
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
ટેક્સ્ટાઇલના એક ઘટક એવા એમ્બ્રોઇડરીમાં ફરી પાછો ધમધમાટ વધી ગયો છે. વેપારીઓએ કામકાજો અનુસંધાને નવા પ્રોગ્રામો આપતા એમ્બ્રોઈડરીના કારખાનામાં રો મટીરિયલની આવક વધી ગઈ છે. અત્યારે સ્થિતિ એ છે કે એમરોડરીના કારખાનાઓમાં પૂરતો માલ હોવાને કારણે બંને પાળીમાં મશીનો ચાલી રહ્યા છે. જોબવર્ક મળતું થયું હોવાને કારણે ચિંતા મુક્ત બનીને કારખાનેદારોને અત્યારે કામકાજ ઉપર ધ્યાન આપી રહ્યા છે.
એમ્બ્રોઇરોડરી જોબવર્કમાં કામકાજો સુધાર્યા હોવાને કારણે કારખાનેદારોને મોટી રાહત મળી છે. આગળ લગ્નસરાની સિઝન છે અને વેપારીઓએ તેની તૈયારીઓ શરૂ કરી હોવાથી, કારખાનાઓમાં રો મટીરિયલની આવક અત્યારે જળવાઇ રહી છે. એક સમયે એમ્બ્રોઇડરીના મશીનો ૬૦% જેવા બંધ રહેતા હતા તે હવે બધા ફરી પાછા શરૂ થઈ ગયા છે. અત્યારે દિવસ રાત મશીનો ચાલી રહ્યા છે. દિવાળી પછી છેક જાન્યુઆરીના મધ્ય સુધી કામકાજોમાં કોઈ ગતિ નહોતી.
ખરીદી નહીં હોવાને કારણે પણ વેપારીઓએ વેલ્યુએશન માટેના નવા પ્રોગ્રામો આપવાનું ટાળ્યું હતું. પણ છેલ્લા થોડા દિવસથી લગ્નસરાની સિઝનની ખરીદી ધીમે પગલે શરૂ થઈ હોવાથી વેપારીઓ નવા સ્ટોક માટેની તૈયારીઓ આરંભી હતી અને તેને પગલે જોબવર્કના કામોમાં વધારો આવ્યો છે.
એમ્બ્રોઇડરીના જોબવર્કમાં આવેલી આ તેજી હકીકતમાં તો ઘણા બધા મશીનો ભંગારમાં ગયા હોવાથી કે વેચાઈ ગયા હોવાને કારણે છે. દિવાળી પહેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગની હાલત ખૂબ જ ખરાબ હોવાથી ઘણા બધાએ મશીનો વેચી નાંખ્યા હતા. જોબવર્ક પણ ખૂબ જ ઓછા થઈ ગયા હોવાને કારણે મશીનો ચલાવી શકાય એમ નહીં હોવાથી ઘણા બધાએ આ ક્ષેત્રમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું અને આજે ફરી પાછી તેજી આવતા કારખાનેદારોને મોટી રાહત મળી છે.
ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જોબ વર્કમાં આવેલી તેજીને કારણે હવે પછી કામકાજ જળવાઈ રહેશે એવી આશા સૌને બંધાઈ છે. અત્યારે કોઈના મશીન બંધ નથી અને બંને પાળીમાં કામકાજ ચાલી રહ્યા છે. જે પ્રકારે કામકાજમાં તેજી આવી છે તે જોઈને કારખાનેદારો અને વેપારીઓ અગાઉની મંદી અને જીએસટીના પ્રશ્નને ભૂલીને ફરી કામકાજમાં પરોવાઈ ગયા છે.
બહારગામના વેપારીઓની લગ્નસરાની ખરીદીથી કાપડ બજારમાં ધમધમાટ વધ્યો
આ વર્ષે લગ્નના મુહૂર્તો ખૂબ જ હોવાથી તેનો લાભ કાપડ બજારને મળી રહ્યો છે. અત્યારે પણ બહાર ગામના વેપારીઓએ લગ્નસ રાને લઈને ખરીદી શરૂ કર્યું હોવાથી કાપડબજારમાં ધીમો સળવળાટ છે. બહારગામના વેપારીઓએ ખરીદી માટે આવવાનું શરૂ કરી દીધું છે, એમ કાપડબજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
લગ્ન પ્રસંગોમાં સાડીઓનું ચલણ ખૂબ જ હોવાથી એની ખપત સૌથી વધુ રહેતી હોય છે. વળી ભેટ અને રીત-રિવાજ પ્રમાણે સાડીઓ આપવાનું ચલણ હોવાથી પણ સાડીઓની માંગ લગ્નસરાની સિઝન દરમિયાન રહેતી હોય છે. અત્યારે ડ્રેસ મટીરીયલની પણ માંગ નીકળી છે. આવનારા દિવસોમાં ગરમીને કારણે કોટન ફેબ્રિકની માંગ રહેતી હોવાને કારણે સારા કામકાજની અપેક્ષાઓ સૌ કોઈ રાખી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKIB0X
No comments:
Post a Comment