વડોદરા,તા.4 ફેબ્રુઆરી,2019,સોમવાર
વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે કોંગ્રેસના બહુમતી સભ્યોેએ બળવો કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા કોકડું ઉકેલવા માટે પ્રભારીઓને મોકલવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટ વતી તેમના પતિ દિલીપ ભટ્ટ વહીવટ કરતા હોવાના અને ચૂંટાયેલા સભ્યો ઉપર તેઓ જોહુકમી કરતા હોવાના આક્ષેપો કરી કોંગ્રેસના કુલ ૨૨ સભ્યોમાંથી ૧૭ સભ્યોએ પ્રમુખ બદલવાની માંગણી કરતાં રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે.
કોંગ્રેસના અસંતુષ્ટો અડગ રહેતાં તેમને સાંભળવા અને મનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રભારીઓને વડોદરા મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જેની એકાદ બે દિવસમાં સભ્યોને જાણ કરવામાં આવશે.
પ્રભારીઓ દ્વારા કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે.જેથી પ્રભારીઓ દ્વારા પ્રદેશ મોવડી મંડળ સમક્ષ જિ.પં.ના પ્રમુખનું રાજીનામું લેવાની ભલામણ કરવામાં આવશે કે પછી લોકસભાની ચૂંટણીનું કારણ બતાવી અસંતુષ્ટોને મનાવી લેવાશે તે સવાલ કોંગ્રસના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એક સપ્તાહ પછી પણ બંને જૂથ હજી અડગ
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે બળવો કરવાના પ્રકરણમાં એક સપ્તાહ જેટલો સમય થવા છતાં હજી સ્થિતિમાં કોઇ ફેર પડયો નથી અને બંને જૂથ અડગ રહ્યા છે.સ્થિતિ એટલી હદે વણસી છે કે,કોંગ્રેસના સભ્યો પોતપાતાની અલગ અલગ છાવણીમાં જોવા મળી રહ્યા છે.
પ્રભારીઓ સમક્ષ અસંતુષ્ટ સભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ મુકશે
પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લા પંચાયતનો બળવો શાંત કરવા માટે પ્રભારીઓને મોકલવામાં આવનાર છે ત્યારે અસંતુષ્ટ જૂથ દ્વારા પ્રભારીઓ સમક્ષ ભાજપના ૧૪ સભ્યોનો ટેકો આપતી સહીઓ સાથે કુલ ૨૬ સભ્યોની સહીઓ સાથેનો અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
બહુમતી અસંતુષ્ટ સભ્યો દ્વારા પક્ષની પ્રતિષ્ઠા ન ખરડાય તે માટે પક્ષ દ્વારા જ ઉકેલ લાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવનાર છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TvxeYt
No comments:
Post a Comment