
ભાવનગર, તા. 06 જાન્યુઆરી 2019, મંગળવાર
ભાવનગર શહેરની મેઈન બજારમાં પાર્કીંગનો વિકટ પ્રશ્ન જોવા મળી રહ્યો છે અને પાર્કીંગની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે. પાર્કીંગનો પ્રશ્ન હલ કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને પાર્કીંગ માટે ગંગાજળીયા તળાવ પાસે એક નવુ બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યુ છે પરંતુ આ બિલ્ડીંગનુ કામ આશરે છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યુ છે અને હજુ કામગીરી પૂર્ણ થઈ નથી. આ કામગીરીની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કામગીરી બાકી હોય હાલ સમય મર્યાદા વધારવામાં આવી છે.
શહેરના ગંગાજળીયા તળાવમાં સિટી બસ સ્ટેન્ડની પાસે મહાપાલિકા દ્વારા આશરે છેલ્લા એક વર્ષથી પાર્કીંગ માટે નવુ બે માળનુ બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યુ છે. આ બિલ્ડીંગના કામની સમય મર્યાદા જાન્યુઆરી 2019 હતી પરંતુ સમય મર્યાદા કામગીરી પૂર્ણ થઈ નથી તેથી પાર્કીંગ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ નથી. પાર્કીંગના બિલ્ડીંગની કામગીરીની સમય મર્યાદા આગામી માર્ચ માસ સુધી વધારવામાં આવી છે અને માર્ચના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવો દાવો મહાપાલિકાના બિલ્ડીંગ વિભાગે કરેલ છે. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોત તો કદાચ અત્યારે ગાડીઓનુ પાર્કીંગ શરૂ થઈ ગયુ હોત પરંતુ મહાપાલિકામાં મોટાભાગના કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી, જે ગંભીર બાબત છે. માર્ચ મહીના સુધીમાં પાર્કીંગ માટેનુ બિલ્ડીંગ તૈયાર થઈ જશે કે પછી હજુ કામગીરીની મુદ્દત વધારવામાં આવશે ? તેવા સવાલ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યા છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ ઝડપી કામગીરી કરવી જરૃરી બની રહે છે.
બજારમાં પાર્કીંગનો વિકટ પ્રશ્ન, લોકો ત્રસ્ત
ભાવનગર શહેરની મેઈન બજારમાં ટ્રાફીક અને પાર્કીંગનો વિકટ પ્રશ્ન વર્ષોથી જોવા મળી રહ્યો છે. મેઈન બજારમાં પાર્કીંગની કોઈ વ્યવસ્થા નથી તેથી વેપારી અને ખરીદી માટે આવતા લોકોએ રોડ પર વાહન પાર્ક કરવુ પડતુ હોય છે, જેના કારણે ટ્રાફીક સમસ્યા જોવા મળતી હોય છે. રોડ પર પાર્ક કરેલી મોટર સાયકલની લાંબી કતાર દેખાતી હોય છે અને મોટરકાર મૂકવાની મોટાભાગે જગ્યા જ નથી હોતી, જેના કારણે મોટરકાર ચાલકે બહુ જ દુર મોટરકાર પાર્ક કરવા જવી પડતી હોય છે પરંતુ નવુ પાર્કીંગ બનતા વાહન ચાલકોને રાહત થશે તેમ જણાય રહ્યુ છે.
પાર્કીંગનો 3 કલાકના હિસાબે ચાર્જ લેવાશે
શહેરમાં પાર્કીંગ માટે મહાપાલિકા દ્વારા નવુ બે માળનુ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી રહ્યુ છે, જેના કારણે વાહન ચાલકોને પાર્કીંગ માટેની સુવીધા મળશે પરંતુ આ સુવીધા માટે વાહન ચાલકોએ ૩ કલાકના હિસાબે ચાર્જ ચુકવવો પડશે. મહાપાલિકા દ્વારા ૩ થી ર૪ કલાક સુધીનો વાહન ચાર્જ નક્કી કરવામાં આવેલ છે, જેમાં ૩ કલાક સુધી મોટર સાયકલના રૂ. પ, થ્રી વ્હીલના રૃ. ૧૦ અને મોટરકારના રૃ. ૧પ વસુલવામાં આવશે, આવી જ રીતે કલાક મુજબ જુદા જુદા ભાવ હાલ નક્કી કરવામાં આવેલ છે. પાર્કીંગ ચાર્જનો ઠરાવ તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં પાસ થઈ ગયો છે પરંતુ જનરલ બોર્ડમાં ભાવના ઠરાવ અંગે ચર્ચા થયા બાદ ફાઈનલ ભાવ નક્કી થશે તેમ જણાય રહ્યુ છે. જનરલ બોર્ડમાં વિરોધ થશે તો હજુ પાર્કીંગ ચાર્જના ભાવ ઘટવાની શકયતા રહેલી છે તેમ સુત્રોએ જણાવ્યુ હતું.
બે માળના બિલ્ડીંગમાં ગાડી મૂકવાની વ્યવસ્થા
| વિભાગ |
મોટરકાર |
મોટર સાયકલ |
| ગ્રાઉન્ડ ફલોર |
76 | - |
| ફસ્ટ ફલોર |
59 | 112 |
| સેકન્ડ ફલોર |
41 | 244 |
| ટેરેસ |
- | 467 |
176 મોટરકાર અને 833 મોટર સાયકલ મળી કુલ 1,009 વાહન પાર્ક થઈ શકશે
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ પાસે બની રહેલ પાર્કીંગ માટેના નવા બિલ્ડીંગમાં કુલ 1,009 વાહન પાર્ક થઈ શકશે, જેમાં 176 મોટરકાર અને 833 મોટર સાયકલનો સમાવેશ થાય છે તેથી બજારમાં ખરીદી માટે આવતા વાહન ચાલકોને પાર્કીંગની વ્યવસ્થા મળી રહેશે તેમ જણાય રહ્યુ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D7YnK4
No comments:
Post a Comment