કંડકટરોએ પહેલાં ઘંટડી વગાડી અને પછી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

કંડકટરોએ પહેલાં ઘંટડી વગાડી અને પછી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડયો


કુટુંબ નિયોજનનું સૂત્ર યાદ છેને? એક કે બે બસ. પણ થોડા વખત પહેલાં જ મુંબઈમાં 'બેસ્ટ'ના કર્મચારીઓએ જ્યારે હડતાળ પાડી ત્યારે એક કે બે બસ નહીં, રસ્તા પર એક પણ બસ નહીં, જરા વિચાર કરો લાખો લોકો કેવાં બે-બસ થઈ ગયા હશે? આવી બેબસ દશામાં  લોકો વર્ષો પહેલાંની 'જૂલી' ફિલ્મનું ગીત ગણગણતા હતાઃ ના કુછ તેરે બસ મેં જૂલી ના  કુછ મેરે બસ મેં... એટલે જ કહું છું ને કે જૂલી હોય, શરીરે ફૂલી હોય કે પછી સ્ટેશન પરનો કે સંસારનો ભાર વેંઢારતો કૂલી હોય, એનાં ભાગ્યમાં તો આપણી જેમ હેરાન થવાનું જ લખ્યું  હોય છેને? ના કુછ તેરે બસ મેં... ના કુછ મેરે બસ મેં...

મને વર્ષો પહેલાંનો એક સીન યાદ આવે છે. રાજકોટના બસ ડેપો પર લીંબડીની બસ સામે એની રાહ જોઈને ઊભો હતો. બસ હજી પ્લેટફોર્મ પર આવી નહોતી. ત્યાં એક 'ગર્ભ-શ્રીમંત' મહિલા નાના-મોટા દરેક સાઈઝના છોકરાવનું લંગર લઈને આવી. જેમ તેમ  આ બધા અળવિતરા છોકરાંને સંભાળતી જાણે પાંચ-છ પક્ષોની ગઠબંધન સરકાર ચલાવતી હોય એમ ટેન્શનમાં ઊભી ઊભી કોઈને ધમકાવતી હતી તો કોઈને ચિટિયા ભરીને કાબૂમાં રાખવાનો  પ્રયાસ કરતી હતી.

ટાઈમ થતા લીંબડી જવાવાળી બસ ધીમે ધીમે રિવર્સમાં આવવા માંડી. પ્લેટફોર્મ પર બસ આવતાની સાથે જ પેસેન્જરોએ ધસારો કર્યો. પાછલો દરવાજો રોકી ઉભેલો કન્ડકટર બિચ્ચારો જેમ તેમ સંતુલન જાળવીને એક-એક પેસેન્જરને અંદર લેતો હતો.

આ બહેનનો વારો આવતા એ એક પછી એક  ટેણિયાવને ગણી ગણી બસમાં ચડાવવા માંડયા.  જોરજોરથી ચિલ્લાતા હતા એ પહેલો... આ બીજો... આઈ વચેટિયો... (રક્ષા સોદામાં હોય છે એવો નહીં હો) આ નાનકો... છેલ્લે  આ મહિલા ધક્કામુક્કી કરતા બસમાં ચડી ગયા.  કંડકટરે  ઘંટડી મારી, બસ ઉપડી.

ત્યારે કંડકટરે  કહ્યું 'આટલાં બધા છોેકરાવને એકહારે લઈને નીકળ્યા છો તો થોડાકને ઘરે  મૂકીને આવતા શું થતું હતું?' મહિલા બોલી 'એમ જ કર્યું છે, બેને તમારા ભાઈ પાહેં મૂકીને આવી છું.' આ સાંભળી કંડકટર મારી સામે ફરીને બોલ્યો 'સાહેબ જુઓ છોને? ઘણાં લોકો એક કે બે બસ સૂત્રનો કેવો અર્થ કાઢતા હોય છે?  એક કે બે બસ, એટલે એક કે બે બસ ભરાય એટલા છોકરા એમ માનતા હશે?'

