વિદેશી માલિકીની મર્યાદા ગણવાની પ્રસ્તાવિત નવી પધ્ધતિ
નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
એમએસસીઆઈ દ્વારા વિદેશી માલિકીની મર્યાદા ગણવાની પ્રસ્તાવિત નવી પધ્ધતિથી ભારતીય શેરબજારને આંચકો આવવાની સંભાવના છે. જો આ નવી પધ્ધતિ અમલી બને તો ભારતીય બજારમાંથી ૮૫ કરોડ ડોલરનું ભંડોળ પાછું ખેંચાય તેવી સંભાવના છે. આ નવી પદ્ધતિના કારણે આગેવાન કંપનીઓના શેરોમાં પીછેહઠ થશે તેની સાથોસાથ એમએસસીઆઈના ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં પણ ભારતના એકંદર વેઈટેજમાં ઘટાડો થશે.
એમએસસીઆઈ દ્વારા એક ચર્ચાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી માલિકીની મર્યાદા ગણતી વખતે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટસ એટલે કે જીડીઆર તરીકે ઓફર કરાયેલા શેરોની બાદબાકી કરાશે. આમ, જો એમએસસીઆઈ દ્વારા વિદેશી માલિકીની મર્યાદા ગણવાની નવી પદ્ધતિ અમલી બનશે તો ભારતીય શેરબજારમાંથી ૮૫ કરોડ ડોલરનું ભંડોળ પાછું ખેંચાવાની સંભાવના છે.
વિદેશી માલિકીની મર્યાદા ગણતરીના નિયમોમાં ફેરફારના કારણે લાર્સન-ટુબ્રો, આઈટીસી, તાતા મોટર્સ સહિતના અન્ય આગેવાન શેરોમાં પીછેહઠ થશે. તેમજ એમએસસીઆઈના ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતનું એકંદર વેઈટેજ ૦.૨૫ ટકા જેટલું ઘટીને ૮.૫૫ ટકા થવાની ધારણા જાણકાર વર્તુળોએ વ્યક્ત કરી હતી.
આ નીતિમાં એમએસસીઆઈ અનેક માપદંડો ધ્યાનમાં લે છે. જેમાં ફોરેન ઈન્ક્લુઝન ફેક્ટર પણ સામેલ છે. તેના પરથી વિદેશી રોકાણકાર કેટલા શેર ખરીદી શકે છે તે જાણી શકાય છે.
અત્યાર સુધી આ ફેક્ટરની ગણતરી વખતે સ્થાનિક શેરો તેમજ ડિપોઝીટરી રિસિપ્ટસ દ્વારા ઉપલબ્ધ શેરો ધ્યાનમાં લેવાતા હતા.
પરંતુ, હવે આ પ્રસ્તાવિત નિયમોમાં ડિપોઝીટરી રિસિપ્ટ્સ દ્વારા ઈશ્યુ કરાયેલા શેરોની બાદબાકી કરવામાં આવશે. જેના કારણે વિદેશી રોકાણકારો માટે ખરીદી માટે ઉપલબ્ધ શેરોના પ્રમાણમાં ઘટાડો થશે. જેના પગલે કંપનીના વેઈટેજમાં પણ ઘટાડો થશે.
આ ઉપરાંત, એમએસસીઆઈએ અન્ય એક દરખાસ્ત રજૂ કરી છે. જેમાં વિદેશી પોર્ટફોલીયો ઈન્વેસ્ટર્સનો અવકાશ ૩.૭ ટકાથી ઓછો હોય તેવા શેરોને પણ બાકાત કરવાનો સમાવેશ થાય છે. આમ, એમએસસીઆઈની આ પ્રસ્તાવિત દરખાસ્ત અમલી બનશે તો ભારતીય બજારને આંચકો આવવાના એંધાણ સાંપડે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HVwISi
No comments:
Post a Comment