
ગુવાહાટી, તા. 9 માર્ચ 2019, શનિવાર
ભારતની મહિલા ક્રિકેટ ટીમ જીતવા માટે આખરી છ બોલમાં ત્રણ રન ન કરી શકતાં ઈંગ્લેન્ડે ત્રીજી અને આખરી ટી-૨૦માં ૧ રનથી વિજય મેળવી લીધો હતો. જીતવા માટેના ૧૨૦ના ટાર્ગેટનો પીછો કરતાં ભારત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૧૮ રન કરી શક્યું હતુ. આ સાથે ભારતને ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ સિરીઝમાં ૦-૩થી વ્હાઈટવોશની નાલેશીનો સામનો કરવો પડયો હતો.
અગાઉ પ્રથમ ટી-૨૦માં ભારતનો ૪૧ રનથી અને બીજી ટી-૨૦માં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. ભારતે વન ડે શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી હતી.
આસામના ગુવાહાટીમાં રમાયેલી ટી-૨૦માં ભારતને જીતવા માટે આખરી છ બોલમાં ત્રણ જ રનની જરુર હતી અને ટીમની છ વિકેટ સલામત હતી. જોકે ઈંગ્લેડની બોલર કેટ ક્રોસે માત્ર એક રન આપીને બે વિકેટ ઝડપતાં ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો. આખરી ઓવર શરૂ થઈ ત્યારે ભારતી ફુલમાલી ક્રિઝ પર હતી, તેણે ત્રણ બોલમાં એક પણ રન લીધો નહતો અને ચોથા બોલ પર તે આઉટ થઈ ગઈ હતી.
પાંચમા બોલ પર અનુજા પાટિલ સ્ટમ્પ્ડ આઉટ થતા ભારતને આખરી બોલ પર ૩ રન કરવાના આવ્યા હતા અને નવી બેટ્સવિમેન શિખા પાંડે ક્રિઝ પર આવી હતી. તે છેલ્લા બોલ પર ૧ રન જ લઈ શકતાં ભારતનો પરાજય થયો હતો.
અગાઉ બેઉમોન્ટે ૨૯, જોન્સે ૨૬ તેમજ વ્યાટ્ટે ૨૪ રન કરતાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે ૬ વિકેટે ૧૧૯ રન કર્યા હતા. અનુજા પાટિલ અને હરલીન દેઓલની જોડીએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત તરફથી કેપ્ટન સ્મ્રિતિ મંધાનાએ ૩૯ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૮ તેમજ મિતાલી રાજે ૩૨ બોલમાં અણનમ ૩૦ રન કર્યા હતા. કેટ ક્રોસે બે વિકેટ ઝડપી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EKSnb8
No comments:
Post a Comment