જુવાન કંડકટર ઘંટડી વગાડતો જાય અને પેસેન્જરોને બસમાંથી ઉતારતો જાય... ચડાવતો જાય. મેં એને પૂછ્યું કે 'ભાઈ તું બીજાની વાત કરે છે તો તારે કેટલાં છોકરા છે?' ત્યારે હસીને કહે 'હું આ બસની ઘંટડી વગાડતો રહુ છું... પણ મારા સંસારની ગાડીમાં હજી ખતરાની ઘંટી નથી વાગી... શાદી જ નથી કરી... સમજી ગયાને? હું ભલે ઘંટડી વગાડું છું, પણ હજી ઘંટીનું  પડ ગળે નથી વળગાડયું હો?' આ સાંભળી પેસેન્જરો હસી પડયા.

કલાકેક પછી કોઈ ગામ આવ્યું એટલે બસ ડેપોમાં પ્રવેશી. કંડકટરે બસ ઊભી રહેતાની સાથે જ મોટા અવાજે જાહેરાત કરી 'દસ મિનિટ બસ ઊભી રહેશે, ચા-પાણી પી-લ્યો અને પ્રવાહી યોગદાન આપીને હળવા થઈ આવો'અમે બધા ઉતરીને ચા પી આવ્યા. દસ મિનિટ થઈ એટલે એક પછી એક પેસેન્જર આવીને પાછા ગોઠવાતા ગયા.  બધા આવી ગયા છે એ પાકું કરવા ડ્રાઈવરે પાછું વળી કન્ડકટરને પૂછયું કે બધા આવી ગયા? બધા ઓકે છેને? આ સાંભળી  ટીખળી કંડકટરે જવાબ આપ્યો, બધા ક્યાં ઓકે છે? છેલ્લી સીટવાળા બહેન બારીમાંથી ડોકું કાઢી ઓકે છે, જાવા દ્યો તમતમારે ભલે ઓકે... એસટી બસમાં આવું જ હાલ્યા કરે, કોઈ બસમાં  ચડે તો કોઈને વળી બસ ચડે... શું થાય? ના કુછ  તેરે બસ મેં... ના કુછ મેરે બસ મેં...

આ મોજીલા કન્ડકટરની વાતોમાં ક્યાં સમય નીકળી ગયો ખબર ન પડી.  રસ્તામાં કોઈ ગામડું આવ્યું. દસેક જણ પાઘડી, ચોયણા અને કેડિયા પહેરી હાથમાં ડાંગ લઈ બસની રાહ જોઈ ઊભા હતા. ડ્રાઈવરે બસ ઉભી રાખતાં ભોળુડા ગામડિયાઓ બસમાં ચડવા માંડયા.  મોજીલા કન્ડકટરે કાઠિયાવાડી લહેકા સાથે પૂછ્યું 'અરે  જરા ક્યો' તો ખરા કે ક્યાં  જાઊં છે?' પહેલાં પાઘડીવાળાએ ખોંખારા ખાઈને કહ્યું કે 'ખરખરે જાવું છે ખરખરે...' આ સાંભળી કન્ડકટરે કહ્યું આ બસ ખરખરે નથી જતી લીંબડી જાય છે લીંબડી, ઉતરો હેઠા...' બધા ધડાધડ ઉતરી ગયા એટલે કંડકટરે ઘંટડી મારતા બસ લીંબડીની  દિશામાં  દોડવા માંડી.

કન્ડકટરોમાં પણ આવા કોમિક કલાકારો હોય છેને? મુંબઈની બી.ઈ.એસ.ટી. બસનો દાયકાઓ જૂનો કિસ્સો યાદ આવે છે. બદરૂદ્દીન  કાઝી નામનો કંડકટર ભારે ટીખળી હતો. એ જમાનામાં ટિકિટમાં કાણા પાડવા માટેે સ્ટેપલર   જેવાં મશીન રહેતાં. આ બદરૂદ્દીન તો આ મશીનથી તાલ આપતો જાય, ગાતો જાય અને ટિકિટ કાપતો જાય. 

નવા સ્ટોપ પરથી પેસેન્જર ચડે તો જાણે કોઈ નવાબની પધરામણી થઈ હોય  એમ કહેશે કે આઈયે જનાબ... બૈઠિયે જનાબ... કહીયે જનાબ કહાં જાઓગે? ચાલુ બસે ડ્રાઈવર જોરદાર બ્રેક મારે ત્યારે લહેકાથી કહેશે અરે... ધક્કે પે ધક્કા છક્કે પે છક્કા રહ ગયે હક્કા બક્કા... અરે જરા આહિસ્તા... જોર કા ધક્કા ધીરે સે લગાવ ફિર બસ ભગાવ...

