
ગાંધીનગર, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
બોર્ડ દ્વારા આગામી તા.૭મી માર્ચથી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા યોજાવાની છે ત્યારે કારકિર્દીના ઘડતર માટેની અતિમહત્વની આ પરીક્ષા પૂર્વે હાલ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સાથે સાથે પોતાના સંતાન અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે તેમજ ટેન્શનમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે માતા-પિતા પણ ખાસ કાળજી રાખી રહ્યા છે. તો બીજી બાજુ કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પ્રશ્નના ઉત્તર સારી રીતે લખી શકે તે હેતુથી મોક ટેસ્ટ યોજી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરાવી રહ્યા છેતેમજ મુંજવતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન સેમિનાર પણ યોજાઇ રહ્યા છે.
કારકિર્દીના ઘડતર માટે ધો.-૧૦ અને ૧૨ની મહત્વની હોય છે. ધો.૧૦ની પરીક્ષા બાદ ટેકનીકલ લાઈનમાં જવા માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ વધ્યો છે. તે જ રીતે ધો.૧૨ની પરીક્ષા બાદ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ર્ડાક્ટરી તથા એન્જીનીયરીંગ લાઈનમાં જવાનું પસંદ કરે છે તો કોમર્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ સી.એ., સી.એસ. તેમજ બી.કોમ જેવી લાઈન પસંદ કરી કારકિર્દી બનાવતા હોય છે. જેને લઈ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારુ પરિણામ મેળવવા ખૂબ જ મહેનત કરી રહ્યા છે.
જો થોડા ટકા ઓછા આવે તો પોતાની નિશ્ચિત લાઈનમાં જઈ શકતા નથી અને જવુ હોય તો વધુ રૂપિયા ભરીને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન લેવુ પડતુ હોય છે. આ પરીક્ષાના મહત્વને લીધે વિદ્યાર્થીઓની સાથે સાથે માતા-પિતા પણ પોતાના પાલ્યને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ તકેદારી રાખતા હોય છે. બોર્ડની પરીક્ષાને લઈને હાલ વિદ્યાર્થીઓ અલગ-અલગ શાળાઓના પેપર અને તેનું સોલ્યુસન શિક્ષકો પાસે કરાવી રહ્યા છે. કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને એકસ્ટ્રા કોચીંગની સાથે સાથે વિવિધ મોક ટેસ્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પરીક્ષાને આડે માંડ દોઢ માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે રાત ઓછીને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. કેટલીક શાળાઓ દ્વારા પોતાની શાળાનું રીઝલ્ટ સારૂ આવે તે માટે નવા નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવે છે. ટયુટરો દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નના જવાબ કઈ રીતે લખવા અને કઈ રીતે વધારે માર્કસ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ ન રહે તે માટે વાલીઓ દ્વારા તથા શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેટલીક સ્કૂલો દ્વારા ગુજરાતની નામાંકિત સ્કૂલોના પેપર મંગાવીને તૈયારીઓ કરાવતા હોય છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UETFuz
No comments:
Post a Comment