ભાવનગર જિલ્લા પંચાયતનું 1,242 કરોડનું બજેટ મંજુર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

ભાવનગર જિલ્લા પંચાયતનું 1,242 કરોડનું બજેટ મંજુર


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ભાવનગરની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ગુરૂવારે રૂ. 1,242 કરોડના અંદાજપત્રને મંજુર કરવામાં આવ્યુ હતું. આ અંદાજપત્રને શાસક ભાજપે વિકાસલક્ષી ગણાવ્યુ હતુ, જયારે વિપક્ષ કોંગ્રેસ ખેડૂત વિરોધી અંદાજપત્ર હોવાનુ જણાવ્યુ હતું. આ બેઠક દરમિયાન વિપક્ષે કેટલાક પ્રશ્ન ઉઠાવી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. સામાન્ય સભામાં તમામ ઠરાવને બહાલી આપવામાં આવી હતી. ફટાફટ ઠરાવ પાસ કરી અંદાજપત્ર મંજુર કરી અડધી કલાકમાં સભા પૂર્ણ થઈ ગઈ હતી.

શહેરની જિલ્લા પંચાયત કચેરીની સભાગૃહ ખાતે આજે ગુરૂવારે સવારે પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં શરૂઆતમાં જુદા જુદા ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અને ત્યારબાદ ભાવનગર જિલ્લા પંચાયતનુ સને 2018-19ના વર્ષનુ સુધારેલ અને સને 2019-20ના વર્ષનુ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું

વર્ષ 2019-20ના વર્ષની જિલ્લા પંચાયત સ્વભંડોળની સુચિત અંદાજીત આવક રૂ. 1,181.00 લાખ તથા ખુલતી સિલક રૂ. 3,236.00 લાખ મળી કુલ રૂ. 4,417.00 લાખની સામે રૂ. 1,470.00 લાખના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૂ. 2,947.00 લાખની પુરાંત રહેશે. સામાન્ય સભામાં કુલ રૂ. 12,426,701,017ના અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. અંદાજીત ખર્ચ રૂ. ૮૬૯,૯૩,૩પ,૩૦૦ રહેશે અને અંદાજીત બંધ સિલક રૂ. 3,727,365,717 રહેશે.

જિલ્લાની ગ્રામ્ય પ્રજા પર કોઈપણ જાતના નવા કરવેરા હાલ નાખવામાં આવ્યા નથી. સ્વભંડોળમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સદસ્યઓને તેઓના વિસ્તારના વિકાસના કામો માટે રૂ. 2.50 લાખ ખર્ચ કરવા માટે રૂ. 100.00  લાખની તેમજ જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે રૂ. 2.55 કરોડની જોગવાઈ કરેલ છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કુલ રૂ. 53.5 લાખ તેમજ આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 17.10 લાખ, બાંધકામ ક્ષેત્ર માટે કુલ રૂ. 530 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ અંદાજપત્ર વિકાસલક્ષી હોવાનુ શાસક ભાજપે જણાવ્યુ હતુ તો વિપક્ષ કોંગ્રેસે અંદાજપત્ર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખેડૂત કોઈ ખાસ યોજના ન હોવાનુ જણાવ્યુ હતું. 

પીપરડીને સા.કુંડલામાં અને રાણીગામને ગારિયાધારમાં સમાવવા નિર્ણય

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જેસર તાલુકાના મોજે. રાણીગામને ગારિયાધાર તાલુકામાં સમાવવા અને જેસર તાલુકાના મોજે. પીપરડી, કાત્રોડી, હીપાવડલી ગામને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સમાવવા બાબત નિર્ણય કરવાનો હતો. આ બેઠકમાં જેસરના પીપરડી ગામને સાવરકુંડલામાં સમાવવા અને રાણીગામને ગારિયાધારમાં સમાવવા નિર્ણય કરાયો હતો, જયારે કાત્રોડી અને હીપાવડલી ગામ જેસર તાલુકામાં યથાવત રાખ્યામાં આવ્યા છે.  

