
- ઉત્તરાખંડ સરહદે 11 કિ.મી. દૂર ગામડા બનાવી નજર રાખવા ડ્રેગનની ચાલ
- અરૂણાચલના કામેંગ ક્ષેત્ર નજીક કુનામાં ચીનના બે ગામ બની ગયા, ગામની નજીક સૈન્ય પરિસર બનશે, પેટ્રોલિંગ પણ વધાર્યું
- ઉત્તરાખંડમાં સરહદે રસ્તા બનાવવાનો ભારતનો રૂ. 2,000 કરોડનો પ્રોજેક્ટ 4-5 વર્ષમાં શરૂ થવાની શક્યતા
નવી દિલ્હી : 'મુંહ મેં રામ, બગલ મેં છૂરી' એ કહેવત ચીન પર એકદમ લાગુ પડે છે. ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો દાવો કરતું ચીન વારંવાર સરહદ પર તેની આડોડાઈ ચાલુ રાખે છે. પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન ઘાટીની હિંસા પછી ત્રણ વર્ષથી સરહદે બંને દેશોના સૈન્ય આમને-સામને છે ત્યારે સરહદે શાંતિ સ્થાપવાના બદલે ડ્રેગને અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સરહદે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગામો વસાવવાનું શરૂ કર્યું છે. ડ્રેગને ઉત્તરાખંડમાં વાસ્તવિક નિયંત્રણ રેખાથી માત્ર ૧૧ કિ.મી.ના અંતરે ૨૫૦ ઘરવાળા સરહદીય ગામનું નિર્માણ શરૂ કરી દીધું છે.
ચીન એલએસી પર ભારતને ઘેરવા માટે સતત પ્રયત્નો કરતું રહે છે. અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ચીનના સૈન્ય દ્વારા ઘર્ષણ ઊભું કર્યા પછી ચીને હવે ઉત્તરાખંડ તરફથી પણ ભારતને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ચીને ઉત્તરાખંડની સરહદ નજીક સરહદ રક્ષણ ગામો બનાવવાનું શરૂ કર્યું છે. ૨૫૦ ઘરવાળા આ સરહદીય ગામ એલએસીથી માત્ર ૧૧ કિ.મી.ના અંતરે બની રહ્યા છે.
ઉત્તરાખંડ નજીક એલએસીથી અંદાજે ૩૫ કિ.મી. દૂર અંદાજે ૫૫-૫૬ ઘરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ચીની સૈન્ય પીએલએના નિરીક્ષણમાં થઈ રહ્યું છે. ચીને સરહદ નજીક પૂર્વીય સેક્ટરમાં ૪૦૦ ગામ બનાવવાની યોજના બનાવી છે. ઉત્તરાખંડની ૩૫૦ કિ.મી.ની સરહદ ચીનને સ્પર્શે છે. ઉત્તરાખંડમાં મોટાભાગના સરહદીય ગામો આજીવિકાની અછતના કારણે ખાલી છે. બીજીબાજુ ચીન તેના ગામોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી રહ્યું છે.
દરમિયાન ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે બારાહોતીની સામેની બાજુ જ્યાં ભૂતકાળમાં બંને દેશોના સૈન્ય આમને-સામને હતા ત્યાં ચીન તિવ્ર ગતિએ ગામોનું નિર્માણ કરી રહ્યું છે. અહીં બહુમાળના બ્લોકોમાં ૩૦૦-૪૦૦ ઘર બની રહ્યા છે. એ જ રીતે કામેંગ ક્ષેત્રની સામે કુનામાં બે ગામ બની ગયા છે, જેમાં ૪૧ આવાસ, ગ્રીનહાઉસ અને સૌર પ્રકાશ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. અહીં ગામની બાજુમાં સૈન્ય પરિસર પણ બનાવાયા છે, જેમાં બહુમાળી ઈમારતો છે, જે સીસીટીવી અને વોચ ટાવરો સાથેની દિવાલોથી સુરક્ષિત છે. આ સાથે ચીની સૈન્યે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
પહેલાં એક સિઝનમાં એક વખત પેટ્રોલિંગ થતું હતું તેના બદલે હવે ૧૫ દિવસ અથવા તેનાથી ઓછા સમયમાં પેટ્રોલિંગ થવા લાગ્યું છે.
ભારત-ચીન સરહદ પર લિપુલેખ દર્દાની અંતિમ સરહદીય ચોકી સુધી જવા માટે રસ્તો વધુ સુગમ બનાવવા માટે ઉત્તરાખંડમાં ઘાટિયાબાગર-લિપુલેખ માર્ગ પર બુંદી અને ગરબિયાંગ વચ્ચે છ કિ.મી. લાંબી સુરંગ બનાવાશે.
બીઆરઓએ જણાવ્યું કે, સુરંગ બનાવવા માટે સર્વેક્ષણના કામનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તેમણે ઉમેર્યું કે, રૂ. ૨,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ચાર-પાંચ વર્ષમાં શરૂ થઈ શકે છે. આ પહેલાં એપ્રિલમાં ભારતીય સૈન્યે ભૂતાનમાં અમો ચૂ નદી ઘાટીમાં ચીન દ્વારા ઊભા કરાઈ રહેલા નિર્માણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હાલ સેટેલાઈટ મારફત લેવાયેલી તસવીરોમાં અમો ચૂમાં ટેલિકોમ્યુનિકેશન ટાવરોની સાથે પીએલએના સૈનિકોના સ્થાયી આવાસ પણ જોવા મળ ેછે. પીએલએના હજારો સૈનિકોને રાખવા માટે તાજેતરના મહિનાઓમાં લગભગ ૧,૦૦૦ સ્થાયી સૈન્ય ઝુંપડીઓની સાથે અનેક અસ્થાયી શેડ પણ બનાવાયા છે.
ચીને તિબેટના બે કસ્બાને 'શહેર'નો દરજ્જો આપ્યો
અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એલએસી નજીક ગામડાઓ વસાવવાની સાથે ચીને તિબેટના બે કસ્બાઓને શહેરનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. પૂર્વોત્તર ભારતના અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો મજબૂત કરવાના ભાગરૂપે તાજેતરમાં અરૂણાચલના ૧૧ વિસ્તારોનું ચાઈનીઝ નામકરણ કર્યા પછી ચીન સરહદે તેના પ્રોજેક્ટ્સ પર વધુ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જ ચીને તિબેટના બે કસ્બાને શહેરનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7iT4Yrg
No comments:
Post a Comment