
ન્યુયોર્ક/અમદાવાદ, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
ભારતના સફળ એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ મિશન પછી આજે અમેરિકાએ અવકાશી ભંગાર (સ્પેસ ડેબરી) અંગે ચિંતા કરી હતી. અવકાશમાં ઘણા નકામા ઉપગ્રહો, રોકેટની સામગ્રી, અન્ય સાધન સામગ્રીને કારણે સતત ભંગાર સર્જાતો રહે છે. ભારતે કાલે તોડી પાડેલા ઉપગ્રહના પ્રયોગ પછી બેશક અવકાશી ભંગાર સર્જાયો છે. પરંતુ ભારતનો એ અવકાશી ભંગાર એટલો બધો નુકસાનકારક નથી. કેમ કે ભારતનો ભંગાર લૉ-અર્થ ઑરબિટમાં ૩૦૦ કિલોમીટર જેટલા અંતરે જ છે. પૃથ્વીથી આટલી ઊંચાઈએ આવેલો આ બધો ભંગાર ૪૫ દિવસમાં પૃથ્વી પર ખાબકશે અને એ દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ સળગી જશે. એટલે અવકાશી ભંગારની અમેરિકાએ કરેલી ચિંતા ખોટી છે.
અમેરિકાની ચિંતા
અમેરિકાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સહિતના વિવિધ પક્ષકારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ પ્રકારના પ્રયોગોથી અવકાશમાં કચરો ભેગો થશે. પૃથ્વીવાસીઓએ ભેગા મળીને અવકાશનો શાંતિપૂર્વક અને વિકાસ માટે ઉપયોગ કરવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતુ. પૃથ્વી પર જે રીતે કચરો એકઠો થાય છે એમ અવકાશમાં ભૂતકાળના મિશન, અવકાશયાનમાંથી પડી ગયેલા સ્પેર પાર્ટ્સ, અવકાશયાત્રીઓએ પેદા કરેલો કચરો, અજાણતા રહી ગયેલી સામગ્રી, નિષ્ક્રિય ઉપગ્રહો.. વગેરે સતત ભ્રમણકક્ષામાં ફરતા રહે છે. એ બધી સામગ્રી અવકાશી ભંગાર તરીકે ઓળખાય છે.
નાનો ભંગાર, મોટુ નુકસાન
પૃથ્વીની સપાટીથી આ ભંગાર ૫૦૦ કિલોમીટરથી લઈને ૩૬ હજાર કિલોમીટર સુધીની કક્ષામાં ફેલાયેલો હોય છે. ભ્રમણકક્ષામાં હોવાથી એ ભંગાર ઉપગ્રહની માફક ફરતો રહે છે. પરંતુ તેની ફરવાની ઝડપ કલાકના ૨૮થી ૨૯ હજાર કિલોમીટરની હોય છે. આ ઝડપે નાનકડી કાંકરી જેવો કણ પણ કોઈ ઉપગ્રહ, અવકાશ મિશન કે અવકાશયાત્રી સાથે અથડાય તો મોટું નુકસાન કરી શકે છે. માટે અમેરિકા જેવા દેશોએ તો સ્પેસ ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. અમુક કદ કરતા મોટા ટૂકડા પર એ સિસ્ટમ સતત નજર રાખે છે. એ સિસ્ટમ દ્વારા જ અમેરિકાએ જાણ્યુ હતું કે ભારતના પ્રયોગને કારણે ૨૫૦થી વધારે અવકાશી ભંગારના ટૂકડા સર્જાયા છે. માટે કોઈ મિશન વખતે ભંગાર અથડાવાની શક્યતા હોય તો એ ટાળી શકાય છે. કેમ કે અવકાશી ભંગારનો એકેય ટૂકડો ભટકાય તો લાખો ડૉલરનું મિશન હવામાં જ ભસ્મ થઈ જાય.
અમેરિકા-રશિયા મૂળ સર્જક
૧૯૫૭ પહેલા અવકાશમાં કોઈ ભંગાર ન હતો કેમ કે અવકાશમાં ઉપગ્રહો છોડવા, રોકેટો મોકલવા, જાત-જાતના પ્રયોગો કરવા.. વગેરે પ્રવૃત્તિ થતી ન હતી. એ પ્રવૃત્તિ શરૂ થઈ એટલે ભંગાર પણ શરૂ થયો. આજે જે લાખો ટૂકડાનો ભંગાર છે તેમાં ૩૫ ટકાથી વધારે ભંગાર રશિયાએ સર્જ્યો છે. જ્યારે ભારતને સલાહ આપનારા અમેરિકાએ પણ ૩૦ ટકા ભંગાર સર્જી દીધો છે. ત્યાં સુધી અમેરિકાને અવકાશની ચિંતા થતી ન હતી, હવે થાય છે. ૨૦૦૭માં ચીને પોતાનો ઉપગ્રહ તોડી પાડયો એ ૯૦૦ કિલોમીટર ઊંચી કક્ષામાં હતો. તેનો ભંગાર પણ હજારો ટૂકડામાં ફેરવાયો હતો.
ભારતની પ્રગતિ અંગે અમેરિકાનું સર્ટિફિકેટ
અમેરિકાએ સાથે સાથે પણ જણાવ્યુ હતું કે ભારતે ભલે પ્રયોગ કર્યો પરંતુ અવકાશી ડિફેન્સ સિસ્ટમથી ભારત ઘણુ દૂર છે. અમેરિકાની એ ચિંતા પેટબળતરા પ્રકારની છે. કેમ કે ભારતના વડા પ્રધાને કાલે જ સ્પષ્ટ કર્યું હતુ કે અવકાશમાં આગળ વધવા પાછળ અમારો ઈરાદો કોઈને ડરાવવાનો નથી. પણ કોઈ અમને ડરાવી ન શકે એવી વ્યવસ્થા ઉભી કરવાનો છે. અમેરિકા-રશિયાએ અવકાશમાં ડિફેન્સ સિસ્ટમ એટલે કે પોતાના ઉપગ્રહોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. એટલે અમેરિકાના જે નિષ્ણાતો ભય, ચિંતા, વ્યક્ત કરે છે એ કસમયની છે. હકીકત એ છે કે ભૂતકાળમાં પશ્ચિમના દેશોને એવુ લાગતું હતુ કે ભારત આ ન કરી શકે, તે ન કરી શકે પણ ભારતના વિજ્ઞાાનીઓએ એ બધા પડકાર પાર કરી દેખાડયા જ છે.
ભંગાર કેમ સાફ કરવો?
દુનિયાભરના અવકાશ વિજ્ઞાાનીઓ વર્ષોથી ભંગાર સાફ કરવા માટે વિવિધ ઉપાયો વિચારી રહ્યા છે. કોઈ રામબાણ ઈલાજ મળ્યો નથી. બીજી તરફ અવકાશ મિશન, અવકાશ સંશોધન સતત વધી રહ્યા છે. માટે ભવિષ્યમાં ભંગાર વધશે. એ ભંગાર અકસ્માત સર્જે એવો ભય છે. માટે લેસર દ્વારા મોટા ભંગારનો નાશ કરવો, વિશાળ ઉપગ્રહ મોકલી બધા ભંગારને ભેગો કરી પૃથ્વી પર લઈ આવવો વગેરે ઉપાયો પર વિચારણા થતી રહે છેે. પરંતુ ભંગારને ઓછો કરી શકે એવો કોઈ કાયમી ઉપાય મળ્યો નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWImO6
No comments:
Post a Comment