
મુંબઇ,તાઃ 13 નવેમ્બર, 2020, શુક્રવાર
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ંઠંડી શરૃ થઇ છે ત્યારે તબીબી નિષ્ણાતોએ નાગરિકોને તેમના આરોગ્યની પૂરતી કાળજી રાખવાની સલાહ આપી છે.
તબીબી નિષ્ણાતોએ જોકે એવી સ્પષ્ટતા પણ કરી છે કે કોરોનાના ચેપની અસર ઠંડા વાતાવરણમાં પણ થાય છે તે વિશે હજી સુધી કોઇ જ નક્કર અભ્યાસ કે સંશોધન નથી થયું.આમ છતાં કોરોનાનાં લક્ષણો શરદી ,ઉધરસ અને તાવ પણ હોવાથી ચોમાસુ પુરું થયું અને શિયાળાની શરૃઆત થઇ હોવાથી આ ઋતુ પરિવર્તનથી લોકોને શરદી,ઉધરસ અને તાવની અસર થાય તે સ્વાભાવિક છે.એટલે કે આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિ ડોક્ટરની સારવાર લેવામાં કદાચ પણ વિલંબ કરે તો તેને કોરોનાની અસર હોવાની શક્યતા રહે. તેની પરિસ્થિતિ કદાચ ગંભીર પણ બની શકે.આમ શિયાળાની ઠંડી સાથે પ્રદૂષણમાં પણ વધારો થાય તો તેને કારણે કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ પણ રહે.
તબીબી નિષ્ણાતોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે દિલ્હીમાં શિયાળાની ઠંડીની અસર બહુ વહેલી અને વધુ શરૃ થતાં ત્યાં પ્રદૂષણની સમસ્યા પણ વકરી છે. પરિણામે દિલ્હીમાં કોરોનાનાં દરદીઓની સંખ્યામાં પણ અચાનક વધારો થયો હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે.
મુંબઇના એક તબીબી નિષ્ણાતે એવી સલાહ પણ આપી છે કે ખુલ્લા વાતાવરણમાં પ્રદૂષણની જેમ ઘરમાંના પ્રદૂષણથી પણ સાવચેત રહેવાની જરૃર છે.એટલે કે ઘરમાં ઘણાં લોકો રાતે મચ્છરથી રક્ષણ મેળવવા અમુક પ્રકારની કોઇલનો ઉપયોગ કરતાં હોય છે.ઉપરાંત, સવારે પૂજા-પાઠ દરમિયાન પણ અગરબત્તી પેટાવતાં હોય છે. મચ્છરની કોઇલથી અને અગરબત્તીથી ઘરમાં ધૂમાડો ફેલાઇ શકે અને ચેપી જંતુઓની અસર થઇ શકે.
હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ શિયાળામાં ઠંડીને કારણે અને પવનની ગતિ મંદ હોવાથી પ્રદૂષિત રજકણો વાતાવરણના નીચેના પટ્ટામાં જમા થઇ જાય.પરિણામે દમ કે અસ્થમાનાં દરદીઓને શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં મુશ્કેલી થાય.કહેવાનો અર્થ એ છે કે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં શિયાળાની ઠંડીની તીવ્ર અસર સાથે પ્રદૂષણ સમસસ્યા પણ શરૃ થઇ હોવાથી નાગરિકોએ ચહેરા પર માસ્ક પહેરવો,સાબુ કે સેનીટાઇઝરથી હાથ સ્વચ્છ કરવા અને એકબીજાથી સલામત અંતર પણ રાખવું વગેરે જેવી કાળજી રાખવાની જરૃર છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kb0cxn
No comments:
Post a Comment