શાસ્ત્રીજીની હત્યા થઈ હતી? સરદાર પટેલના પુત્રના સવાલનો જવાબ મળશે! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

શાસ્ત્રીજીની હત્યા થઈ હતી? સરદાર પટેલના પુત્રના સવાલનો જવાબ મળશે!

તાજેતરમાં આવેલા નવાં પુસ્તક 'યોર પ્રાઈમ મિનિસ્ટર ઈઝ ડેડ' પછી ફરીથી દેશના બીજા વડા પ્રધાનના આકસ્મિક મોત અંગે સત્ય જાળવા સળવળાટ થઈ રહ્યો છેે

આઝાદી પછી દેશને પંડિત નહેરુ વડા પ્રધાન મળ્યા. એમના અવસાન પછી એ ખુરશી લો પ્રોફાઈલ રહેતા લાલ બહાદુર શાસ્ત્રીએ સંભાળી. એ વખતે દેશ અનાજની અછત, આર્થિક સંકડામણ વગેરે અનેક પ્રશ્નોથી પીડાતો હતો. આઝાદીને હજુ બે દાયકા થયા ન હતા.

૧૯૬૪માં સત્તા પર આવેલા શાસ્ત્રીજી વડા પ્રધાન ઓફિસમાં બે વર્ષ પુરાં કરે એ પહેલા જ તેમનું પણ અવસાન થયું. ૧૯૬૫ના પાકિસ્તાન યુદ્ધ પછી સોવિયેત યુનિયન ઓફ રશિયાના તાશ્કંતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ-મંત્રણા થઈ હતી(તાશ્કંત હવે ઉઝબેકિસ્તાનમાં છે). તાશ્કંત કરાર નામે ઓળખાતી એ સંધિ કરી એ રાતે જ શાસ્ત્રીજીનું અવસાન થયું હતુ. 

૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રી ખરેખર કઈ રીતે અવસાન પામ્યા હતા, એ વાતનો ચોક્કસ જવાબ અડધી સદી પછી પણ મળતો નથી. આજ સુધીમાં અનેક વખત આ મૃત્યુની વાતને શંકાની નજરે જોવામાં આવી છે.

શાસ્ત્રીજીનું શબ ભારત આવ્યું ત્યારે તેમનો ચહેરો કાળો પડી ચૂક્યો હતો અને તેમના પત્ની લલિતાદેવીએ જોઈને જ કહ્યું હતું કે મારા પતિ કુદરતી રીતે નથી મર્યાં, સંભવતઃ તેમને ઝેર આપવામાં આવ્યુ છે.

એ પછી શાસ્ત્રીજીના મોત અંગે વિવિધ ચાર થિયરીઓ પ્રચલિત થઈ હતી. હાર્ટ એટેકથી મોત થયું એવુ સરકારનું કહેવુ હતુ. તો બીજી તરફ રશિયન જાસૂસી સંસ્થા કેજીબીએ હત્યા કરાવી, અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા હત્યા થઈ કે પછી ભારતમાંથી જ કોઈએ તેમની હત્યા કરાવી હોવાની વિવિધ વાતો ચાલતી રહી છે. 

રસપ્રદ વાત એ છે કે સરદાર પટેલના દિકરા ડાહ્યાભાઈ પટેલે એ વખતે જ મોત શંકાસ્પદ હોવાનું જણાવ્યુ હતું. એટલું જ નહીં તેમણે 'વોઝ શાસ્ત્રી મર્ડર્ડ (શું શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી હતી)?' એવા નામની ૫૦ પાનાંની એક પુસ્તિકા ૧૯૭૦માં લખી હતી.

જોકે ડાહ્યાભાઈ જાહેર જીવનમાં ભાગ્યે જ સરદાર પટેલના પુત્ર હોવાની ઓળખ આપતા હતા. વળી એ વખતનો જમાનો આજના જેવા માહિતી વિસ્ફોટનો યુગ ન હતો. ગૂગલ નામની જ્ઞાાનગંગા ન હતી કે લોકો તુરંત સર્ચ કરી શકે. માટે ડાહ્યાભાઈ પટેલની ઓળખ આજીવન એક સક્ષમ અને અભ્યાસુ સાંસદ તરીકે જ રહી હતી.

શાસ્ત્રીજીનું મોત થયા પછી તેમને તુરંત ભારત લઈ આવાયા હતા. ત્યાં સુધીમાં મૃતદેહ એટલો બધો ફૂલી ગયો હતો કે તેમના વસ્ત્રો ફાડીને કાઢવા પડયા હતા. સરકાર પાસે મોત અંગેના દસ્તાવેજો છે, જે જાહેર કરવામાં આવતા નથી. પુસ્તક પ્રકાશિત થયા પછી આ મુદ્દે ફરીથી ચર્ચા શરૂ થઈ છે.

શાસ્ત્રીજીના પુત્ર અનિલ શાસ્ત્રી પણ દસ્તાવેજો જાહેર કરવા અને જરૂર પડે તો ફરી તપાસ કરવા વારંવાર સરકારને કહી ચૂક્યા છે. પરિવારથી દોઢ હજાર કિલોમીટર દૂર શાસ્ત્રીજીની છેલ્લી ક્ષણો કેવી રીતે પસાર થઈ હશે એ ઘરના સભ્યોને પણ ખબર નથી. દેશના અત્યંત લોકપ્રિય વડા પ્રધાન કઈ રીતે અવસાન પામ્યા એ જાણવામાં આજે પણ લોકોને રસ છે. 

સુભાષચંદ્ર બોઝની ગુમનામી વિશે એકથી વધુ પુસ્તક લખી ચૂકેલા સંશોધક-લેખક અનુજ ધરે શાસ્ત્રીજીના મોત અંગે નવું પુસ્તક લખ્યું છે. 'યોર પ્રાઈમ મિનિસ્ટર ઈઝ ડેડ' નામના આ પુસ્તકમાં તેમણે નવેસરથી કેટલાક સવાલ ઉભા કર્યા છે અને અગાઉ ચૂકાઈ ગયા હોય એવા મુદ્દા રજૂ કર્યા છે.

જેમ કે સંશોધકો અને જાણકારો સિવાય ભાગ્યે જ કોઈને ખબર છે કે ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલે એ વખતે જ તારણ આપ્યું હતુ કે મૃત્યુ કુદરતી નથી. જોકે મોટા ભાગની સરકારી અને સમૃદ્ધ ગણાતી લાયબ્રેરીઓમાંથી આ પુસ્તીકા ગુમ છે અથવા તો મળતી નથી. 

અંતિમવિધિ પતી ગયા પછી ૧૪મી ફેબુ્રઆરીએ રાજ્યસભામાં એ વખતના યુવા નેતા અટલ બિહારી વાજપેયીએ સવાલ ઉભો કર્યો હતો કે તાશ્કંતમાં ખરેખર શું થયું હતુ એ કોઈ જાણતું નથી. માટે તપાસ થવી જોઈએ. સરકારે શરૂઆતમાં તપાસની ના પાડી દીધી હતી. પરંતુ વાજપેયીના સમર્થનમાં ડાહ્યાભાઈ, મધુ લિમયે સહિત ઘાણા સાંસદો આવ્યા હતા. શાસ્ત્રીજી માટે ત્યાં ઓક્સિજન ઉપલબ્ધ હતો કે કેમ એવો સવાલ ડાહ્યાભાઈએ કર્યો હતો. એ પછી સરકાર પર દબાણ ઉભું થતા તપાસ પંચ નિમાયુ હતુ. 

લાલ બહાદુર શાસ્ત્રીને ૧૯૬૪માં વડા પ્રધાન બન્યા એ પહેલા બે વખત હાર્ટ એટેક આવી ચૂક્યા હતા. માટે એ જાણતી વાત હતી કે તેઓ હૃદયના દર્દી છે. એટલે એ પણ જાણીતી વાત બની છે કે ભારતની ઈચ્છા ન હોવા છતાં તાશ્કંતમાં રશિયન વડા પ્રધાન એલેક્સી કિસીગનના દબાણથી શાસ્ત્રીજીએ સંધિ પર સહી કરી હતી.

પરંતુ હકીકતે શાસ્ત્રીજી દબાણમાં આવ્યા હતા કે કેમ એ હવે કોઈ કહી શકે એમ નથી. રશિયાને એ વખતે અમેરિકાથી આગળ નીકળવા માટે આ સંધિ સફળ બનાવવાની જરૂર હતી. માટે રશિયાએ સામે ચાલીને જ સંધિ પોતાને ત્યાં જ થાય એ માટે ભારત-પાકિસ્તાન બન્ને તૈયાર કર્યા હતા. જોકે બે વખત નાના-નાના એટેક છતાં વડા પ્રધાન બન્યા પછી શાસ્ત્રીજી એકદમ સ્વસ્થ હતા. 

સરકારે શાસ્ત્રીજીના મૃત્યુ પછી તેનું પોસ્ટ મોર્ટમ કેમ ન કર્યું? શાસ્ત્રીજી સાથે ભારતનું મોટું પ્રતિનિધિ મંડળ હતું. એ મંડળને એક હોટેલમાં જ્યારે શાસ્ત્રીજીને બાજુમાં આવેલા વિલા જેવા બંગલોમાં ઉતારો અપાયો હતો. સાથે શાસ્ત્રીજીનો અંગત સ્ટાફ, સેક્રેટરી, ડોક્ટર વગેરે હતા. 

પણ શાસ્ત્રીજી સુતા હતા એ રૂમમાં તેઓ એકલા હતા. રાત્રે હૃદયમાં પીડા ઉપડતાં તેઓ માંડ માંડ ચાલીને બાજુના ઓરડામાં રહેલા સાથીદારો સુધી પહોંચ્યા હતા. તુરંત સ્ટાફે સતર્ક થઈને સારવાર આપવાની શરૂઆત કરી હતી. પરંતુ એ સારવાર કામ લાગી ન હતી અને મધરાતે જ શાસ્ત્રીજીએ પ્રાણ ત્યજી દીધા હતા. પરંતુ વડા પ્રધાને મદદ માટે બાજુના રૂમમાં ચાલીને જવું પડે તો શું તેમના રૂમમાં ટેલિફોન ન હતો? 

ટેલિફોન હતો કે ન હતો એ અંગે બે જવાબ મળે છે. સરકારી અધિકારીઓનો જવાબ કહે છે, હતો. જ્યારે મૃત્યુ પછી ઓરડાને જોનારા કેટલાકનું કહેવું છે કે ત્યાં કોઈ ટેલિફોન ન હતો. એ રીતે શાસ્ત્રીજીને રાતે દૂધ આપવામાં આવ્યુ હતું. એ દૂધ કોણે તૈયાર કર્યું હતુ? તેનોય કોઈ ચોક્કસ જવાબ મળતો નથી.

અટલ બિહારી વાજપેયીએ તો ત્યારે એવી શંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુ વખતે ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. હાર્ટના પેશન્ટને ઓક્સિજન મળે તો કદાચ બચી શકે. પરંતુ ત્યાં ઓક્સિજન ન હતો. સરકારે જોકે એ દાવો સ્વિકાર્યો ન હતો. ઓક્સિજન હતો જ એવો રિપોર્ટ રજૂ કર્યો હતો. 

જે સ્ટાફ સાથે હતો એ પૈકીના ઘણાખરા એવા હતા કે જે વર્ષોથી શાસ્ત્રીજીને ઓળખતા હતા. માટે અંગત સ્ટાફમાંથી કોઈએ કંઈ કર્યું હોવાની શંકા ત્યારે ઉડાવી દેવાઈ હતી. પરંતુ આવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાયેલા ગુનામાં દરેક વ્યક્તિને શંકાની નજરે જોવી પડે અને દરેક મુદ્દાની જીણવટભરી તપાસ કરવી પડે. કમનસીબે તપાસમાં એ બન્ને બાબતે ઢીલ દાખવવામાં આવી છે. 

અનુજ ધરના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાંથી કોઈએ હત્યા કરી હોય એવી શક્યતા વધારે છે. કેજીબી પોતાને ત્યાં આવેલા મહેમાનને મારીને રશિયાની બદનામી ન થવા દે. રશિયાએ જ આગ્રહ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ કરાવી હતી, માટે એ કોઈ રીતે હત્યા કરે એ વાત માનવા જેવી લાગતી નથી.

સીઆઈએની વાત એ વખતના નેતાઓએ ઉપજાવી કાઢી હોય કેમ કે કંઈ પણ થાય તો કાં તો પાકિસ્તાન કે કાં તો સીઆઈએનું કરતૂત જાહેર કરી દેવાની ત્યારે ફેશન હતી. વળી પરદેશી સંસ્થાઓ કે પરદેશની સરકારનું નામ આપી દેવામાં આવે એ પછી ભારતમાં લોકો સવાલ કે શંકા કરતા પણ બંધ થઈ જાય. હવે ફરીથી સ્વતંત્ર તપાસની માગ ઉઠી રહી છે. 

ભારત ભલે પ્રગતિની રાહ પર સડસડાટ આગળ વધતું હોય. પરંતુ દેશને જય જવાન, જય કિસાનનો અડિખમ નારો આપનારા વડા પ્રધાનના મોતનું રહસ્ય અડધી સદી પછી પણ ઉકલ્યું નથી એ વાત યાદ રાખવી રહી.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qH13J0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages