
ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર
રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો પાસે ખાદ્ય વસ્તુની નિયત કિંમત કરતા વધુ પૈસા પડાવાઈ રહ્યા હોવાની ઉઠેલી ફરિયાદો રેલવે તંત્રના કાને અથડાતા ગ્રાહકોને લૂંટાતા બચાવવા રેલવે તંત્રએ નો બીલ, નો પેમેન્ટનો નવો નિયમ જારી કર્યો છે. આ સર્ક્યુલર ભાવનગર રેલવે ડિવિઝનમાં પણ અમલમાં આવી ગયો છે. જો કે, હજુ સુધી એક પણ ફરિયાદ સામે આવી ન હોવાનો રેલવેના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું.
ભાવનગર રેલવે ડિવિઝન ઓફિસના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 16મી જાન્યુઆરીથી નો બીલ, નો પેમેન્ટનો નિયમ અમલમાં લવાયો છે. જેમાં રેલવેના તમામ પ્લેટફોર્મ, રેલવે સ્ટેશનો પર આવેલા કેટરીંગના સ્ટોલ પરથી કોઈ વસ્તુ ખરીદે તો તેનું સ્ટોલધારકે ગ્રાહકને ફરજિયાત બીલ આપવું. જો કોઈ બીલ આપવાની ના પાડે તો ગ્રાહક તેના પૈસા ન આપી સ્ટોલધારક સામે ફરિયાદ કરી શકે છે.
ભાવનગર રેલવે ડિવિઝન સહિતના દેશના તમામ રેલવે સ્ટેશનો પર આવેલા સ્ટોલ પર ફરિયાદ કરવા માટેનો ટોલ ફ્રી નંબર પણ લખવામાં આવ્યો છે. જો કોઈ આવી ફરિયાદ આવે તો રેલવે તંત્ર દ્વારા કેટરીંગ સ્ટોલ ધારક સામે પેનલ્ટી, સ્ટોલ બંધ કરવા સહિતની આકરી કાર્યવાહી કરાશે.
વધુમાં 16મી જાન્યુઆરીથી નો બીલ, નો પેમેન્ટનો નિયમ અમલી થયાને 20 દિવસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ ભાવનગર ડિવિઝનમાં કોઈ મુસાફરોની હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી. નિયમની કડક અમલવારી થાય તે માટે કેટરીંગ સુપરવાઈઝર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ સ્ટોલધારક પાસેથી રોજે રોજ કેટલા બીલ આપ્યા તેનું અપડેટ પણ લેવાઈ રહ્યું હોવાનું દાવો રેલવે તંત્ર તરફથી કરાયો છે. મુસાફરોમાં જાગ્રતતા આવે તે માટે રેલવે સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે.
નોંધનિય છે કે, નો બીલ, નો પેમેન્ટનો નિયમ ગ્રાહકો માટે સારો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે, હાઈવેની હોટલો જેમ ફેરિયાઓ દ્વારા ટ્રેનમાં ચઢી આજે પણ પાણીની બોટલ, સીંગ, વેફર વગેરે વસ્તુઓનું બેરોકટોક વેચાણ કરાઈ રહ્યું છે. કેટલાક સ્થળોએ સ્ટોલધારકો તેમજ ફેરિયાઓ પોતાની મરજી મુજબના ભાવ ગ્રાહકો પાસેથી વસૂલી રહ્યા છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dd1iBk
No comments:
Post a Comment