
દક્ષિણની કોઇ મારધાડવાળી ફિલ્મ જોતા હોઇએ એવો હાઇવૉલ્ટેજ પોલીટીકલ ડ્રામા રવિવારે સાંજથી શરૂ થયો છે. આ મારધાડવાળી ફિલ્મમાં હિરો-હીરોઇન-ખલનાયક-સપોર્ટ એક્ટર, આઇટમ સોંગ ગાનારા એ બધું એક જ વ્યક્તિ કરે છે, જેનું નામ મમતા બેનરજી છે. જેમ ફિલ્મમાં દબંગ હિરો હોય છે એમ છેલ્લા ૨૪ કલાકથી ચાલતી ફિલ્મ દબંગ રાજકારણી મમતાના ટેકામાં વિપક્ષો ઉમટી પડયાં છે.
ભારતના વિપક્ષો ભ્રષ્ટાચાર કરીને તગડાં થયેલા છે. હવે તેમની તપાસ શરૂ થઇ રહી છે ત્યારે તે છંછેડાય એ સ્વભાવિક છે. ભારતના રાજકારણની કમનસીબી એ છે કે દરેક પોતાને જેન્ટલમેન સમજે છે અને હકીકતે તેમણે પ્રજા સાથે ગદ્દારી કરીને કરોડો બનાવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકથી ચાલતી નાટકબાજી દરમ્યાન કોઇએ પણ છેતરાયેલા અને જેમના નાણા ડૂબ્યા છે એવા ૫૦ લાખ લોકોને યાદ નથી કર્યા. આ ૫૦ લાખ લોકો પૈકી ૧૦૦ જેટલાએ તો આપઘાત કર્યા છે. આ ૫૦ લાખ લોકોને મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સાંત્વન આપવાના બદલે તે કૌભાંડીઓને બચાવવા મેદાનમાં ઉતર્યા છે. કલકત્તાના પોલીસ કમિશનર આઇપીએસ છે અને વર્તન હોમગાર્ડના રક્ષક જેવું કરે છે.
ભારતના રાજકારણીઓ પોતાને રાજા માનતા આવ્યા છે. લોકશાહી તેમના માટે રાજાશાહી સમાન છે. તેમને કોઇ સ્પર્શી ના શકે અને જે તેમની સામે પડે તેમની સામે આક્ષેપોનો અને બદનક્ષીનો મારો ચલાવે છે.
મમતા બેનરજીના કિસ્સામાં બંધારણનો છડેચોક ભંગ છે. શારદા ચીટ ફંડની તપાસ માટે આવેલા સીબીઆઇના અધિકારીઓને પકડીને તેમણે સમગ્ર મામલો રાજકીય બનાવી દીધો છે. મુખ્ય પ્રધાન જ્યારે અરાજકતા આચરતા હોય તો તેમના પક્ષના કાર્યકરોને કાયદાનું પાલન કરવા કેવી રીતે સમજાવી શકાય ?
હકીકત એ છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દેશના બંધારણને બાનમાં લીધું છે. રાજકીય અહમ્માં રાચતા મમતાએ બંધારણની ઐસી-તૈસી કરીને કેન્દ્ર સરકાર સામે બાંયો ચઢાવી છે. પશ્ચિમ બંગાળને મમતા અલગ દેશ સમજી રહ્યા હોય એમ લાગે છે. શિંગુર આંદોલન દરમ્યાન જોવા મળતા હતા તેવા દ્રશ્યો રવિવારે સાંજથી જોવા મળતા હતા.
સરકારે ભ્રષ્ટ નેતાઓ સામે અલગ કોર્ટ ઊભી કરીને બે વર્ષમાં ચુકાદા આપવા જોઇએ.
મમતા બેનરજી જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે શરૂઆતના ગાળામાં તૃણમુલ કોંગ્રેસના એક કાર્યકરની પોલીસે ધરપકડ કરી હતી. મમતા બેનરજીને આ ધરપકડની ખબર પડી ત્યારે તે મુખ્ય પ્રધાનની ઓફિસમાં બેઠા હતા. ખુરશી પરથી ઊઠીને તે સીધા જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. હાજર પોલીસોને તેમણે દમ મારીને કાર્યકરને છોડાવ્યો હતો તે તો ઠીક પણ બીજા દિવસે તમામ પોલીસોને બદલી નખાયા હતા. મમતા બેનરજીની આવી તોફાની સ્ટાઇલ છે.
મમતા બેનરજીની દુખતી નસ ભાજપ જાણી ગયું છે. જેમ અમિત શાહનું હેલિકોપ્ટર ના ઉતરવા દેવાયું એમ યોગી આદિત્યનાથનું પણ ઉતરવા ના દેવાયું. મમતા બેનરજી ભાજપને જોઇને ભડકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ બિલ્લીપગે નહીં પણ હુમલો કરીને પ્રવેશવા માંગે છે.
જે નામ પર દેશના લોકોને ગર્વ છે તે સીબીઆઇ કરતાં મમતા બેનરજીની પોલીસ વધુ સ્માર્ટ અને મજબુત પુરવાર થઇ છે. સીબીઆઇના કાફલાને જોઇને ભલભલાને પરસેવો થઇ જાય છે પણ મમતાની પોલીસે સીબીઆઇને ધક્કે ચઢાવીને તેમની કાર સીધી જ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સીબીઆઇની કારના ડ્રાઇવરને નીચે ખેંચીને પોલીસનો ડ્રાઇવર ગોઠવાઇ ગયો હતો. દિલ્હી બેઠેલા સીબીઆઇના અધિકારીઓએ પણ ચૂપચાપ તમાશો જોયા કર્યો હતો.
મુખ્ય પ્રધાન પદે શપથ લેતી વખતે બંધારણના રક્ષણની જવાબદારી લેતા રાજકારણીઓ જ્યારે પોતાની નીચે રેલો આવે છે ત્યારે પોતે લીધેલા શપથ ભૂલી જાય છે. મમતા બેનરજી સાથે પોલીસ કમિશનર પણ ધરણા પર બેસે ત્યારે આખા દેશને શંકા-કુશંકા જાય તે સ્વભાવિક છે.
મમતા બેનરજીના રાજકીય સાથીઓ ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહ્યા છે. મમતા તેમજ તેમના સાથીઓ કરોડો રૂપિયા બનાવી લીધા બાદ તપાસને સાથ નથી આપતા.
રવિવારે સાંજે મમતા બેનરજીએ બંધારણને પડકારતાં પગલાં ભર્યા તે અંગે ના તો રાજ્યપાલ કશું બોલ્યા કે ના તો રાષ્ટ્રપતિએ કોઇ પગલાં લીધા. સીબીઆઇને કામ કરતી રોકવાના મામલે સુપ્રીમ કોર્ટે રાત્રે જ સુનાવણી કરવી જોઇએ તેના બદલે કાલે મંગળવારે સુનાવણી કરશે.
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkJmIl
No comments:
Post a Comment