ભાજપના સભ્યો સભામાં પોણી કલાક મોડા આવતા કચવાટ

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ગુરૂવારે સવારે 11 કલાકે રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન કોંગ્રેસના સભ્યો અને અધિકારીઓ આવી ગયા હતા પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ભાજપના સભ્યો નહી આવતા થોડીવાર વિપક્ષના સભ્યો સવાલો ઉઠાવ્યા હતાં. વિપક્ષના નેતા પદુભા ગોહિલે શાસક પક્ષના સભ્યોને ફોન કરવા પડયા હતાં. ત્યારબાદ 11.45 કલાકે ભાજપના સભ્યો સભામાં આવ્યા હતા અને અડધી કલાકમાં તો સભા પૂર્ણ પણ થઈ ગઈ હતી. 

અંદાજપત્રનુ પ્રમુખનું નિવેદન ઉપપ્રમુખે વાંચ્યુ

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રનુ નિવેદન પ્રમુખ વક્તુબેન મકવાણાએ વાંચવાનુ હતુ પરંતુ તેઓએ કોઈ કારણસર વાંચવાનુ ટાળ્યુ હતુ અને તેઓના સ્થાને ઉપપ્રમુખ બળભદ્રસિંહ કે. ગોહિલે પ્રમુખનુ નિવેદન વાંચ્યુ હતું. આ બાબતે વિરોધપક્ષના નેતા પ્રહલાદસિંહ બી. ગોહિલે મજાક કરતા પ્રમુખ વક્તુબેનનુ વકતવ્ય પુરૂ તેમ કહેતા સભામાં હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતું.

ટ્રેકટરની સબસીડી માટે 700થી ખેડૂતની અરજી નામંજુર

ખેડૂતને ટ્રેકટર માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લા પંચાયતમાં 700થી વધુ ખેડૂતની ટ્રેકટરની સબસીડી નામંજુર કરવામાં આવી છે તેથી આ અંગે યોગ્ય નિર્ણય કરી સબસીડી મંજુર કરવામાં આવે તેવી વિરોધપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલે માંગણી કરી હતી. 

અંદાજપત્રમાં દલિત અને બક્ષીપંચને અન્યાય

જિલ્લા પંચાયતમાં આજે અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. આ અંદાજપત્રમાં દલીત અને બક્ષીપંચ માટે માત્ર રૂ. 4 લાખની જોગવાય કરી અન્યાય કરવામાં આવ્યો છે. 60% વસતી છે ત્યારે ઓછી જોગવાય કેમ કરવામાં આવી? તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેઓએ રૂ. 20 લાખ ફાળવવા માંગણી કરી હતી. જિલ્લાના ગરીબને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમ વિપક્ષના સભ્ય ભાણજીભાઈ સોસાએ જણાવ્યુ હતું. આ અંગે રીવાઇઝ બજેટમાં યોગ્ય કરવામાં આવશે તેમ પ્રમુખે ખાતરી આપી હતી.

અંદાજપત્રમાં ખેડૂતની કોઈ યોજના નથી

ભાવનગર જિલ્લા પંચાયતની સભા દરમિયાન વિપક્ષના સભ્ય સંજયસિંહ સરવૈયાએ જણાવ્યુ હતુ કે, અંદાજપત્ર ખેડૂત વિરોધી છે અને ખેડૂત માટે ખાસ કોઈ યોજના જ નથી. પાકનુ નુકશાન, કુવા ઉંડા ઉત્તારવા, ખેત મજુરને અકસ્માતમાં વળતર, ખેડૂત કે મજુરના અકસ્માતમાં અંતીમક્રિયા માટે રૂ. 1-2 હજારની પણ સહાય નથી, 5 હજારની રોકડ સહાય નથી તેથી ખેડૂત માટે અંદાજપત્ર ખરાબ છે. 

રેતી-કાંકરા માટે વધુ રૂ. 1 કરોડનો ઠરાવ કંઈ રીતે?

સામાન્ય સભામાં રેતી-કંકર માટે રૂ. 3 કરોડની ગ્રાન્ટનો ઠરાવ કરવામાં આવ્યો હોવાથી વિપક્ષના સભ્ય સંજયસિંહે સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વધુ રૂ. 1 કરોડનો ઠરાવ કંઈ રીતે થઈ શકે. ખાનગી વહીવટ થતો હોય તેવુ લાગે છે અને સભ્યો સાથે ભેદભાદ રાખવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપો તેમ કહેતા ઉપપ્રમુખ ગોહિલે માહિતી મળી જશે તેવી ખાતરી આપી હતી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EDP1rH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages