ભારતીય સેનાનું સશક્તિકરણ કરનારા ફિલ્ડમાર્શલ કે. એમ. કરિઅપ્પા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

ભારતીય સેનાનું સશક્તિકરણ કરનારા ફિલ્ડમાર્શલ કે. એમ. કરિઅપ્પા



પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબખાનને કરિઅપ્પા માટે એવો અહોભાવ હતો કે તેમના દીકરાને છોડી મૂકેલો

ગુરુ નાનકનો દોહરો છે, ભય માતાને લિખ દિયે, છઠી રાત કે અંક, રાઈ ઘટે ના તિલ બઢે, રહ-રહ હોત નિસંગ... આનો સ્થૂળ અર્થ એવો છે કે જે વિધાતાએ લલાટે લખ્યું છે એમાં કોઈ મિનમેખ નહીં થાય કિન્તુ સૂક્ષ્મ અર્થ એવો છે કે જેવો પાયો બનશે એવી ઈમારત બનશે. પાયો નબળો હોય અને ઈમારત મજબૂત હોય એવો એક પણ દાખલો ધ્યાનમાં છે ખરો? ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે, તેનું કારણ તેના શીલાન્યાસની વેળા છે.

આઝાદીના પ્રારંભથી જ દેશની સેનાને એવું નેતૃત્વ સાંપડયું હતું કે આજે આપણે તેના પરાક્રમો વિશે વાંચીને છાતી ફુલાવી શકીએ છીએ. પૃથ્વી નામના આ વિશાળ પટ પર તાકતવર સેનાનું નેતૃત્વ કરી શકે એવા નાયકોની સંખ્યા ઓછી હોવાની, પરંતુ નબળી સેનાનું નેતૃત્વ કરી તેને શક્તિ તરફ લઈ જનારા નાયકો એનાથી પણ ઓછા હશે. જૂજમાંથી પણ જવલ્લે પ્રાપ્ત થાય એવા સેનાધ્યક્ષ કે જેમણે આઝાદ ભારતની સેનાનું  સૌપ્રથમ નેતૃત્વ સંભાળ્યું, તે હતા કોડનડેરા મડપ્પા કરિઅપ્પા.

મેજર જનરલ વી. કે. સિંહે તેમની કિતાબ લીડરશિપ ઇન ઇંડિયન આર્મીમાં લખ્યું છે, જાન્યુઆરી ૧૯૪૮માં બ્રિટિશ મૂળના જનરલ રોય નિવૃત્ત થયા ત્યારે આપણી પાસે ત્રણ સૌથી વરિષ્ઠ અધિકારી હતા. કરિઅપ્પા. નાથૂસિંહ અને રાજેન્દ્રસિંહજી. નાથૂસિંહ કરિઅપ્પા કરતા અઢી વર્ષ નાના હતા અને સૈન્યમાં પણ એટલા જ જૂનિયર, કિન્તુ ગુજરાતના રાજેન્દ્રસિંહજી કરિઅપ્પા કરતા સેનાની નોકરીમાં એક વર્ષ જૂનિયર હતા, પણ ઉંમરમાં એક વર્ષ મોટા હતા. 

૧૯૪૬ની વચગાળાની સરકાર બ્રિગેડિયર નાથૂસિંહને જનરલ બનાવવા માગતી હતી, પરંતુ કરિઅપ્પા નોકરીમાં હોય ત્યાં સુધી નાથૂ સિંહે પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. સરકારની બીજી પસંદ હતા રાજેન્દ્રસિંહજી.

તેમને યુદ્ધનો અનુભવ હતો અને વિશિષ્ટ ચંદ્રક પણ મેળવ્યો હતો. જોકે તેમણેય બીડું ઝડપવાને બદલે કરિઅપ્પા તરફ ધરી દીધું. જવાહરલાલ નહેરુ કરિઅપ્પાને સૈન્યવડા તરીકે ઇચ્છતા નહોતા. તેની વાત આગળ ઉપર.

દેશની આઝાદી પછી પંડિત જવાહરલાલ નહેરુએ એક મીટિંગ યોજી, જેમાં દેશના તમામ નેતાઓ અને સેના અધિકારીઓ ઉપસ્થિત હતા. નહેરુએ બધાને સંબોધતા કહ્યું, મને લાગે છે કે આપણે સૈન્ય વડાની જવાબદારી કોઈ અંગ્રેજ અધિકારીને સોંપવી જોઈએ. કેમ કે આપણી પાસે સેનાને લીડ કરવાનો અનુભવ નથી. બધાએ તેમનું સમર્થન કર્યું, કિન્તુ એક અધિકારીએ હસ્તક્ષેપ કર્યો, હું કંઈક કહેવા માગું છું.

