
- લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સીબીઆઇની કામગીરીને લઇને વિપક્ષો ફરી પાછા એક થઇ ગયાં છે અને મમતા બેનરજીને વિરોધ પક્ષના નેતા તરીકે પ્રસ્થાપિત થવાનો અવસર હાથ લાગ્યો છે
મમતા બેનરજીના ગઢ પશ્ચિમ બંગાળમાં આજ દિન સુધીનો સૌથી મોટો રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ અને રાજ્યની પોલીસ આમનેસામને આવી ગયાં છે. તો કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો માંડયો છે. હાલનું ચિત્ર જોતાં એવું લાગી રહ્યું છે કે દેશના રાજકારણનું કેન્દ્ર દિલ્હી નહીં પરંતુ કોલકાતા બની ગયું છે. આ મામલે સીબીઆઇ વિરુદ્ધ કોલકાતા પોલીસ, કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્ય સરકાર અને ભાજપ વિરુદ્ધ તૃણમુલ કોંગ્રેસ એમ ત્રણ મોરચા ખૂલી ગયાં છે.
સમગ્ર મામલો શારદા ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલો છે. આ મામલે સીબીઆઇ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા માંગે છે. સીબીઆઇના આ પગલાંને લઇને અનેક દાવા અને આશંકા જાહેર કરવામાં આવી છે. જોકે આ મામલે સીબીઆઇનું કહેવું છે કે કોલકાતાના પોલીસ કમિશનરની પૂછપરછ કરવાનો ઉદ્દેશ ચિટફંડ કૌભાંડ પાછળના મોટા કાવતરા સાથે જોડાયેલા મહત્ત્વના પુરાવાને લઇને છે. સીબીઆઇનો દાવો છે કે આ કૌભાંડ સાથે જોડાયેલા કેટલાંક મહત્ત્વના અને ગંભીર પુરાવા સીબીઆઇને સોંપવામાં આવ્યાં નથી.
આ પુરાવાને નષ્ટ કરવાની સંભાવના છે. સીબીઆઇના અનુસાર એપ્રિલ ૨૦૧૩માં રાજ્ય દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ શારદા ચિટ ફંડ કૌભાંડના પુરાવા એકઠાં કર્યાં હતાં. આ સીટનું નેતૃત્ત્વ રાજીવ કુમાર કરી રહ્યાં હતાં. જે પુરાવા મેળવવામાં આવ્યાં હતાં એમાં એક ડાયરી સહિત, લેપટોપ, પાંચ મોબાઇલ ફોન અને દસ્તાવેજ સામેલ છે. આ પુરાવા શારદા ગૃપના ચેરમેન સુદિપ્ત સેનના હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટના નિર્દશ પર સીબીઆઇ પશ્ચિમ બંગાળના શારદા ચિટફંડ અને રોઝવેલી કૌભાંડની તપાસ કરી રહી છે. આ અંગે પૂછપરછ માટે સીબીઆઇની ટીમ કોલકાતાના પોલીસ કમિશનરના ઘરે પહોંચી તો પોલીસ અને સીબીઆઇના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી થઇ અને પોલીસે સીબીઆઇના અધિકારીઓને પોલીસ મથકે લઇ જઇને ત્રણ કલાક બેસાડી રાખ્યાં. મમતા બેનરજી પણ પોલીસ કમિશનરના ઘરે પહોંચી ગયાં અને ત્યાં જ ધરણા કરવાની જાહેરાત કરી નાખી.
હવે મમતા બેનરજી કોલકાતાના પોલીસ કમિશનરના બચાવમાં ધરણા પર બેસી ગયાં છે. આમ તો મમતા વિરુદ્ધ મોદી સરકારના આ વિવાદની શરૂઆત સીબીઆઇની ભૂમિકા અને રાજકીય કિન્નાખોરી માટે કામ કરવાના આરોપો સાથે થઇ છે પરંતુ હવે તે પશ્ચિમ બંગાળની સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને વિપક્ષી એકતા સુધી પહોંચવા લાગી છે. સીબીઆઇના પગલાંને તમામ વિપક્ષોએ એકસૂરે વિરોધ કર્યો છે અને મમતા બેનરજીને ટેકો જાહેર કર્યો છે. માહોલ એવો રચાયો છે કે મમતા બેનરજી કેન્દ્રમાં આવી ગયાં છે.
રાજકીય દૃષ્ટિએ જોતાં થોડા વખત પહેલાં જ કોલકાતા ખાતે વિપક્ષી દળોનો મેળાવડો જમા કર્યા બાદ બીજી વખત મમતા બેનરજીએ બાજી મારી લીધી છે. મમતા બેનરજીએ ચિત્ર જ એવું ઊભું કર્યું છે કે રાહુલ ગાંધી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રબાબુ નાયડૂ, શરદ પવાર, એચ.ડી. દેવગૌડા, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ઉમર અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, હેમંત સોરેન અને રાજ ઠાકરે જેવા વિપક્ષના કદાવર નેતાઓ તેમની પડખે ઊભા રહી ગયાં છે. સીબીઆઇ અને એ બહાને કેન્દ્રની મોદી સરકાર સામે પડવાના મમતા બેનરજીના પગલાંના સમર્થનમાં પૂરેપૂરો વિપક્ષ આવી ગયો છે.
ખરેખર તો લોકસભાની ચૂંટણીની બરાબર પહેલાં મોદી સરકારની આ હિલચાલ ભાજપ માટે ઘાતક નીવડી શકે છે. સીબીઆઇના બહાને તમામ વિપક્ષ મોદી સરકાર ઉપર રાજ્યમાં હસ્તક્ષેપ કરવાના આરોપ મૂકી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે લડવા એકત્ર થઇ રહેલા વિપક્ષી દળોને મોદી સરકારને સાણસામાં લેવાનો મોટો અવસર હાથ લાગ્યો છે.
આમ તો કેન્દ્રની મોદી સરકાર અને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી તલવારો ખેંચાયેલી છે. પરંતુ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાત વખતના આક્રમક વલણ અને એ પછી કોલકાતાના પોલીસ કમિશનરના ઘરે પહોંચેલી સીબીઆઇની ટીમે બંને નેતાઓ વચ્ચેના વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. એક તરફ મમતા બેનરજી ધરણા ઉપર બેઠાં છે તો બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. સંસદમાં પણ આ મુદ્દે સરકાર અને વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો.
પશ્ચિમ બંગાળમાં પણ ગઇકાલ રાતથી તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો જુદાં જુદાં વિસ્તારોમાં પ્રદર્શનો યોજી રહ્યાં છે અને રેલ રોકો અભિયાન પણ શરૂ કરી દીધું છે. મમતા બેનરજીએ સમગ્ર મામલા પાછળ વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને જવાબદાર ઠરાવ્યાં છે. મમતાની દલીલ છે કે ચિટફંડ કૌભાંડની શરૂઆત તેમની સરકારે જ કરી હતી અને એવી કેટલીયે કંપનીઓના માલિકોની ધરપકડ કરી હતી. તેમનું કહેવું છે કે સીબીઆઇ આ મામલાની તપાસ ૨૦૧૩થી કરી રહી છે પરંતુ ચૂંટણી નજીક આવતા જ મોદી સરકારના ઇશારે સક્રિય બની ગઇ છે.
આમ તો ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેનો સંઘર્ષ નવો નથી. ગત લોકસભાની ચૂંટણી વખતથી જ બંને વચ્ચેની કડવાશ સતત વધતી રહી છે. નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર મમતા બેનરજીનો જોરદાર વિરોધ અને રાજ્યમાં ભાજપના વધી રહેલા પ્રભાવે બંને પક્ષો વચ્ચેના વિવાદને વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ તમામ મુદ્દાઓને લઇને મમતા બેનરજી વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપર સતત હુમલા કરતા રહ્યાં છે. તો બીજી બાજુ વડાપ્રધાન અને અમિત શાહ પણ મમતા બેનરજી ઉપર લગાતાર હુમલા કરતા રહ્યાં છે.
ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળની મુલાકાત વખતે અમિત શાહે મમતા બેનરજી સરકાર ઉપર લોકશાહીનું હનન કરવાના આરોપ મૂક્યાં હતાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મમતા બેનરજી વિરુદ્ધ ભારે આક્રમક વલણ ધારણ કર્યું હતું. મમતા બેનરજીનું કહેવું છે કે વડાપ્રધાને પોતાના ભાષણમાં અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો છે અને દેશના વડાપ્રધાનપદે રહેલી વ્યક્તિને આવી ભાષા ન શોભે. હવે વર્તમાન વિવાદ બાદ ભાજપના નેતાઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે. મમતા બેનરજીએ તેમને પડકાર ફેંક્યો છે કે ભાજપમાં હિંમત હોય તો એવું કરી બતાવે. તેમનો આરોપ છે કે મોદી અને શાહ રાજ્યમાં સત્તાપલટાના પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સત્તા સોંપવાનો કે લેવાનો અધિકાર માત્ર જનતા પાસે છે.
મમતા બેનરજીના સત્તાપલટાના દાવામાં પણ દમ તો છે જ. હાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી છે જેમનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ વિવાદાસ્પદ રહી ચૂક્યો છે. રાજ્યપાલ હોવાના નાતે તેઓ રાજ્યમાં બંધારણના સંરક્ષક પણ છે. તેમની પાસે અધિકાર છે કે તેઓ બંધારણીય સંકટ કે અરાજકતાનો હવાલો આપીને રાષ્ટ્રપતિને કલમ ૩૫૬ અંતર્ગત કાર્યવાહી કરવાની વકીલાત પણ કરે. જોકે આ મામલે પરિસ્થિતિ કેવો વળાંક લે છે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ ભાજપ પશ્ચિમ બંગાળમાં બંધારણીય સંકટ અને અરાજકતાની કાગારોળ મચાવી રહ્યો છે ત્યારે એવી સંભાવનાનો ઇન્કાર પણ થઇ શકે એમ નથી.
મમતા બેનરજી વિશે કહેવાય છે કે તેઓ આજીવન ચળવળકર્તા રહ્યાં છે અને તેમની તમામ રણનીતિ તેમના આ ચળવળકર્તા તરીકેના રૂપને ઉભારવા માટે જ ઘડાતી હોય છે. ભૂતકાળ જોઇએ તો ૧૯૯૩માં રોયટર્સ માર્ચ કે પછી ૨૦૦૮માં સિંગૂર આંદોલન વખતે મમતા બેનરજીએ આક્રમક ચળવળકાર તરીકે જ રાજકારણમાં પોતાની ભૂમિકા પ્રસ્થાપિત કરી છે. પોતાના ધરણાની શરૂઆતમાં જ તેમણે ચળવળકાર તરીકેના તેવરનો પરચો આપી દેતા કહ્યું કે તેઓ દેશનું બંધારણ બચાવવા લડાઇ લડી રહ્યાં છે. અને એ માટે તેમને પોતાના જીવની પણ પરવા નથી અને એ ડર પણ નથી કે પશ્ચિમ બંગાળમાં તેમની સરકાર પડી જાય અને રાષ્ટ્રપતિ શાસન લાગી જાય.
એ સાથે જ મમતાએ આહ્વાન કર્યું છે કે તેઓ દેશને બચાવવા લડત લડી રહ્યાં છે અને એમાં તમામના સહયોગની અપેક્ષા છે. જાણકારોનું માનવું છે કે સીબીઆઇ અને મમતા બેનરજી સરકાર વચ્ચેનું આ ઘર્ષણ આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધારે ઉગ્ર બનશે. એ સંજોગોમાં મમતા બેનરજી વધારે બળવાન બનતા જશે અને વિરોધ પક્ષની આગેવાની લેવાનો તેમના પ્રયાસોને પણ વેગ મળશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SnYawc
No comments:
Post a Comment