(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર
દસ્તાન રેલ્વે ફાટક પાસે સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટની ૨૦૦ ગુણ ભરી ટેમ્પો ડ્રાઇવર વરાછા બોમ્બે માર્કેટ સામે પાટી ચાલ નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરી રાત્રે પોતાના ઘરે સુવા ગયા બાદ ટેમ્પો ત્યાંથી ચોરાઈ ગયો હતો. બાદમાં ટ્રાન્સપોર્ટર અને ડ્રાઈવરે તેની તપાસ કરતાં ટેમ્પો બીજા દિવસે બપોરે કામરેજના વેલંજા ગામના પુલ પાસે ખાલી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં સુમુલડેરી રોડ અલકાપુરી ગુરૂદ્વારાની બાજુમાં ગુણાતીત નગર ઘર નં.૩૦૫/એ માં રહેતા ૪૨ વર્ષીય વિનયકુમાર માયા શંકર મિશ્રા દિલ્હી ગેટ ખાતે રેલ્વે ગુડ્ઝ યાર્ડમાં ત્રિવેણી કાર્ગો મૂવર્સના નામે ફક્ત સિમેન્ટનો ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. તેમની પાસેના ચાર ટેમ્પો પૈકી ટેમ્પો ( નં. જીજે - ૦૫ - વાય વાય - ૮૩૫૯ ) માં ગત ૧૦મી માર્ચના રોજ ડ્રાઇવર વિજયકુમાર રામઅવધ ગૌતમે દસ્તાન રેલવે ફાટક પાસે જે કે લક્ષ્મી સિમેન્ટ કંપની માંથી સિમેન્ટની ૨૦૦ ગુણો ભરી હતી.
સિમેન્ટની ગુણોની ડિલિવરી આપતા પહેલા ૧૦ મીની રાત્રે ડ્રાઇવર વિજયકુમાર વરાછા બોમ્બે માર્કેટ સામે પાટી ચાલ નજીક ખુલ્લી જગ્યામાં ટેમ્પો પાર્ક કરી પોતાના ઘરે સુવા ગયો હતો. બીજા દિવસે સવારે ૭ વાગ્યે તે ટેમ્પો લેવા પહોંચ્યો ત્યારે ત્યાં ટેમ્પો મળ્યો ન હતો. આથી તેણે વિનયકુમારને ફોન કરી ટેમ્પો ચોરી થયાની જાણ કરી હતી. ટેમ્પો ચોરાયાની જાણ થતા વિનયકુમાર ત્યાં દોડી ગયા હતા અને ડ્રાઇવર સાથે મળી તેમણે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ નજીકમાં ક્યાંય ટેમ્પો મળ્યો ન હતો.
બાદમાં બંનેએ સુરત શહેરની બહાર જવાના રોડ ઉપર શોધખોળ કરતાં બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કામરેજ વેલંજા ગામમાં પુલ પાસેથી તેમનો ટેમ્પો ખાલી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. કોઈક ટેમ્પો ચોરી તેમાંની સિમેન્ટની ગુણો સગેવગે કરી ટેમ્પો ત્યાં બિનવારસી છોડી ફરાર થઇ ગયો હતો. આ અંગે વિનયકુમારે ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.કે રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YqsgPY
No comments:
Post a Comment