : ધવન સાથે ૧૯૩ રનની ભાગીદારી
એક છેડેથી ધવને આક્રમક બેટીંગ કરી હતી, તો બીજી તરફ રોહિત શર્માએ પણ આગવી લયમાં બેટીંગ કરતાં બાઉન્ડ્રી ફટકારવાનું જારી રાખ્યું હતુ. રોહિતે ૯૨ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૯૫ રન ફટકાર્યા હતા. રોહિત અને ધવનની જોડીએ મોહાલીમાં ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારી ભારતીય ટીમને ધમાકેદાર શરૃઆત અપાવી હતી. બંનેએ ૩૧ ઓવરમાં ૧૯૩ રન ફટકારતાં જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો.
ભારતના આખરી ૧૯ ઓવરમાં ૧૬૫ રન : પંત-શંકરને નિર્ણાયક બેટીંગ
ધવન અને રોહિત શર્માની જોડીની આક્રમક શરૃઆત બાદ મીડલ અને લો ઓર્ડરના બેટ્સમેનોએ સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતુ. જોકે કોઈ એક ખેલાડી મોટી ઈનિંગ રમી શક્યો નહતો. કોહલી ૭ રને આઉટ થયો હતો. જ્યારે પંતે ૨૪ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૬ રન કર્યા હતા. લોકેશ રાહુલ ૨૬ અને શંકર ૧૫ બોલમાં ૨૬ રન ફટકારીને આઉટ થયા હતા. બુમરાહે કમિન્સે નાંખેલા મેચના આખરી બોલ પર છગ્ગો ફટકારતાં ભારતીય કેપ્ટન કોહલી સહિતના ખેલાડીઓ અને ચાહકોને ખુશ કરી દીધા હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NVWfKv
No comments:
Post a Comment