
- બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ખેડૂતોને મામૂલી વળતર આપી લૂંટ ચલાવાતી હોવાનો ખેડૂત સમાજનો આક્ષેપઃ ભાવફેર અંગે હાઇકોર્ટમાં પણ રજૂઆત કરી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
સરકાર બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરીને ખેડુતોને રાતા પાણીએ નવડાવી રહી હોવાના ખેડુત સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યા છે. લસકાણા ગામની સરકારી જમીન માલ પરિવહન યોજના માટે સંપાદિત કરીને વિંઘા દીઠ ભાવ રૂા.૨૨.૬૦ કરોડ નક્કી કર્યો છે. જયારે આજ ગામના ખેડુતોની જમીન બુલેટ ટ્રેન માટે વિંઘા દીઠ રૂા.૨.૧૪ કરોડ માં ખરીદી રહી છે. ભાવોના જમીન-આસમાનના ફરકને લઇને ખેડુત સમાજે અન્યાય સામે હાઇકોર્ટમાં રજુઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે સુરત જિલ્લામાં જમીન સંપાદન થઇ રહી છે. અને ખેડુતોને વળતર પણ ચૂકવાઇ રહયુ છે. આ કાર્યવાહી વચ્ચે પણ ખેડુત સમાજ ખેડુતોને વધુને વધુ વળતર મળે તે માટે હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી છે. અને તેની સુનાવણી પણ ચાલી રહી છે. વિવિધ સરકારી પ્રોજેકટોમાં જમીન અપાય છે તે જમીનોનું મૂલ્યાંકન થાય તે મુજબ જ દરેક પ્રોજેક્ટની જમીનોનું મૂલ્યાંકન કરી વળતર ચૂકવવાની માંગ છે.
આ લડત વચ્ચે ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ જણાવે છે કે અમે આરટીઆઇ હેઠળ વર્ષ-૨૦૧૫ માં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (માલ પરિવહન યોજના) માટે સંપાદિત થયેલી કામરેજના લસકાણા અને પાસોદરા ગામની સરકારી જમીનના ભાવો મુલ્યાંકન સમિતીમાં નક્કી થયા હતા. તેની વિગતો મેળવી હતી. તે વિગતો જોતા હાલમાં ખેડુતોને સરકાર ઉલ્લુ જ બનાવી રહી છે. ખેડુતોને ભારોભાર અન્યાય થઇ રહયો છે.
અન્યાયની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, કામરેજના પાસોદરા ગામની સરકારી જમીન ૨૦૧૫ માં જયારે માલ પરિવહન યોજના માટે સંપાદિત કરાઇ હતી. તે વખતે જમીનના ભાવો જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી જમીન મુલ્યાંકન સમિતીની બેઠકમાં નક્કી થયા હતા. તેના આંકડા જોતા પાસોદરાની સરકારી જમીનનો ભાવ પ્રતિ ચો.મી દીઠ રૂા.૨૩,૭૬૪ નક્કી થયો હતો. આ રકમની ચાર ગણી રકમ રૂા.૯૫,૦૫૬ આપવાનું નક્કી થયુ હતુ.
આ રકમની એક વિંઘા દીઠ ગણતરી કરીએ તો જમીનની વળતર કિમંત રૂા.૨૨.૬૦ કરોડની થાય છે. આજ ગામની ખેડુતોની જમીન બુલેટ ટ્રેન માટે પણ સંપાદિત કરાઇ રહી છે. જેમાં ખેડુતોને જંત્રીના ચાર ગણા આપવાનું નક્કી કર્યુ છે. હાલમાં પાસોદરા ગામન જમીનની જંત્રીનો દર પ્રતિ ચો.મી રૂા.૨૨૫૦ રૂપિયા છે.
આ રકમની ચાર ગણી રકમ ગણીએ તો રૂા.૯૦૦૦ ચો.મીનો ભાવ નક્કી થયો છે. આ જંત્રીના ભાવની ગણતરી કરીએ તો ખેડુતોને એક વિંઘા દીઠ રૂા.૨.૧૪ કરોડ રૂપિયાનું જ વળતર મળે છે. આમ સરકારની જમીન મુલ્યાંકન સમિતીના ભાવો અને જંત્રીના દરો આ બન્નેમાં જમીન આસમાનનો તફાવત છે.
સરકાર અને જમીન સંપાદન અધિકારી તેમજ અત્રેના વહીવટીતંત્ર ખેડુતોની મહામુલી જમીનની રીતસર લૂંટ ચલાવી રહયા છે. સરકાર પોતાની સરકારી જમીનનું જે મુલ્યાંકન નક્કી કરે છે તે મુલ્યાંકન મુજબ જ ખેડુતોની પણ જમીન ખરીદવી જોઇએ. આ જમીન આસમાન ફરકને લઇને ખેડુત સમાજે હાઇકોર્ટમાં પણ રજુઆત કરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMgqPk
No comments:
Post a Comment