
ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર
ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્વાઈન ફ્લૂની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. શરૂઆતમાં સામાન્ય લાગતી બીમારી બાદમાં પ્રાણઘાતક બનતા છેલ્લા સાડા ચાર માસમાં જ H1N1ને કારણે 30 લોકો મોતના મુખમાં ધકેલાયા હોવાનું સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાયું છે.
સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂ રોગ શિયાળામાં માથુ ઉંચકે છે. પરંતુ ભાવનગર સહિત રાજ્યભરમાં ગત નવેમ્બરથી જ સ્વાઈન ફ્લૂએ કાળોકેર વર્તાવી અનેક લોકોના જીવ હણી લીધા છે. ભાવનગર અને બોટાદ જિલ્લાની વાત કરીએ તો 16મી નવેમ્બરે સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભાવનગરની સર તખ્તસિંહજી(સર ટી.) હોસ્પિટલમાં ત્યારબાદ એક પછી એક સ્વાઈન ફ્લૂના દર્દીઓનો વધારો થતાં 16મી ડિસેમ્બરથી ચોથી ફેબુ્રઆરી સુધીમાં 234 જેટલા દર્દી સ્વાઈન ફ્લૂની સારવાર લીધી છે.
જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૩૦ મહિલા-પુરુષ દર્દીને આ જીવલેણ રોગ ભરખી ગયો છે. એટલે કે સરકારી હોસ્પિટલમાં એક મહિનાની સરેરાશ ગણીએ તો ૬થી વધુ વ્યક્તિના મૃત્યુ થાય છે. હજુ ખાનગી હોસ્પિટલના આંકડા તેમાં સામેલ નથી. જો તેનો પણ ઉમેરો થાય તો મૃત્યાંકની સાથે મહિનાની સરેરાશ પણ વધી જશે.
૨૯ વ્યક્તિ સ્વાઈન ફ્લૂ સામે મોતની જંગ હારી ચૂક્યા છે. તો બીજી તરફ ૧૨૫માંથી ૭૯ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ એચ૧એન૧ની ચંગુલમાંથી છુટી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જ્યારે એક દર્દી સર ટી.હોસ્પિટલમાંથી મેડીકલ એડવાઈઝ લઈ (લીવ અગેન્સ મેડીકલ (લામા))અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ડિસ્ચાર્જ થયું હતું તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
બોટાદ જિલ્લાના યુવાન અને આધેડને સ્વાઈન ફ્લૂ ભરખી ગયો
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ગત 26મી જાન્યુઆરીથી સ્વાઈન ફ્લૂ પોઝિટિવની સારવાર લઈ રહેલા બોટાદ જિલ્લાના બાવન વર્ષિય આધેડે ગત રવિવારે સાંજે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. જ્યારે બોટાદ જિલ્લાના જ ગઢડા તાલુકાના એક 31 વર્ષિય યુવાન પણ સ્વાઈન ફ્લૂની જંગ સામે હારી ગયો હતો. આમ, છેલ્લા 24 કલાકમાં જ સ્વાઈન ફ્લૂના અજગરી ભરડામાં બોટાદ જિલ્લાના 3 અને પાલિતાણા પંથકના એક મહિલા સહિત 4 વ્યક્તિ મોતને ભેટયા છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GePEK4
No comments:
Post a Comment