એક વાર બદરૂદીનની બસમાં એ જમાનાના મશહૂર  અભિનેતા બલરાજ સહાની ચડયા.  એ તો મોજીલા કંડકટર બદરૂદ્દીનની ઠઠ્ઠા-મશ્કરી અને મિમિક્રી જોઈ અને તાજ્જુબ થઈ ગયા. સ્ટોપ આવ્યું એ પહેલાં તેણે ચીઠ્ઠી લખી બદરૂદ્દીનને કહ્યું કે આવતી કાલે ગુરુદત્તને મળી લેજે એ એક ફિલ્મ બનાવે છે  એમાં કામ મળી જશે.

એકટીંગનો તો પહેલેથી શોખ હતો બદરૂદ્દીનને એટલે પહોંચ્યો મહાન સર્જક ગુરૂદત્તને  મળવા સ્ટુડિયોમાં. ગુરુદત્તે દારૂડિયાની એકટિંગ કરવાનું કહ્યું. બદરૂદ્દીને પીધા વગર દારૂડિયાની એવી કમાલની એકટિંગ કરી દેખાડી કે ગુરુદત્ત ખુશ થઈ ગયા.  એ જ વખતે ફિલ્મમાં સાઈન કરી લીધો અને બોલ્યા આજથી તારૂ નામ બદરૂદ્દીન નહીં, પણ મારી પ્રિય વ્હીસ્કી જોની વૉકરના નામ પરથી જોની વૉકર પાડું છું. આમ  કંડકટરમાંથી આપણને એક મહાન કોમેડિયન  મળ્યો.

ગુરુદત્ત 'પ્યાસા' ફિલ્મ બનાવતા હતા ત્યારે જોની વૉકરને તેલમાલીશવાળાનું પાત્ર ભજવવાનું  કહ્યું.  પણ એ પહેલાં તેને ચોપાટી  લઈ ગયા. જોની વૉકરને કહ્યું માલીશવાળા કઈ રીતે માલીશ કરે છે એ જોઈ લે, પછી એ જ પાત્ર તારે ભજવવાનું છે. અને પછી સાહેબ જોની વૉકરે માલીશવાળાનો રોલ કરી ફિલ્મના પડદે 'સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે...' એ મોહમ્મદ રફીએ ગાયેલા ગીત પર અભિનય કરી પાત્રને અમર કરી દીધું. જોની વૉકરના પાત્રને લગતી ધૂન સંગીતકારો બનાવવા માંડયા.  જાને કહાં મેરા જીગર ગયા જી...અભી અભી યહીં થા કિધર ગયાજી... એ ગીત કોણ ભૂલી  શકે? મેં તો પછી 'ટનબદન' મહિલાઓને જીમમાં કસરત કરતી જોઈને  એ ગીતની પેરડી લખી હતીઃ

જાને કહાં મેરા

ફિગર ગયાજી

અભી અભી અચ્છા થા

બીગડ ગયા જી...

કંડકટરી કરતા કરતા કલાની દુનિયામાં નામ કાઢીને પછી સિનેમાની આલમમાં નામ કાઢયું હોય એમાં ઈકબાલ હુસેનને કેમ ભૂલી  શકાય?  શેરો-શાયરીના શોખીન ઈકબાલ હુસેન નસીબ અજમાવવા મુંબઈ આવ્યા.  શેરો-શાયરી લખે પણ એમાંથી પેટ થોડું જ ભરાય?  જુદા જુદા કંઈક ધંધા કર્યા  માટીના રમકડાં વેંચ્યા. એમાં 'બેસ્ટ' ની બસના કંડકટર તરીકે નોકરી મળી. કંડકટરી કરતા કરતા કવિતા પણ લખે પેસેન્જરે ફેંકી દીધેલી ટિકિટની પછવાડે  ગીતના મુખડા પણ લખે.

રાત્રે ફુરસદના સમયમાં  મુશાયરામાં  જાય.  આવા જ એક મુશાયરામાં મહાન અભિનેતા  પૃથ્વીરાજ કપૂરે  ઈકબાલ હુસેનને સાંભળ્યા અને હીર પારખી લીધું કહ્યું કે ફિલ્મોમાં  ગીત લખવાની ઈચ્છા હોય તો મારા પુત્ર રાજ કપૂર પાસે જા. એ એક  ફિલ્મ બનાવે છે. ઈકબાલભાઈ તો તરત પહોંચી ગયા. પોતાની કવિતા અને ગીતો સંભળાવ્યા. રાજ કપૂર ખુશ થઈ ગયા.

તરત જ 'બરસાત'માં  ગીત લખવાની તક આપી.  અને આમ એક કંડકટરમાંથી મહાન શાયર-ગીતકારનો  જન્મ થયો જેણે નામ ધારણા કર્યું  હસરત જયપુરી. પછી તો રાજકપૂર, શંકર-જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ ફિલ્મ સંગીતની દુનિયામાં   તરખાટ મચાવી દીધો. 'બેસ્ટ'ના કંડકટર  તરીકે માત્ર ૧૧ રૂપિયાનો  પગાર મેળવતા હસરત સાહેબની કલામ પર કલદારની  વર્ષા થવા માંડી જીયા બેકરાર હૈ છાયી બહાર હૈ આજા તોરે બાલમા... આજા સનમ મધુર ચાંદની મેં હમ... યે મેરા પ્રેમ પત્ર પઢકર... પણ રોમેન્ટીક ગીતો લખવામાં માહેર  આ શાયરનો   મિજાજ પણ જ્યારે  કંડકટર તરીકે  કામ કરતા ત્યારે પણ એવો જ રોમેન્ટીક  હતો.  જ્યારે બસમાં  કોઈ ખુબસુરત લલના ચડે ત્યારે હસરત સાહેબ  તેની ટિકિટ ન કાપતા અને કહેતા કે 'ખુદાને જબ આપકો હુશ્ન કી ઈતની દૌલત દી હૈ તો ફિર ઉસ દૌલત સે મેં કૈસે હિસ્સા લું?

મુંબઈની 'બેસ્ટ'ની બસના કંડકટરમાંથી એક મહાન કોમેડિયન  અને એક મહાન ગીતકાર-શાયરની  ભેટ મળી.  પણ બેંગલોરની સિટી બસે તો સાઉથના સુપ્પર-ડુપ્પર  સ્ટારની  ભેટ આપી.  બેંગ્લોરની સિટી બસનો સૌથી સ્ટાઈલીશ  કંડકટર, નામ એનું શિવાજીરાવ ગાયકવાડ. સીટી  વગાડવાની સાથે એવાં ગીત વગાડે, ઘંટડીથી તાલ આપે,  કપાળ ઉપર વાળની લટ આવી જાય તો ફૂંક મારીને ઉડાડે.  તેની  આ એક એક અદા પર જુવાન છોકરીઓ પાગલ, પેસેન્જરો પણ તેના સ્ટંટ જોઈને  આફરીન પોકારી  ઊઠે.

આ શિવાજીરાવની જે બસમાં  ડયુટી હોય એમાં વધુને વધુ ભીડ થાય.  નાનપણથી નાટકો ભજવવાના શોખીન શિવાજીરાવને  એક વાર ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા   ખરી હો.  એમાં કોઈએ આ સ્ટાઈલીશ કંડકટરનો  સાઉથની  ફિલ્મવાળા સાથે  ભેટો  કરાવી દીધો.  ધીરે ધીરે  ફિલ્મોમાં  કામ મળવા માંડયું અને પછી જોતજોતામાં  એકટરમાંથી મોટામાં મોટો સ્ટાર બની ગયો.   આ સ્ટાર એ બીજો કોઈ નહીં, રજનીકાંત. આજે કરોડોમાં ખેલે છે, દક્ષિણમાં ભગવાન તરીકે પૂજાય છે, તેનાં મંદિર પણ બંધાય છે.

પથુકાકાને કંડકટરમાંથી  કલાકાર બનેલી  આ હસ્તીઓની વાત કરી ત્યારે એમણે  કહ્યું 'ભાઈ આને જ નસીબનો  ખેલ કહેવાય, કંડકટર  તરીકે જે ઘંટડી વગાડતા એમણે ફિલ્મી દુનિયામાં  કેવો ડંકો વગાડયો?

અંત-વાણી

સઃ જોની વૉકર વિશે શું કહી શકાય?

જઃ પહેલાં ટીંગ...ટીંગ અને પછી એકટિંગ.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Sro0PJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages