ગુજરાત-રાજસ્થાનમાંથી ૨૩૦ કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 27 April 2024

ગુજરાત-રાજસ્થાનમાંથી ૨૩૦ કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદ, શનિવાર

ગુજરાત એટીએસ અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શુક્રવારે રાતના સમયે અમરેલી, ગાંધીનગર જિલ્લાના પીપળજ તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરી   એક જ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લીક્વીડ અને ક્રિસ્ટલ  ફોર્મમાં રહેલા એમડી ડ્રગ્સનો રૂપિયા ૨૩૦ કરોડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા બે મુખ્ય આરોપીઓ સહિત પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ વાપીમાં આવેલી એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ આંતર રાજ્ય હોવાને કારણે હાલ તપાસ એનસીબીની ટીમે ગુજરાત એટીએસને સાથે રાખીને શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને આશરે બે મહિના પહેલા ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના થલતેજમાં રહેતો મનોહરલાલ એનાની અને  કુલદીપસિંગ રાજપુત (રહે. ગ્રીન સીટી સોસાયટી, સેક્ટર-૨૬, ગાંધીનગર) દ્વારા  મોટાપાયે એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.  આ માહિતીને આધારે ગુજરાત એટીએસના અધિકારીઓની વિવિધ ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ છેલ્લાં દોઢ મહિનાથી ટેકનીકલ અને હ્યુમન સર્વલન્સ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એટીએસના અધિકારીઓને ગાંધીનગરના પીપળજ, અમરેલી  તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં આવતુ હોવાની માહિતી મળી હતી.  પરંતુ, એક જ સ્થળે દરોડો પાડવામાં આવે તો અન્ય ફેક્ટરીઓ ચલાવતા લોકો નાસી જવાની શક્યતા હોવાથી એટીએસના અધિકારીઓએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં આ ઓપરેશનમાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની અલગ અલગ ટીમને સાથે રાખવાનું નક્કી કરાયું હતું.  જે બાદ શુક્રવારે ચાર અલગ અલગ ટીમને લોકેશન પર મોકલીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગાંધીનગરના પીપળજ ગામમાં પાડવામાં આવેલા દરોડામાં એક રહેણાક મકાનમાં એમ ડી ડ્રગ્સની ફેક્ટરી મળી આવી હતી. પોલીસને ત્યાંથી લીક્વીડ એમ ડી અને ક્રિસ્ટલ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન કુલદીપસિંગ રાજપુત, રીતેશ દવે (રહે.અંબિકાનગર,ડીસા) , હરીશ સોંલકી (રહે.સનરાઇઝ હાઇટ્સ, વલસાડ) , દીપક સોંલકી (રહે. બાપુનગર) અને શીવરતન અગ્રવાલ (રહે. કલ્લા ગામ, જોધપુર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અમરેલી ભક્તિનગરમાં આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડીને નિતીન કાબરિયા (રહે.લીલીયા રોડ ખારાવાડી, અમરેલી) અને કિરિટ લવજીભાઇ મદલીયા (રહે.સાવરકુંડલા રોડ, અમરેલી)ને  ઝડપીને એમડી અને લિક્વીડ એમ ડીનો જથ્થો જપ્ત કરાયો હતો.


બીજી તરફ રાજસ્થાનના શિરોહી જિલ્લાના લોઠીવાલા બંડા ગામમાં ચાલતી ફેક્ટરીમાંથી લીક્વીડ એમડી અને એમ ડી ડ્રગ્સ મળી  આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રંગારામ મેઘવાલ (રહે.શિરોહી),બજરગલાલ બિશ્નોઇ (રહે. સાંચોર),નરેશ મકવાણા  અને કનૈયાલાલ ગોહિલ (બંને રહે. સાણંદ, અમદાવાદ)ની ધરપકડ કરી હતી. જ્યારે જોધપુરના ઓશીયા ગામમાં  પોલીસને વિવિધ કેમીકલ અને મોટા પ્રમાણમાં મશીનરી મળી આવી હતી. ત્યાંથી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ કુલ ૨૨ કિલો એમ ડી ડ્રગ્સ અને ૧૨૪ લીટર લીક્વીડ એમડી મળીને કુલ ૨૩૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.

 રૉ મટિરિયલમાઁથી ડ્રગ્સ બનાવવામાં કનૈયાલાલ નામનો આરોપી માસ્ટરમાઇન્ડ

મનોહરલાલ અને કુલદિપસિંગ એમ ડી ડ્રગ્સનું નેટવર્ક એક કોપોરેટ પેટર્નથી ચલાવતા હતા. જેમાં તેમણે કંપનીમાં કાચો માલ લેવા માટે ડમી કંપની બનાવી હતી. જેના આધારે વાપીની ફેક્ટરીમાં થી કાચો માલ મળતો હતો. બાદમાં તેમાંથી ડ્ગ્સ બનાવવા માટેની તમામ પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે માટે સાણંદમાં રહેતા કનૈયાલાલ મકવાણા નામના વ્યક્તિને ખુબ ઉંચા પગાર પર નિમણૂંક કર્યો હતો. જે તમામ ફેક્ટરીઓમાં ડ્રગ્સ તૈયાર કરવાની યોગ્ય પેટર્ન  આધારે કામગીરી કરતો હતો. જેમાં તે મશીનરી ફીટ કરવાનું કામ સંભાળતો હતો. એમ ડી ડ્રગ્સને સપ્લાય કરવા માટે તેનું  પેકેજીંગ પણ તે કરી આપતો હતો.

ગુજરાત એટીએસ અને એનસીબી માટે વિશેષ ઇનામની જાહેરાત કરાશે

ગુજરાત એટીએસ દ્વારા અગાઉ પણ વડોદરા પાસે એમ ડી ડ્રગ્સની મોટી ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી એસ અલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરોડોની કાર્યવાહીમાં એક સાથે મોટો જથ્થો પકડવા માટેનો મોટો પડકાર હતો. જે પાર પડતા ગુજરાતના સૌથી મોટા કેસ પૈકીનો એક કેસ નોંધાયો છે. જેથી  ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ઇનામની જાહેરાત કરવામાં આવશે.

 પોલીેસને કરોડોના આર્થિક વ્યવહારોની કડી મળી

ગુજરાત એટીએસ અને એનસીબીના દરોડાની સાથે મનોહરલાલ અને કુલદિપસિંગ પાસેથી  તપાસ દરમિયાન એમ ડી ડ્રગ્સ સપ્લાય કરવાથી માંડીને  રૉ મટિરિયલ સાથેના હિસાબની મહત્વની કડી મળી આવી હતી. જેમાં કેટલાંક અન્ય નામો પણ બહાર આવ્યા છે. આ વ્યવહારો હવાલા દ્વારા, આંગડિયા દ્વારા તેમજ અન્ય રીતે કરવામાં આવ્યા હતા. આર્થિક હિસાબોની ચકાસણી માટે વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું  હતું.

 

 સમગ્ર કેસની તપાસ એનસીબીની ટીમ કરશે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે સમગ્ર કેસમાં આંતરરાજ્ય કનેક્શન સામે આવ્યું છે. જેથી  ડ્રગ્સની તપાસની લીંક અન્ય રાજસ્થાન સિવાય અન્ય રાજ્યો ઉપરાંત, એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને વિદેશમાં સપ્લાય કરવામાં આવતું હોવાનુ ંશક્યતા છે. જેથી આ કેસની તપાસ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા કરવામાં આવશે. સાથેસાથે એટીએસની ટીમ પણ તપાસમાં સતત સહયોગ કરશે.

 મનોહરલાલ અને કુલદીપસિંગ ડ્રગ્સ કેસના માસ્ટર માઇન્ડ

મનોહરલાલ અને કુલદીપસિંગ એમ ડી ડ્રગ્સનો કૌભાંડના મુખ્ય માસ્ટર માઇન્ડ હતા. છેલ્લાં એક વર્ષથી બંને જણાએ સાથે મળીને  અબજો રૂપિયાનું એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને મોટાપાયે ભારતના શહેરો ઉપરાંત, વિદેશમાં પણ સપ્લાય કર્યાની વિગતો સામે આવી છે. એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટે માફિયાઓ તરફથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા તેમણે  પહેલા  પીપળજની ફેક્ટરી શરૂ કરી હતી. જે પછી રાજસ્થાનમાં બે સ્થળોએ અને અમેરેલીમાં થોડા મહિનાઓ પહેલા ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. ડ્રગ્સનો ઓર્ડર લેવાનો અને મુળ વ્યક્તિ સુધી પહોંચતો કરવાની કામગીરી મનોહરલાલ કરતો હતો. જ્યારે ફેક્ટરીઓનું કામ કુલદીપસિંગ સંભાળતો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GRyTDpQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages