સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ભારે ધસારો, સગવડના નામે મીંડુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ભારે ધસારો, સગવડના નામે મીંડુ

અમદાવાદ,તા,10 નવેમ્બર,2018 શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન તો કરી દીધુ પણ જે મુલાકાતીઓએ દિવાળીના તહેવારોમાં આ સ્થળની મુલાકાત લીધી હશે તે જરુર ભાજપને ભાંડતા હશે કેમકે, અંહી પ્રવાસીઓ માટે સગવડના નામે મિંડુ છે.

ભાજપ સરકારે મતખાતર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જાહેરાતો-માર્કેટિંગ કરવામાં કોઇ કસર છોડી નથી. પ્રવાસીઓ માટે માળખાકીય સુવિધા જ કરવાનુ જ ભૂલાઇ ગયુ છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટતા આયોજનના અભાવે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી જેના લીધે મુલાકાતીઓમાં રોષ ભભૂક્યો હતો.

પ્રવાસીઓની ત્રણ કિ.મી. અને વાહનોની ૧૦ કિ.મી. લાંબી લાઇનો લાગી, લિફ્ટની ટિકીટો બંધ કરાઇ, નામ બડે, દર્શન ખોટે જેવો અહેસાસ, લોકોમાં રોષ

દિવાળીના તહેવારોમાં સરદાર પટેલની સૌથી વિશાળ-ઉંચી પ્રતિમાનુ નરેન્દ્ર મોદીએ લોકાપર્ણ કરી દેતાં લોકોની ભારે વાહવાહી મેળવી લીધી હતી પણ હવે લાગે છેકે, કરવા ગયાં કંસારને થઇ ગઇ થૂલી જેવો ઘાટ સર્જાયો છે.ભાજપ સરકારના માર્કેટિંગને પગલે હજારો પ્રવાસીઓ ઉમટયા તો ખરાંપણમાળખાકી સુવિધા અને મેનેજમેન્ટના અભાવે  ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકોએ વ્યૂવિંગ ગેલેરી જોયા વિના જ પરત ફરવુ પડયુ હતું. રસ્તામાંય વાહનોની ત્રણ કીમી સુધી લાંબી કતારો લાગી હતી. મુલાકાતીઓ માટે પાણીની ય વ્યવસ્થા નથી.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા લોકો ઉમટી પડયા છે પણ બીજી તરફ,યોગ્ય મેનેજમેન્ટ જ નથી કેમકે,વ્યૂવિંગ ગેલેરી સુધી માત્ર બે લિફ્ટ પાંચ હજાર લોકોને જ લઇ જવાની ક્ષમતા ધરાવે છે. લિફ્ટની ટિકીટો અચાનક બંધ કરી દેવાઇ હતી જેથી લોકો વ્યૂવિંગ ગેલેરી જોયા વિના નિરાશ થયા હતાં.

દિવાળીના તહેવારોમાં પંદરેક હજાર પ્રવાસીઓ આવે તેવી સરકારને પહેલેથી જ જાણ હતી તેમ છતાંય કોઇ આગોતરુ આયોજન કરાયુ ન હતુ. સરકારે દિવાળીના તહેવારો પહેલાં લોકોને જાણકારી આપવાની જરુર હતી પણ હવે સરકારને અંદાજ આવ્યો છે જેના કારણે સરકારે હવે લોકોને અપીલ કરી છેકે,મુલાકાતનો સમય અને લિફ્ટની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરવુ જેથી પરત ફરવુ ન પડે. પ્રવાસીઓએ માત્ર દૂરથી સરદારની પ્રતિમા જોઇને ખુશ થયા સિવાય અંહી કંઇ નથી તેવુ ખુદ મુલાકાતીઓ જ રોષપૂર્વક કહી રહ્યા છે.

અન્ય રાજ્યોમાંથી આવતાં મુલાકાતીઓને તો રહેવુ ક્યાં એ પ્રશ્ન છે. કેમકે, રોકાણ કરવુ હોય તો ટેન્ટ સિટી હાઉસફુલ છે. રાજપીપળા અને વડોદરામાં રોકાણ કરવુ પડે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવનારાંને પ્રથમ દ્રષ્ટિએ આ પ્રવાસન સ્થળે નિરાશા સિવાય કઇં મળે તેમ નથી કેમકે,અંહી મેનેજમેન્ટનો ભારોભાર અભાવ છે. વ્યૂવિંગ ગલેરીની ટિકિટબારી ગમે ત્યારે બંધ થઇ જાય છે. શૌચાલય જેવી સુવિધા નથી.જંગલોમાં કારો પાર્ક કરવી પડે છે. દૂરદૂર સુધી લોકોને ચાલવુ પડે છે. ગેસ્ટહાઉસ કે રેસ્ટોરન્ટ પણ નથી. આમ,પ્રવાસીઓને નામ બડે ઓર દર્શન ખોટે જેવો અનુભવ થઇ રહયો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OEUtwl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages