નોટબંધી, સરકારનું ભેદી મૌન
નવીદિલ્હી, તા. 1 નવેમ્બર 2018, શનિવાર
ગયા વર્ષે આઠમી નવેમ્બરે નોટબંધીના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સરકારે ઉજવણી કરી હતી, પરંતુ આ વર્ષે આવું કંઇ જ કર્યું નહતું. સરકાર તરફથી કોઇ જ નિવેદન કરવામાં આવ્યું નહતું. વડા પ્રધાન અને તમામ પ્રઘાનો દિવાળીની ઉજવણી કરીને 'થાકી' ગયા હતા. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા પછી નાણા પ્રધાન જેટલી સફાળા જાગ્યા અને મોઢુ ખોલીને નોટબંધીની તરફેણમાં માત્ર જુજ શબ્દો જ બોલ્યા હતા..
મનમોહન સાચા હતા
વાસ્તવમાં પૂર્વ વડા પ્રધાને મનમોહન સિંહ સૌ પહેલાં કહ્યું હતું કેનોટબંધી દેશના અર્થતંત્ર માટે ઘાતક સાબીત થશે અને થઇ પણ ગઇ. અર્થતંત્ર પર નકારાત્મક અસર ઉપરાંત બેરોજગારીમાં પણ ૬.૯ ટકાનો વધારો થયો જે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે. આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ કરેલા અભ્યાસના આઘારે બહાર પાડેલા.
કર્ણાટકના વિજયથી ઉત્સાહ વધ્યો
કર્ણાટકમાં યોજાયેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને જદએસના દેખાવ થી ખુશ જણાતા પૂર્વ વડા પ્રધાન દેવ ગૌડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી ભવ્ય જોડાણના પાયામાં જદએસની ભૂમિકા મહત્ત્વની રહેશે.
માયા, મમતા પર સૌની નજર
ટીડીપીના નેતા ચંદ્રા બાબુ નાયડૂ એ દેવ ગૌડાની મુલાકાત તો લીધી પરંતુ સૌ ડર એ વાતનો છે કે શું દેવગૌડા મમતા અને માયાવતીને પણ જોડાણમાં સાથે લાવી શકશે? મમતા તો રાહુલને જુનિયર માને છે જ્આરે માયાવતી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની વિરૂધ્ધ લડી રહી છે.
સેમિ ફાઇલનનું પરિણામ
રાજકીય પંડિતો માને છે કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની નોંધપાત્ર અસર લોકસભાની ચૂંટણી પર પડશે જ. જેને સેમિ ફાઇનલ તરીકે જોવામાં આવે છે. જો રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસનો દેખાવ સારૂં રહેશે તો અન્ય પક્ષો પણ તેમની સાથે જોડાશે અને મહાગઠબંધન પણ મજબૂત બનશે.
કમલ હાસન મુશ્કેલી ઊભી કરશે
તામિલનાડૂમાં અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી છે.એણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ ડીએમકેનો સાથ છોડે તો વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે પોતે કોંગ્રેસની સાથે જોડાવવા તૈયાર છે. પરંતુ કોંગ્રેસ ડીએમકેનો સાથ છોડે એવું લાગતું નથી. તેને કમલ હાસનના પક્ષ પર ભરોસો નથી.
કમલ હાસન ગંભીર રાજકારણી નથી
રાજકીય નિષ્ણાંત આઝહિલ સેન્થીનાથને કહ્યું હતું કે 'કમલ હાસનના રાજકીય પગલાં ગંભીર દેખાતા નથી. આઠ મહિના પહેલાં એણે પોતાના પક્ષની સ્થાપના કરી ત્યારથી તેઓ ગંભીર રાજકીય પ્રવૃત્તિઓ કરતાં નથી. કમલ હાસન અને રજનીકાંત બંને પાર્ટ ટાઇમ પોલીટિશિયન હોય એ રીતે વર્તે છે'એમની વાત સાચી છે. કમલ હાસનના પક્ષને પાયાના કાર્યક્રો મળતા નથી અને તે સ્તર સાથે કોઇ સંપર્ક પણ નથી.
- ઇન્દર સાહની
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAARcF
No comments:
Post a Comment