
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
સુરત મ્યુનિ.ના બજેટ પહેલાં ભાજપની સંકલનમાં ભાજપના મંત્રી અને ધારાસભ્ય તથા કોર્પોરેટરોએ આક્રોશ ઠાલવ્યો હતો. કતારગામ ઝોનમાં મંજુર થયેલા ત્રણ પ્રોજેક્ટ અધિકારીઓના કારણે ચુંટાયેલા સભ્યોની જાણ બહાર બદલાય જતાં વિરોધ કરવામાં આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં લાયબ્રેરીનું કામ શરૂ કરાયા બાદ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરને ફાયદો થાય તે માટે જગ્યા બદલી નંખાયાના આક્ષેપ સાથે તંત્ર સામે પસ્તાળ પાડવામા ંઆવી હતી.
કતારગામ ઝોનમાં કતારગામ જુની ઝોન ઓફિસની જગ્યાએ પબ્લીક પ્રાયેવેટ પાર્ટનરશીપથી લાઇબ્રેરી બનાવવા નિર્ણય કરાયો, ટેન્ડર બહાર પડયા અને ડિઝાઈન સાથે કામ પણ શરૂ થઇ ગયું હતું. કતારગામના ધારાસભ્ય દ્વારા લાંબા સમયથી લાઇબ્રેરીની માંગ હતી. ઉપરાંત ડભોલી ચાર રસ્તા પર પાર્ટી પ્લોટ બનાવવા માટે ત્રણ વર્ષ બાદ નિર્ણય કરાયો હતો. એક ઓડીટોરીયમ બનાવવા સામાન્ય સભામા અંદાજ પણ મંજુર કરી દેવાયા હતા. જોકે, આ ત્રણેય પ્રોજેકટમાં ચૂંટાયેલા નેતાઓને વિશ્વાસમાં લીધા વગર ફેરફાર કરી દેવાયો હતો.
સંકલન બેઠકમાં ધારાસભ્યએ કહયું કે, જરૂરિયાત આ વિસ્તારના લોકોની છે તે પ્રમાણે પ્રોજેક્ટ મંજુર કરાયા છે. લાયબ્રેરીનું બાંધકામ શરૂ કરાયા બાદ જગ્યા બદલવાનો નિર્ણય વ્યાજબી નથી. પાલિકા સાથે પાર્ટનરશીપ કરનારાને ફાયદો થાય તે માટે જો આ નિર્ણય બદલાયો હોય તો ગંભીર બાબત છે. પાર્ટીપ્લોટ માટે ત્રણ વર્ષથી નિર્ણય બાદ ફાઇનલ પ્લોટ નહી ફાળવાતા કોર્ટ કેસ થયો તે પણ ગંભીર બાબત છે. ઓડિટોરીયમની જગ્યા પણ અધિકારીના પત્રના આધારે બદલી કઢાઇ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને અંધારામાં રાખી નિર્ણય લેતા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરાઇ છે.
સંકલન બેઠકમાં ભાજપ નેતાઓ વચ્ચે જ સંકલનનો અભાવ દેખાયો
મંત્રી અને ધારાસભ્યએ ચૂંટાયેલા સભ્યોના ધ્યાન બહાર કામગીરી કરનારા સામે પગલા ંભરવાની માગણી કરી હતી. તો ડેપ્યુટી મેયરે અધિકારીઓનો બચાવ કરતાં કહ્યું હતું કે, કેટલાક કિસ્સામાં કમિશ્નરનો નિર્ણય કરવાનો હોય છે તેથી કેટલાક ફેરફાર કરવાના હોય છે. જોકે, શાહની આ ટીપ્પણી બાદ ધારાસભ્ય અને મંત્રીએ તેમને કહ્યું હતું કે, આ પ્રોજેકટ અમારા વિસ્તારમાં છે એટલે અમે કહીએ છીએ તમારા વિસ્તારની વાત તમારે કરવી જોઈએ.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RM3d5m
No comments:
Post a Comment