
પાકિસ્તાની ટેન્કોએ દિલીપનું 'સુખોઈ' ફાઈટર પ્લેન તોડી પાડયું હતું
રૂંવાડા ખડા કરી દે તેવી આ સત્ય ઘટનાત્મક સાહસકથા છે. વિદેશની ધરતી પર યુધ્ધ કેદીઓની છાવણીમાંથી કોટડીની દીવાલમાં બાકોરૂં પાડીને ત્રણ યુવાન યુધ્ધકેદીઓ ભાગ્યા અને પછી લપાતા-છુપાતા સરહદ પાર કરીને કઇ રીતે વતનમાં પાછા ફર્યા તેની આ દિલધડક વીરકથા છે.
૧૯૭૧ના ભારત-પાક. વચ્ચેના યુધ્ધમાં ઇન્ડિયન એરફોર્સના ત્રણ ફાઇટર પાઇલોટોને પકડી પાકિસ્તાને યુધ્ધ કેદીઓ તરીકે રાવલપિંડીની છાવણીમાંની કોટડીમાં પુરી દીધા હતા. લગભગ આઠેક મહિના સુધી પ્રિઝનર્સ ઓફ વોર (યુધ્ધ કેદી) તરીકેના જેલવાસ દરમિયાન ભારતીય હવાઇદળના આ ત્રણ સાહસિક અધિકારીઓએ જેલ તોડીને ભાગવાનો પ્લાન બનાવ્યો અને ૧૯૭૨ની બારમી ઓગસ્ટની મધરાતે ત્રણેય વીર જવાનો જેલમાંથી ભાગ્યા અને શરૂ થઇ તેમની જોખમી વીરગાથા....
'ફોર માઇલ્સ ટુ ફ્રીડમ' નામના પુસ્તકમાં કેનેડાની લેખિકા ફેઇથ જહોનસ્ટને આ વીરગાથાનું રસપ્રદ આલેખન કર્યૂ છે. ફેઇથ જહોનસ્ટન ચંદીગઢમાં બે વર્ષ રહી ચુકી છે અને એર કમાન્ડર મનબીર સિંઘ સાથે જહોનસ્ટનનું લગ્ન થયું છે. કેનેડાની પ્રથમ મહિલા સાંસદની જીવનકથા પરથી જહોનસ્ટને લખેલા 'અ ગ્રેટ રેસ્ટલેસનેસ' નામના પુસ્તકને ચાર પારિતોષિકો મળ્યા હતા...
યુધ્ધ કેદીઓની રાવલપિંડી ખાતેની છાવણીમાં ભારતીય હવાઇદળના ફાઇટર પ્લેનના અન્ય સંખ્યાબંધ પાઇલોટો પણ યુધ્ધ કેદીઓ તરીકે રખાયા હતા, જે પૈકી ૨૯ વર્ષના જવાંમર્દ ફલાઇટ લેફટનન્ટ દિલીપ પરૂળકરના મનમાં આ કેમ્પમાંથી ભાગી છૂટવાનો સૌ પ્રથમ વિચાર સ્ફૂર્યો હતો.
ફલાઇટ લેફટનન્ટ દિલીપને ભાગી છૂટવાનો પ્લાન ઘડવામાં જે ૮ ફાઇટર પાઇલોટો સહાયરૂપ થયા હતા તે તમામ પાઇલોટો સાથે લેખિકા જહોનસ્ટને ઘણી બધી વખત વાતચીતો કરીને પ્લાનની સઘળી વિગતો મેળવી એટલું, જ નહીં કેમ્પમાંથી ભાગી છૂટેલા બે ફાઇટર પાઇલોટો સાથે પણ તેઓ કઇ રીતે ભાગ્યા અને રસ્તામાં તેમને કેવી કેવી તકલીફો પડી તેની રજેરજ માહિતી મેળવ્યા પછી ''ફોર માઇલ્સ ટુ ફ્રીડમ'' પુસ્તકની સર્જન પ્રક્રિયા જહોનસ્ટને પરિપૂર્ણ કરી હતી.
પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનના વિસ્તારને અલગ પાડી દેવા માટે ભારતે ૧૯૭૧ના ડિસેમ્બરમાં પાક. પર ચઢાઇ કરી હતી અને યુધ્ધમાં પાકિસ્તાનને જબરજસ્ત રીતે પરાસ્ત કરી અલગ બાંગ્લાદેશનું સર્જન કરાયું હતું. ૧૯૭૧ના એ યુધ્ધના છઠ્ઠા દિવસની ઘટનામાં 'ફોર માઇલ્સ ટુ ફ્રીડમ' ની સાહસ કથાનું બીજ રોપાયું હતું.
દસમી ડિસેમ્બરનો એ દિવસ હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પંજાબના જલંધર નજીક આદમપુર ખાતેના ભારતીય હવાઇ દળના મથકેથી ફલાઇટ લેફટનન્ટ દિલીપ પરૂળકરના ફાઇટર વિમાને દુશ્મનોના દાંત ખાટા કરવા ઉડાન શરૂ કરી. રશિયન બનાવટનું 'સુખોઇ-૭' કેટેગરીનું એ ફાઇટર પ્લેન હતું.
એક પછી એક ચાર સુખોઇ ફાઇટર પ્લેન, આદમપુરથી ભારે ઘરઘરાટી સાથે ઊડયા. ત્રણ ફલાઇટ લેફટનન્ટના ફાઇટર પ્લેનની ઉડાન પછી ચોથો નંબર દિલીપના ફાઇટર પ્લેનનો હતો. જુવાનીના જોમથી તરવરતો દિલીપ પરૂળકર આજે દસમી વાર દુશ્મન દેશની અવકાશી સરહદ પાર કરીને નિશ્ચિત ટાર્ગેટ પર હવાઇ હુમલો કરવા જઇ રહ્યો હતો.
પણ અગાઉના નવ વખતના હુમલાની સરખામણીમાં આ વખતનું દિલીપનું મિશન જરા હટકે હતું. આ કાબેલ ફલાઇટ લેફટનન્ટના અગાઉના નવ વારના નિશાના પર પાકિસ્તાની લશ્કરી ટેન્કો અને આર્મીના ટ્રાન્સપોર્ટ વાહનો હતા.
સરહદ ક્રોસ કરીને આગળ વધતા જવાંમર્દ ભારતીય લશ્કરી દળના જવાનો સામે બેફામ અગનગોળા છોડીને જે પાકિસ્તાની ટેન્કો આપણા જવાનોની આગેકૂચ રોકી તેમનો ભોગ લેતી હતી, એ ટેન્કોને ફલાઇટ લેફટનન્ટ દિલીપે તેના ફાઇટર પ્લેનમાંથી બોમ્બ ઝીંકી ખેદાનમેદાન કરી નાંખી હતી. એ ઉપરાંત પાક. લશ્કરને દારૂગોળો તેમજ ખાદ્ય-સામગ્રી પહોંચાડતા ટ્રાન્સપોર્ટ વાહનો પર પણ ખતરનાક હવાઇ હુમલા કરી દિલીપ દુશ્મનના લશ્કરની જીવાદોરી પણ કાપી નાંખતો હતો.
પણ આ વેળા એનું ટાર્ગેટ પાક.ની લશ્કરી ટેન્કો કે પાક.ના લશ્કરી ટ્રાન્સપોર્ટ વાહનો નહોતા. આ વખતે દિલીપનું ટાર્ગેટ ઊંચુ હતું. લાહોરની પૂર્વમાં આવેલા પાકિસ્તાની લશ્કરના રડાર મથક પર દિલીપ આ વેળા બોમ્બ ઝીંકવાનો હતો. પાકિસ્તાનનું આ રડાર મથક ભારતીય લશ્કરની સઘળી હિલચાલ પર બારીક નજર રાખતું હતું ; જેથી આપણા જવાનો માટે આ રડાર મથક મોટા જોખમરૂપ બની ગયું હતું.
દિલીપ પરૂળકરના ફાઇટર પ્લેનની આજની ઉડાન પાક.ના આ રડાર મથકનો ખાત્મો બોલાવી દેવા માટેની હતી.
ભારતીય હવાઇ દળના ફાઇટર પાઇલોટ તરીકે દિલીપ તેની કારકિર્દીમાં આ પ્રકારની સાહસિક તકની જ રાહ જોતો હતો. પાકિસ્તાન સાથેના ૧૯૬૫ના યુધ્ધમાં પહેલા જ હવાઇ હુમલા વેળા દિલીપ ઘાયલ થયો હતો. તે વખતે દિલીપ તેના 'હન્ટર' પ્લેનનું માંડ માંડ આપણી ધરતી પર સલામતરીતે ઊતરાણ કરાવી શક્યો હતો.
એ યુધ્ધમાં પણ આ વેળાની જેમ પાકિસ્તાની લશ્કર પરના હવાઇ હુમલા માટે રવાના થયેલા ચાર ફાઇટર પ્લેનમાં દિલીપના પ્લેનનો નંબર ચોથો જ હતો. ૧૯૬૫ના યુધ્ધના માત્ર એક અઠવાડિયા અગાઉ જ 'હન્ટર' પ્લેન પર દિલીપે હાથ અજમાવ્યો હતો. પણ આ કુશળ ફાઇટર પાઇલોટે ખૂબ ત્વરાથી 'હન્ટર' ઉડાન પર માસ્ટરી મેળવી લીધી હતી.
સરહદ નજીકના હલવારા હવાઇ મથકેથી દિલીપના ફાઇટર પ્લેને ઉડાન ભરી, એ વખતે પણ દિલીપનું ટાર્ગેટ પાકિસ્તાની લશ્કરી ટેન્કો જ હતું. એક સામટા ચાર હન્ટર વિમાનો આવતા જોઇ પાક. ટેન્કો પરની વિમાન વિરોધી એન્ટી - એરક્રાફટ ગનમાંથી ધનાધન ગોળીઓ વછૂટવા માંડી. દિલીપનું ચોથા નંબરનું હન્ટર પ્લેન દુશ્મનોની ભારે ગોળીવર્ષાનું બરાબરનું નિશાન બન્યું.
ભારત તરફથી એક સાથે ધસી ગયેલા ચાર હન્ટર વિમાનો પૈકીનું પહેલું હન્ટર પ્લેન સરખામણીમાં ઓછું નિશાન એટલા માટે બને કે દુશ્મન દળની ટેન્કોના જવાનો હજી બે ઘડી કાંઇ વિચારે તે પહેલા તો પહેલું લડાયક વિમાન બોમ્બ ઝીંકીને વીજળીક વેગે એન્ટીએરક્રાફટ ગનની રેન્જથી દૂર જતું રહ્યું હોય છે, પણ પહેલા પછી બીજુ, ત્રીજું અને ચોથું ફાઇટર પ્લેન આવે ત્યાં સુધીમાં તો વિરોધી લશ્કરી દળના જવાનો તેના સામના માટે પુરેપુરા સાબદા બની ગયા હોય અને તેમની ટેન્કો પરની એન્ટીએરક્રાફટ ગનની પોઝિશન પણ બરાબર ગોઠવી દેવાનો પુરતો સમય તેમને મળી ગયો હોય, એટલે ચોથા નંબરના દિલીપના ફાઇટર પ્લેન પર વિમાન વિરોધી ગનમાંથી છૂટેલી ગોળી સનનન કરતી તેના નિશાન સુધી આવી ગઇ. પણ દિલીપ વધારે સાબદો હતો. ગોળી તેને વિંધી નાંખે તેના ક્ષણાર્ધમાં એ થોડો આગળ ઝુકી જતા દુશ્મનની ગોળી તેનો ખભો વીંધીને ફાઇટર પ્લેનના ઉપરના ભાગમાંથી બહાર નીકળી ગઇ.
તીવ્ર ગતિથી વછૂટેલી ગોળીના કારણે કોકપીટની નીચે અને ઉપર એમ બે જગ્યાએ કાણાં પડી જવાથી બહારની હાડ ધુ્રજાવતી બરફીલી હવા જોસભેર કોકપીટમાં ધસી આવી. દિલીપે ફાઇટર સૂટ પહેર્યો હોવા છતાં ક્ષણભર તો એ ધુ્રજી ઊઠયો. પણ એ પછી તુરત એણે પોતાની જાત પર અને સાથે સાથે હન્ટર પ્લેન પર કાબૂ જમાવી દીધો.
દિલીપ જો કે નશીબનો બળીયો હતો. એ જો જરા જેટલો આગળ ઝુકી ગયો નહોત તો ગોળી સીધી એના માથામાં જ વાગવાની હતી. હવે એની કોકપીટમાં હીમ જેવી ઠંડી હવાનું ધુમ્મસ છવાઇ ગયું હતું અને નીચે ભુમિ પર એન્ટી એરક્રાફ્ટ ગનમાંથી ધનાધન વછૂટતી ગોળીઓના કાન ફાડી નાંખે તેવા અવાજો પણ તેને સંભળાતા હતા. સાક્ષાત યમરાજ જાણે તેની સાવ જ નજીક આવીને ઊભા હતા પણ આ જુવાનજોધ ફલાઇટ લેફ્ટનન્ટ સ્હેજ પણ હિંમત ન હાર્યો.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkJh7v
No comments:
Post a Comment