'કર્ણાવતી' નામકરણ થાય તો અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો ગૂમાવે ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

'કર્ણાવતી' નામકરણ થાય તો અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો ગૂમાવે !

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2018, શનિવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યું તેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જૂની કેસેટ પરથી ધૂળ ખંખેરીને ફરી વગાડવાનું ચાલુ કર્યું છે.

અમદાવાદનું નામ બદલવા જતાં અનેક કાયદાકીય અને ટેકનીકલ પ્રશ્નો ઊભા થાય તેમ છે. આમ કરવા જતાં અમદાવાદને મળેલો 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો મહામૂલો દરજ્જો રદ થઇ શકે તેમ આ ક્ષેત્રના તજજ્ઞાો જણાવે છે.

હેરિટેજ સિટીના દરજ્જા અંગે ઊભી થયેલી ભીતિના સંદર્ભમાં આગામી સપ્તાહે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુખ્યમંત્રીને મળીને ચર્ચા કરનાર હોવાનું પણ જાણવા મળે છે. અમદાવાદનું નામ અગાઉ અહેમદાબાદ હતું, તે બદલાઇને અમદાવાદ થયું છે. વર્લ્ડ હેરિટેજ સિટીના નોમિનેશન માટે નિષ્ણાતોએ તૈયાર કરેલાં ડોઝીયરમાં અમદાવાદના ૬૦૦ વર્ષનો ઈતિહાસ, સંસ્કૃતિ, સુલતાનકાળના હિંદુ અને જૈન સ્થાપત્યો, સમાજજીવનના તાણાવાણાં વગેરેનો ચિતાર રજૂ કરાયો છે.

તેમાં આશાવલ ભીલ પરથી પડેલા નામ 'આશાવલી'નો ઉલ્લેખ લંબાણપૂર્વક છે પણ કર્ણાવતીનો ક્યાંય ઊંડાણથી ઉલ્લેખ કરાયો નથી. એ જ રીતે વૈચારિક પૃષ્ટભૂમિનો ચિતાર આપવા ગાંધીજીની અહિંસાની ચળવળ અને સમાજની એકતા-હાર્મનીનો ખ્યાલ આપવામાં આવ્યો છે.

હવે જો કર્ણાવતી નામ આપ્યું હોય તો ડોઝીયર જ બદલાઇ જાય, જેની સાથે આ ખિતાબ જતો રહેવાની સંભાવના પેદા થાય, તેમ માનવામાં આવે છે. આ જ ક્રમમાં મેગાસિટી અને સ્માર્ટસિટીના દરજ્જામાં પણ મહત્વના ફેરફારો કરવા પડે. ફૈઝાબાદ નાનું ટાઉન છે, તેની સરખામણીએ અમદાવાદના પ્રશ્નો અનેક ગણા વધી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર બની ત્યારે ચૂંટણીમાં જોરશોરથી આપેલાં વચનના સંદર્ભમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રને મોકલી હતી. તે સમયના ગૃહમંત્રી એલ.કે. અડવાણીએ નામ બદલવાની બાબત કાયદાકિય અને ટેકનીકલ શક્ય નહીં હોવાનું જણાવી પરત મોકલી હતી. તે સમય આ દરખાસ્તની વિરૂધ્ધ હાઇકોર્ટમાં રીટ પણ થઇ હતી.

હવે, ૨૦૧૪થી કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથેની ભાજપની સરકાર છે. હાલમાં રાજ્ય સરકારે આવી કોઇ જ દરખાસ્ત વિધિવત્ રીતે મોકલી નથી. આમ છતાં અચાનક અને ઉતાવળે જાહેરાત કરાઇ રહી છે, તેમાં યોગી સરકારની નકલની બૂ આવી રહી છે. શા માટે ૨૦૧૪થી એની વિધિ કરવામાં ના આવી ? શા માટે ૨૦૧૯ નજીક છે ત્યારે જ કેમ કર્ણાવતીની યાદ આવી ? આમ પણ ભાજપને ચૂંટણી નજીક આવે ત્યારે ભગવાન રામ, કલમ ૩૭૦ અને કર્ણાવતીની યાદ આવી જાય છે.

એક રાજકિય વિશ્લેષકે કહ્યું, શેક્સપીયરે કહ્યું હતું કે, 'નામમાં શું છે ?' ગુલાબને મોગરો કહો તો તેની સુગંધમાં કોઇ ફર્ક નથી પડતો. પરંતુ ભાજપને નામ બદલવામાં 'જીત' દેખાય છે. ભાજપના મતે નામમાં ઘણું બધું છે. જો કે હજુ સરકારે તેની સ્પષ્ટતા નથી કરી કે તે વિધિવત કેન્દ્રને દરખાસ્ત કરનાર છે કે મૌખિક રીતે જાહેરાતો જ કર્યે રાખનાર છે.

નામ બદલાય તો લોકોને શું અસર થાય ?
અમદાવાદનું નામ કર્ણાવતી થાય તો સામાન્ય લોકોને તેમના ડ્રાયવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાસપોર્ટથી લઇને તે તમામે તમામ મહત્વના દસ્તાવેજોમાં અમદાવાદનું કર્ણાવતી કરાવવા પ્રોસેસ કરવી પડશે અને લાઇનમાં ઊભા રહેવું પડશે. દસ વર્ષના આગોતરાં વિઝા મળી ગયા હોય તો પાસપોર્ટના આધારે તેમાં પણ સુધારો કરાવવો પડશે. અનેક પ્રશ્નો, ગુંચવાડા અને હાલાકી સર્જાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RNjkQd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages