
- આખરી નિર્ણય તો રાજમાતાનો
- હિમાચલ પ્રદેશમાં પ્રતિભા સિંહને મળેલા ભારે સમર્થન છતાં કોંગ્રેસે સુખવિંદરસિંહ સુખ્ખુને મુખ્યમંત્રીપદે નિયુક્ત કરાવ્યા હતા
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ જ્યાં જ્યાં બહુમતી મેળવી શાસન સ્થાપ્યું છે, ત્યાં ત્યાં વિધાનસભાઓમાં વિધાયકોનું મંતવ્ય ગમે તે હોય પરંતુ મુખ્યમંત્રીપદનો આખરી નિર્ણય તો રાજમાતા (હાઈકમાન્ડ)નો જ રહે છે તેનું ઉદાહરણ હિમાચલ પ્રદેશનું છે. જ્યાં પ્રતિભા સિંહને મળેલી ભારે બહુમતી છતાં સુખવિંદર સિંહને મુખ્યમંત્રીપદે નિયુક્ત કરાવાયા હતાં.
૨૦૨૩ની કર્ણાટકની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ છે. સવાલ મુખ્યમંત્રીપદનો છે તે માટે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. શિવકુમાર અને દિગ્ગજ નેતા સિદ્ધરામૈય્યાના નામ ચર્ચામાં છે.
પરંતુ આવું પહેલીવાર નથી બન્યું કે જ્યાં કોંગ્રેસ આવા મહત્વના પ્રશ્ને ઘેરાઈ ગઈ હોય. ૨૦૧૮નો અંત આવતાં આવતાં કોંગ્રેસ સામે આવી સ્થિતિ ઉપસ્થિત થઈ જ હતી. કોંગ્રેસ છત્તીસગઢ, મ.પ્ર. અને રાજસ્થાનમાં ધર્મસંકટમાં મુકાઈ ગઈ હતી.
આ સાથે તે વાત પણ સ્પષ્ટ થઈ હતી કે કોઈપણ રાજ્યમાં કોંગ્રેસનો કોઈ પણ નેતા ગમે તેટલો મજબૂત હોય, પરંતુ આખરી નિર્ણય તો રાજમાતા (હાઈકમાન્ડ સોનિયા ગાંધી)નો જ હોય છે.
કર્ણાટકમાં રવિવારે જ કોંગ્રેસના તમામ વિધાયકોએ પોતાનો મત એક બંધ બોક્સમાં આપી દીધો હતો. આ સાથે તેઓએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ્ગેને મુખ્યમંત્રી ચૂંટી કાઢવાનો અધિકાર પણ આપી દીધો.
૨૦૧૮ની સ્થિતિ જોઈએ તો રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પછી સચિન પાયલોટ જ રાહુલ ગાંધીની પસંદગી હતા. પરંતુ રાહુલને સમજાવવામાં આવ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ અશોક ગહેલોત જેવા વરિષ્ઠ નેતાની ઉપેક્ષા થઈ શકે નહીં.
પછી વાત આવે છે મધ્યપ્રદેશની દિલ્હીના નેતા કહેવાતા કમલનાથનું નામ જ પાર્ટીને સહાયરૂપ બનશે, પાર્ટીએ ખાસ મુશ્કેલી ઉઠાવવી નહીં પડે. જોકે તેમાં દિગ્વિજયસિંહની છબીથી તેમને પોતાને બહાર કાઢવાનો હતો. પરંતુ દોઢ જ વર્ષમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો પોકાર્યો અને ભાજપમાં જોડાઈ ગયા. પરિણામ તે આવ્યું કે રાજ્યમાં કમલનાથ સરકાર પડી ભાંગી.
છત્તીસગઢમાં ટી.એસ. સિંહદેવ તામરાજદાસ સિંહ અરુણદાસ મહંત, અને ભૂપેશ બંધેલ સ્પર્ધામાં હતા. તેમાં બંધેલનું પલ્લું ભારે રહ્યું તેઓ મુખ્યમંત્રી બન્યા. જોકે ત્યારે ટી.એસ. સિંહ દેવ અને બંધેલ વચ્ચે રસાકસી તો હતી જ.
ત્રણે રાજ્યોની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસમાં વિધાયકોની મર્જી નથી ચાલતી પરંતુ રાજમાતા (હાઈકમાન્ડ)ની જ મરજી ચાલે છે. વિશ્લેષકો કહે છે કે તે રીતે હાઈકમાન્ડ કોંગ્રેસ શાસિત રાજ્યો પર પોતાની પકડ રાખી શકે છે.
ફરી કર્ણાટક ઉપર આવીએ તો સંભાવના તેવી પણ દેખાય છે કે વરીષ્ઠ નેતા સિદ્ધરામૈય્યાની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. તો બીજી તરફ પાર્ટીના સંકટમોચન ગણાતા પ્રદેશ પ્રમુખ ડી.કે. શિવકુમાર પણ ઘણી આશાઓ બાંધીને બેઠા છે. જોકે કોંગ્રેસમાં તો તે સાફ છે કે વિધાયકોનો મત ગમે તે હોય આખરી નિર્ણય તો હાઈકમાન્ડનો જ હોય છે. રાજમાતા જે નિર્ણય લે તે સ્વીકારવો પડે છે. હિમાચલ પ્રદેશમાં પ્રતિભા સિંહને ભારે સમર્થન હોવા છતાં સુખવિંદર સિંહ સુખ્ખુને મુખ્યમંત્રી બનાવાયા હતા તે આનું ઉદાહરણ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SoGcInN
No comments:
Post a Comment