કહો, નહેરુએ કહ્યું. આપણી પાસે દેશને લીડ કરવાનો પણ અનુભવ નથી. તો શું આપણે કોઈ બ્રિટિશરને દેશના વડા પ્રધાન બનાવી દેવા જોઈએ? મીટીંગમાં સન્નાટો છવાઈ ગયો.

તો શું તમે ભારતીય સેનાના પ્રથમ જનરલ બનવા તૈયાર છો? નહેરુએ ઉશ્કેરાઈને પૂછ્યું. એ માણસ પાસે સોનેરી તક હતી. જો તે ચાહત તો પલકારામાં ઝડપી લેત, પરંતુ એવું કરવાને બદલે તેણે સારાસારનો વિવેક દાખવીને વાત આગળ વધારી, આપણી વચ્ચે એક એવી વ્યક્તિ છે જેને ચીફ બનાવી શકાય એમ છે. તેમનું નામ છે, લેફ્ટીનન્ટ જનરલ કરિઅપ્પા.

કેરળના કુર્ગમાં જન્મેલા કરિઅપ્પા નિર્ભિક સૈન્ય અધિકારી હતા. ઇન્ગ્લેન્ડની સેન્ડહર્સ્ટ કોલેજમાં સૈનિક તાલીમ દરમિયાન તેમણે અંગ્રેજોને એક વણમાગી સલાહ આપી હતી, હિંદુસ્તાની સેનાને સક્ષમ બનાવવી હોય તો તેમાં ઊંચા પદો પર ભારતીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. જો ભારતીય અધિકારીઓ વરિષ્ઠ પદ પર નહીં હોય તો ભારતીય સેના સક્ષમ કઈરીતે બનશે? અંગ્રેજોને આ વાત જરાય નહોતી ગમી અને તેમણે આવા સૂચન બદલે તાલીમાર્થી સૈનિક કરિઅપ્પાની ઝાટકણી કાઢી નાખેલી.

અંગ્રેજો એટલા માટે ગુસ્સે થયેલા કેમ કે કરિઅપ્પાનું સૂચન પોલિટકલ હતું. અંગ્રેજો ભારતીય સેનાને એટલી સક્ષમ નહોતા બનાવવા માગતા કે તે ૧૮૫૭ના બળવાનું પુનરાવર્તન કરે. એકને એક ભૂલ તેઓ બીજી વાર શામાટે કરે? કરિઅપ્પા પોલિટિકલ વ્યૂ રાખતા હતા અને વારે તહેવારે રાજકીય નિવેદનો આપતા હતા. એટલે જ નહેરુને તેઓ પસંદ નહોતા.

જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા તો સેનાના પણ ફાડિયા થયેલા. કરિઅપ્પાએ લોર્ડ માઉન્ટબેટનને કહ્યું, ભારતીય સેનામાં વરિષ્ઠ અધિકારીઓની કમી હોવાથી વિભાજન ઉચિત નથી. બંને સેનાઓને મજબૂત બનવામાં કમસેકમ પાંચ વર્ષ લાગશે. માઉન્ટબેટન તેમની આ વાત સાંભળીને ચકિત થઈ ગયેલા.

નહેરુ અને જિન્નાહને પણ તેમણે આ જ વાત કરેલી, સેનાના વિભાજનથી બંને મુલ્કની સેનાઓ કમજોર પડી જશે. પરિણામે દુશ્મન સામે લડવામાં મુશ્કેલી ઊભી થશે. નહેરુએ ચૂપચાપ સાંભળી દીધું, પણ જન્નાહે લાગ જોઈને ટોણો મારી દીધો, જો ભારત પર હુમલો થશે તો પાકિસ્તાની સેના મદદ કરવા માટે આવશે. 

સેનાધ્યક્ષ બન્યા પછી કરિઅપ્પા દેશના આર્થિક અને રાજકીય મામલાઓમાં અભિપ્રાય આપવા લાગ્યા હતા. નહેરુ સરકારના ઘણા મંત્રીઓને ડર હતો કે કરિઅપ્પા ભવિષ્યમાં રાજકીય શક્તિ  બનીને ઊભરી શકે.

 નહેરુએ તેમને પત્ર લખી સૈન્ય સિવાયના મુદ્દે ન બોલવાની સલાહ આપી હતી. જોકે કરિઅપ્પા સાનમાં સમજી ગયા. તેમણે રાજકીય નિવેદનો આપવાનું બંધ કરી દીધું. ૧૯૫૩માં તેઓ સેનાધ્યક્ષના પદ પરથી નિવૃત્ત થયેલા. તેઓ ક્યાંક સૈન્યની મદદથી બળવો ન કરે તેવા ડરથી નહેરુએ તેમને હાઇકમિશનર તરીકે ઓસ્ટ્રેલિયા મોકલી દીધેલા.

કરિઅપ્પા સૈન્ય અધિકારી તરીકે આલા દરજ્જાના હતા. જાંબાઝ હતા, પણ લોકતાંત્રિક દેશની સેનાના વડાએ રાજકીય બાબતમાં બોલવાનું ન હોય એવી સમજ તેઓ પ્રારંભથી વિકસાવી શક્યા નહોતા.

નહેરુનું વિઝન સ્પષ્ટ હતું. તે સમજતા હતા કે સેના રાજનીતિમાં વચ્ચે બોલવા લાગે તો ભવિષ્યમાં તે બળવો કરીને સત્તારુઢ થઈ જવાનું જોખમ રહે છે. પાકિસ્તાનમાં એવું જ થયું તે આપણે જોઈ શકીએ છીએ. ભારતમાં લશ્કરશાહી ન આવી જાય, લોકતંત્ર આબાદ રહે તેની તકેદારી નહેરુ અને ઈંદિરા બંનેએ રાખેલી.

અત્યારે મોદી સરકાર ચૂંટણીગત લાભ લેવા માટે સેના-સેના કરે છે તે વાજબી નથી. બેય વાત ખરાબ છે. ૧) સેનાએ રાજકીય અભિપ્રાય ન આપવો જોઈએ. અને ૨) સત્તા પક્ષોએ સેનાના પરાક્રમોનો જશ ન ખાટવો જોઈએ. કેમ કે ભાજપ આવે કે કોંગ્રેસ આવે સેના તો એ જ રહેવાની છે. તેના પરાક્રમો એ કંઈ કોઈ એક નેતા કે પોલિટિકલ પાર્ટીની વિશેષતા નથી.

સેના જ્યારે બોર્ડર પાર કરીને રાજકીય અભિપ્રાય આપવા લાગે તથા રાજકારણીઓ જ્યારે સીમા ઓળંગીને સેનાના પરાક્રમોના નામે મતોના ઉઘરાણા કરવા નીકળે ત્યારે લોકતંત્ર જોખમમાં મુકાતું હોય છે. પાકિસ્તાન તેનું જ્વલંત ઉદાહરણ છે. એની વે બેક ટુ કરિઅપ્પા.

કરિઅપ્પા ૧૯૫૬માં ઓસ્ટ્રેલિયાથી ફરી હિંદુસ્તાન આવી ગયા. ૧૯૫૮માં જનરલ અયૂબ ખાને જનરલ ઇસ્કંદર મિર્ઝા સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટ કરી દીધી. તેમના પગલાંની સરાહના કરતા કરિઅપ્પાએ કહ્યું, જાબાંઝ અધિકારીઓ પોતાના દેશની બરબાદી જોઈ શક્યા નહીં.

આ વિધાન ભારતમાં પણ સૈન્ય બળવાને પ્રેરવા જેવું હતું. સદ્નસીબે એવું કશું થયું નહીં તે અલગ વાત છે. ચીન ભારત વિરુદ્ધ જે રીતે તૈયારી કરી રહ્યું હતું તે સેના અધિકારી તરીકે કરિઅપ્પાના ધ્યાનમાં આવી ગયેલું. તેમણે આ વિશે નહેરુનું ધ્યાન દોર્યું હતું કિન્તુ નહેરુએ રસ ન દાખવવાની મોટી ભૂલ કરેલી. જો તેમની વાત ધ્યાને લેવાઈ હોત તો ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ ટાળી શકાયું હોત અથવા તેનું પરિણામ જુદું આવ્યું હોત.

કરિઅપ્પાનું હુલામણું નામ હતું કીપર. તેઓ એકિકૃત ભારતીય સેનાના કમાન્ડર રહી ચૂક્યા હતા. આથી સ્વાભાવિકપણે પાકિસ્તાની સેનામાં પણ તેમનું માન હતું. ૧૯૬૫ના યુદ્ધ પછી તેઓ રાજપૂત યુનિટના જવાનોને મળવા ભારત-પાક બોર્ડર પર ગયા. સૈન્ય ટુકડીએ એટલા જોરથી નારો લગાવ્યો કે બોર્ડર પાર પાકિસ્તાની અધિકારીઓને એવું લાગ્યું કે ભારત યુદ્ધ છેડવાની તૈયારીમાં છે.

તેઓ સાબદા થઈ ગયા. જ્યારે તેમને જાણ થઈ કે જવાનો કરિઅપ્પાને મળીને ખૂબ ખુશ થયા હોવાથી એકદમ જોરથી નારો લગાવ્યો તો તેમણે પણ ઇચ્છા વ્યક્ત કરી કે અમારે એ મહાન સેનાનાયકને મળવું છે. પાકિસ્તાની સેનાના જવાનો એકદમ ગર્મજોશીથી કરિઅપ્પાને મળ્યા.

૧૯૬૫નું યુદ્ધ થયું ત્યારે તેમની નિવૃત્તિને ૧૨ વર્ષ વીતી ચૂક્યા હતા. તેઓ કર્ણાટકના મેરકારામાં રહેતા હતા. તેમનો પુત્ર નંદા કરિઅપ્પા ભારતીય વાયુસેનામાં ફ્લાઇટ લેફ્ટીનન્ટ તરીકે ફરજ બજાવતો હતો. યુદ્ધ દરમિયાન તેમનું વિમાન પાકિસ્તાની સીમામાં પ્રવેશી ગયું. હમલો થતા તેમને વિમાનમાંથી કૂદી જવું પડયું. સુરક્ષિત તો બચી ગયા, કિન્તુ પાકિસ્તાની સેનાના હાથમાં ઝલાઈ ગયા. પાક સેનાએ તુરંત એલાન કર્યું, નંદા અમારા કબજામાં છે અને સુરક્ષિત છે.

ત્યારે પાકિસ્તાનના વડા અયૂબ ખાન હતા. એકીકૃત ભારતની સેનામાં તેઓ કરિઅપ્પાના હાથ નીચે કામ કરી ચૂક્યા હતા. તેમને જ્યારે ખબર પડી કે કરિઅપ્પાના પુત્રને બંદી બનાવાયો છે ત્યારે તેમણે તરત ફોન જોડી તેને છોડી દેવા આદેશ કર્યો.

અયૂબની પત્ની અને મોટો દીકરો અખ્તર તેને મળવા પહોંચ્યા. કે. સી. કરિઅપ્પા માટે સ્ટેટ એક્સપ્રેસ સિગારેટનું એક કાર્ટન અને વુડ હાઉસની નવલકથા મોકલાવ્યાં. અયૂબ ખાને કરિઅપ્પાને પત્ર લખીને જણાવ્યું, તમારો દીકરો કુશળ છે અને અમે તેમની પૂરી સંભાળ લઈશું. કરિઅપ્પાએ વળતો જવાબ આપ્યો, બધા યુદ્ધકેદીઓ મારા જ દીકરા છે. બધાનું ધ્યાન રાખજો.

૩૭ વર્ષની ઉંમરે તેમણે પોતાનાથી અડધી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરેલા. તેમનું હિંદી ખૂબ ખરાબ હતું. દેશ આઝાદ થયા બાદ તેમણે સેનાને સંબોધન કર્યું. તેઓ એમ કહેવા માગતા હતા, Country is free and so are all of us. તેમણે કહ્યું, ઇસ વક્ત આપ મુફ્ત હૈ, મેં મુફ્ત હૂં, હમ સબ મુફ્ત હૈ. (ફ્રીને આઝાદના બદલે મફતના અર્થમાં લીધેલું. ભૂલથી મિસ્ટેક થઈ ગઈ હતી!)

જોકે દેશવાસીઓએ અને સરકારે તેમના કામને જોયું છે. આ તો નાની વાત છે. રાયનો પહાડ કરનારું ટેલિવિઝન મીડિયા ત્યારે હજુ પેદા થયું નહોતું. ૧૯૮૩માં તેમને ફિલ્ડ માર્શલ બનાવાયા ત્યારે પણ ભારે વિવાદ થયેલો. કારણ કે ફિલ્ડ માર્શલ ક્યારેય રીટાયર નથી થતા. કરિઅપ્પા રીટાયર થઈ ગયા હોવાથી આ સન્માનના હકદાર ન કહેવાય. તેમ છતાં ભારત સરકારે નિયમોને દરકિનાર કરીને તેમને નવાજેલા.

જનરલ સામ માણેકશા અને જનરલ કરિઅપ્પા.  અત્યાર સુધીમાં આ બે જ સેના નાયકોને ફાઇવ સ્ટાર સન્માન મળેલું છે. દુઃખની વાત એ છે કે આજ લગીમાં એક પણ ભારતીય સૈનિકને ભારત રત્નનો ખિતાબ મળ્યો નથી.

આજની નવી જોક

શિક્ષક (લલ્લુને: ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. આ ગીતમાંથી શું શીખવા મળે છે?

લલ્લુઃ એ જ કે વધારે પડતી ધીરજ પણ સારી નથી.ક



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GaxCbQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages