ઈન્દોર, તા.૧૦
મહારાષ્ટ્ર સામેની ટી-૨૦માં ગુજરાતને એક બોલ બાકી હતો, ત્યારે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. સતત બીજા પરાજયને કારણે ગુજરાતની સઈદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટમાં આગેકૂચ કરવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે. જીતવા માટેના ૧૪૪ના ટાર્ગેટનો પીછો કરતાં મહારાષ્ટ્રનો સ્કોર એક તબક્કે ૮૬/૬ થઈ ગયો હતો. જોકે એ. કાઝી અને હિમગાનેકરની જોડીએ સાતમી વિકેટમાં અણનમ ૬૩ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી.
ગુજરાતના નવ વિકેટે ૧૪૩ના સ્કોર સામે મહારાષ્ટ્રે ૧૯.૫ ઓવરમાં છ વિકેટે ૧૪૯ રન કરતાં જીત મેળવી હતી. ગુજરાતનો સુપર લીગમાં આ બીજો પરાજય છે.અગાઉ ઝારખંડ સામેની મેચમાં ગુજરાત એક રનથી હાર્યું હતુ. આજે સવારે ૯.૦૦ વાગ્યાથી ગુજરાત અને રેલવે વચ્ચે મુકાબલો ખેલાશે.
ઈન્દોરમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. ચિરાગ ગાંધીના ૪૦ બોલમાં બે ચોગ્ગા સાથેના ૩૫ તેમજ કેપ્ટન પ્રિયાંક પંચાલના ૨૮ અને તેજસ પટેલના ૧૨ બોલમાં ૨૪ (૪ ચોગ્ગા) રનની મદદથી ગુજરાતે ૯ વિકેટે ૧૪૩ રન કર્યા હતા. મહારાષ્ટ્ર તરફથી મુથુસ્વામી અને હિમગાનેકરે ૨-૨ વિકેટ ઝડપી હતી. મહારાષ્ટ્રની જીતમાં કાઝીના ૨૯ બોલમાં અણનમ ૩૯ અને હિમગાનેકરના ૧૭ બોલમાં અણનમ ૩૫ મુખ્ય હતા. પિયુષ ચાવલા અને હેમાંગ પટેલે ૨-૨ વિકેટ મેળવી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NRT3Qh
No comments:
Post a Comment