મુંબઈ,તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
જાન્યુઆરીમાં દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) સતત બીજા મહિને ઘટયો છે. સેવા ક્ષેત્રે માગમાં ઘટાડો છતાં કંપનીઓએ કર્મચારીઓની નવી ભરતી કરવાની ઝડપ વધારી હતી, એમ એક સર્વેમાં જણાયું હતું.નિક્કી-આઈએચએસ માર્કિટ સર્વિસીઝ પીએમઆઈ જે ડિસેમ્બર ૨૦૧૮માં ૫૩.૨૦ પોઈન્ટ હતો તે જાન્યુઆરી ૨૦૧૯માં ઘટી ૫૨.૨૦ રહ્યો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સતત આઠમા મહિને ઈન્ડેકસ ૫૦ પોઈન્ટથી ઉપર છે.
કંઈ નહીં તો ટૂંકા ગાળે વિકાસ દર મંદ પડશે એવા સંકેત મળી રહ્યા છે, કારણ કે માગમાં સુધારો મંદ રહ્યા કરે છે, જેને કારણે કંપનીઓના આશાવાદ પર પણ પ્રતિકૂળ અસર પડી છે એમ સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે.
સેવા ક્ષેત્રના આંકડા જો નબળા રહેશે તો વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપીના આંકડા પણ નબળા રહી શકે છે, કારણ કે દેશના જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૬૦ ટકાથી પણ વધુ છે. ઊંચા ભાવને કારણે ઘરેલું માગમાં નબળાઈને કારણે નવા બિઝનેસ ઓર્ડરો પર નજર રાખતો સબ-ઈન્ડેકસ ઘટીને ગયા વર્ષના સપ્ટેમ્બર બાદ નીચી સપાટીએ પહોંચ્યો છે.
બીજી બાજુ દેશમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને જોવાતી અનિશ્ચિતતાએ ભાવિ પ્રવૃતિ સંબંધિત આશાવાદને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચાડી દીધો છે. આમ છતાં કંપનીઓનો ભરતીની માત્રાનો દર જાન્યુઆરીમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.
ભારતની લેબર માર્કટ તરફથી આવેલા એક સાનુકૂળ અહેવાલમાં જોવા મળ્યું છે કે, સેવા ક્ષેત્રમાં રોજગાર નિર્માણ ૨૦૧૯ના પ્રારંભમાં છેલ્લા સાડાસાત વર્ષમાં સૌથી ઊંચો રહ્યું છે.
કંપનીઓ દ્વારા ભરતીમાં વધારો કરવાની પ્રવૃતિ દેશમાં બેરોજગારીમાં ઘટાડો કરવામાં મદદરૂપ થઈ શકશે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સાથે મળીને સરેરાશ પીએમઆઈ ૫૩.૬૦ પોઈન્ટની ડિસેમ્બરની સપાટીએ જળવાઈ રહ્યો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2tb1RqB
No comments:
Post a Comment