અમદાવાદ, તા. 10 નવેમ્બર 2018, શનિવાર
છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની વાતો કરી છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયે નામકરણ માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. પરંતુ એ વખતની વાજપેયી સરકારે તેને મંજૂર કર્યા વગર પરત મોકલી હતી.
જ્યારે હવે તો ખુદ દરખાસ્ત કરનારા જ વડાપ્રધાન છે. આમછતાં સાડા ચાર વર્ષમાં તેઓને આ યાદ આવ્યું નથી. હવે લોકસભાની ચૂંટણી આવતા જ ભાજપનાં નાના-મોટા નેતાઓએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાનો રાગ આલાપવાનું શરૂ કર્યું છે.
બેસતા વર્ષનાં દિવસે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં તેમજ પૂછાયેલા કેટલાક સવાલોના જવાબોમાં જણાવ્યું હતું કે, નામ બદલવા અંગે સરકાર ગંભીર રીતે વિચારણા કરી રહી છે.
આ સંદર્ભમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરાશે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગેની કામગીરી આગામી દિવસોમાં નક્કર રીતે હાથ ધરાશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા નામ બદલવાની કાર્યવાહી થઇ જશે.
જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિને છાજે એવું નામ હોવું જોઇએ. ગુલામીના પ્રતિક સમા નામને બદલવાની લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકાર આગામી ટૂંક સમયમાં આ માટેની કાયદાકીય તૈયારી કરશે. કર્ણાવતી નામને તમામ લોકો આવકારશે. ભૂતકાળમાં અત્યાચારી શાસકોએ જબરજસ્તીથી નામો બદલ્યા હતા, જે યોગ્ય નથી.
અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યા બાદ અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૧૦થી ૧૨ બેઠકો ગુમાવવાનો ડર હોવાથી નેતાઓએ 'હિન્દુત્વ'નું કાર્ડ ઉતર્યું છે. પરંતુ ૨૦૧૯ પહેલા નામ બદલવું શક્ય દેખાતું નથી. નાગરીકો પણ ચર્ચા કરી રહ્યા છે કે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં શા માટે નામ બદલાયું નથી ?
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RNXDzt
No comments:
Post a Comment