તબીબી બેદરકારીની વ્યાખ્યા શી રીતે કરવી ? ડૉક્ટરો પર હુમલાની વધી રહેલી ઘટનાઓ ચિંતાજનક છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

તબીબી બેદરકારીની વ્યાખ્યા શી રીતે કરવી ? ડૉક્ટરો પર હુમલાની વધી રહેલી ઘટનાઓ ચિંતાજનક છે



ડોક્ટરના મનમાં હિંસાનો ડર પેસી જાય તો એ સંવેદનશીલ કેસને હાથમા લેતાં અચકાશે મેડિકલ નીગ્લીજન્સ શબ્દો બોલવા સહેલા છે, પુરવાર કરવા મુશ્કેલ છે

સવારે પાંચ સાડા પાંચ વાગ્યે ગર્ભવતી મહિલાને પુત્ર જન્મ્યો. લેબર રૂમમાંથી જનરલ વોર્ડમાં લાવવામાં આવી. માતાપુત્ર બંને મજામાં હતાં. પરંતુ દિવસના અગિયાર વાગ્યે કોણ જાણે શું થયું, વીસ બાવીસ વર્ષની માતા કોમામાં ચાલી ગઇ. સગાંસંબંધીની ઉશ્કેરણીથી પતિએ પ્રસુતિ કરાવનારી મહિલા ડૉક્ટર સામે મેડિકલ નીગ્લીજન્સ (તબીબી બેદરકારી)નો કેસ ઠોકી દીધો. સ્વાભાવિક રીતેજ મહિલા ડૉક્ટર ડઘાઇ ગઇ. આમાં તબીબી નીગ્લીજન્સ ક્યાં આવી ? કેવી રીતે આવી ? સદ્ભાગ્યે કોર્ટમાં આ કેસ ટક્યો નહીં અને મહિલા ડૉક્ટર ઊગરી ગઇ. પરંતુ દરેક વખતે એવું બનતું નથી.

લગભગ દર બીજે દિવસે ડૉક્ટરો પર હુમલા થતા હોવાના અહેવાલ અખબારોમાં પ્રગટ થાય છે. સારવાર દરમિયાન સ્વજનનું મૃત્યુ નીપજે એટલે મરનારનાં સગાંસંબંધી ડૉકટરો પર ગુસ્સો ઠાલવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ધોળકિયા અટકધારી એક ઓર્થોપેડિક સર્જ્યને તો સ્વેચ્છાએ પોતે હવે વયોવૃદ્ધ થયા છે એમ કહીને સંચોડી પ્રેક્ટિસ જ બંધ કરી દીધી. 

ભાવનગરથી પ્રસિદ્ધ થયેલા આરોગ્ય વિષયક એક પુસ્તકમાં ટોચના તબીબોએ સરસ વાત કરી છે. એનો સાર એટલો જ કે અમે પણ તમારી જેમ હાડ-માંસ-ચામના બનેલા માણસો છીએ, ભગવાન નથી. કોઇને જીવનતદાન આપવાનું અમારું ગજું નથી, તમને સાજા સારા રાખવા અમે અમારા જ્ઞાાનનો સદુપયોગ કરીએ છીએ. આમ છતાં દરેક વખતે અમને સફળતા મળે એવું બનતું નથી.... 

આ વાત સમજવા જેવી છે. દુનિયાનો કોઇ ડૉકટર એવો દાવો કરી શકે નહીં કે હું બીમારને એકસો ટકા સાજો કરીને જીવતો તમને પાછો આપીશ. એમાંય અકસ્માતનો કેસ હોય ત્યારે બંને પક્ષે સમજદારી અનિવાર્ય બની જાય. ઇજાગ્રસ્તના શરીરમાંથી કેટલંુ લોહી વહી ગયું છે, કેટલી અને કેવી ઇજા થઇ છે અને અકસ્માત થયા પછી એને કેટલા સમય બાદ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો છે એ બધા મુદ્દા પેશન્ટને જીવાડવામાં મહત્ત્વના બની જતા હોય છે.

મેડિકલ નીગ્લીજન્સ શબ્દો બોલવા સહેલા છે, પુરવાર કરવા મુશ્કેલ છે. એક ચબરાક વકીલે ડૉક્ટર પર કેસ કરનારા અરજદારને ભરી અદાલતમાં ઊલટતપાસ દરમિયાન પૂછેલું, તમે પોતે ડૉક્ટર છો કે ? ના સાહેબ. તો પછી તમે કેવી રીતે દાવો કરી શકો કે સંબંધિત ડૉક્ટરે સારવાર કરવામાં બેદરકારી દાખવી છે ? બેદરકારી પુરવાર કરી બતાવો...

અમેરિકા યૂરોપની દેખાદેખીથી આપણે ત્યાં પણ મેડિકલ નીગ્લીજન્સના દાવા કરવાની ફૅશન પડી ગઇ છે. એને લઇને કેટલાક ડૉક્ટરો પોતે પણ કાયદો ભણતા થઇ ગયા જેથી કોર્ટમાં પોતે જાતે વકીલ તરીકે પોતાનો બચાવ કરી શકે. એક સમય હતો જ્યારે ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચે આત્મીય અને પારિવારિક સંબંધો હતા.

આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. પરસ્પર વિશ્વાસ ઊઠી ગયો છે. પરંતુ દરેક વ્યવસાયમાં આવું બને છે. દરેક વ્યવસાયમાં થોડાક પૈસા લાલચુ લોકો ગમે તે હદે જઇ શકે છે  કેટલાક પૈસા લાલચુ લોકો તબીબી વ્યવસાયમાં પણ હોઇ શકે છે. એ થોડાક લોકોના કારણે આ એક પવિત્ર વ્યવસાય કલંકિત થઇ રહ્યો છે. એક વાત સમજવા જેવી છે.

કોઇ ડૉક્ટર જાણે કરીને કે ઇરાદાપૂર્વક પોતાના પેશન્ટને મૃત્યુદાન કરી શકે નહીં. પેશન્ટની જીવાદોરી પૂરી થઇ હોય તો ઘરમાં બેઠાં બેઠાં પણ એ સ્વધામ પહોંચી જઇ શકે છે. મારપીટ કે શારીરિક હુમલાથી કશું વળતું નથી. ઊલટું ડૉક્ટર ક્યારેક ઇમર્જન્સી કેસ લેવાનો ના પાડી દઇ શકે છે. એના મનમાં પણ હિંસાનો ડર પેસી જાય તો એ સંવેદનશીલ કેસને હાથમાં લેતાં અચકાશે. સરવાળે નુકસાન સમાજને છે, આપણને સૌને છે. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ss97g1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages